- Agriculture
- રાજ્ય સરકાર મગ અને અડદ ટેકાના ભાવે ખરીદશે છતાં ખેડૂતો મૂંઝવણમાં
રાજ્ય સરકાર મગ અને અડદ ટેકાના ભાવે ખરીદશે છતાં ખેડૂતો મૂંઝવણમાં
રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કર્યા બાદ મગ અને અડદની ખરીદી ટેકાના ભાવે કરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં આજથી ગુજરાતના ખેડૂતો મગ અને અડદની ઓનલાઇન નોંધણી કરાવી શકશે. 34 APMC પરથી મગ અને 58 APMC પરથી અડદની ખરીદી કરવામાં આવશે. ઓનલાઇન નોંધણીની ખરીદીનો 10મી ડિસેમ્બરના રોજ પ્રારંભ કરવામાં આવશે. મગ અને અડદની ઓનલાઇન નોંધણી માટે ખેડૂતોએ 7-12નો ઉતારો, આધારકાર્ડ અને બેંક ખાતાની વિગતો આપવાની રહેશે. મગ અને અડદની ખરીદી કર્યા પછી તેના નાણા સરકાર દ્વારા સીધા ખેડૂતોના બેંક અકાઉન્ટમાં જમા કરવામાં આવશે.
આ બાબતે ખેડૂતોએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સરકાર ટેકાના ભાવે મગ અને અડદની ખરીદી કરી રહી છે એ ખૂબ જ સારી વાત છે પણ સરકાર જે સિસ્ટમથી ખરીદી કરી રહી છે એ સિસ્ટમ ખોટી છે. ખેડૂત 15 એકરમાં મગનું વાવેતર કરે અને આ 15 એકરમાં 90 ક્વિન્ટલ મગનું ઉત્પાદન થાય છે પણ સરકારની સિસ્ટમ અનુસાર 15 એકરની સામે 5 ક્વિન્ટલ કે 10 ક્વિન્ટલ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તો બાકીના મગ ખેડૂત કોને આપે? સરકારની આ ખરીદી પછી વેપારીઓ ગમે તેવા ભાવે ખેડૂતો પાસે મગ માગે છે. આ કારણે સરકાર દ્વારા ખેડૂતના બધા મગ ટેકાના ભાવે ખરીદવા જોઈએ. આ ઉપરાંત સરકારની આ સિસ્ટમના કારણે ખેડૂતોને પોતાનો પાક વેચવા માટે 2-3 દિવસ લાઇનમાં ઉભું રહેવું પડે છે.

