- Astro and Religion
- એ સ્થાન જ્યાં ભગવાન શિવે લીધી હતી મા પાર્વતીની પરીક્ષા, અનોખા રૂપમાં થાય છે શિવલિંગની પૂજા
એ સ્થાન જ્યાં ભગવાન શિવે લીધી હતી મા પાર્વતીની પરીક્ષા, અનોખા રૂપમાં થાય છે શિવલિંગની પૂજા
તામિલનાડુના કાંચીપુરમમાં આવેલું એકામ્બરેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત એક પ્રાચીન અને પવિત્ર સ્થળ છે. આ મંદિરમાં ભગવાન શિવની પૂજા એક ખાસ શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે. આ શિવલિંગને બાલુકા લિંગમ કહેવામાં આવે છે. આ શિવલિંગ રેતીની બનેલી છે અને તેને અત્યંત શક્તિશાળી અને દિવ્ય ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. અહીં ભગવાન શિવને 'એકામ્બરેશ્વર' અથવા 'એકમ્બરનાથ' નામથી ઓળખવામાં આવે છે.

આ મંદિર હિન્દુ ધર્મના શૈવ સંપ્રદાય માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે કેમ કે તે પંચ મહાભૂત સ્થળો (પાંચ તત્વોના મંદિરો)માંથી એક છે. તેને પૃથ્વી તત્વ સાથે સંબંધિત માનવામાં આવે છે. આ ભવ્ય મંદિરની ચારેય તરફ વિશાળ ગોપુરમ (પ્રવેશદ્વાર) બનાવવામાં આવ્યા છે, જેમાં દક્ષિણ દિશાનું ગોપુરમ સૌથી ઊંચું છે. આ મંદિરનું નિર્માણ શરૂઆતી કાળમાં ચોલ રાજવંશે 9મી સદીમાં કરાવ્યું હતું અને ત્યારબાદમાં વિજયનગર સામ્રાજ્યના શાસકોએ તેનો વિસ્તાર કરાવ્યો હતો. મંદિર પરિસરમાં એક વિશાળ અને પ્રાચીન આંબાનું ઝાડ છે. આ પવિત્ર ઝાડને લઇને માન્યતા છે કે તે 3500 કરતા વધુ વર્ષ જૂનું છે. આ ઝાડની વિશેષતા એ છે કે તેની દરેક ડાળી પર અલગ-અલગ રંગ અને સ્વાદની કેરી આવે છે.
એક પૌરાણિક કથા અનુસાર, મા પાર્વતીએ આ ઝાડ નીચે વેગવતી નદીના કિનારે તપસ્યા કરી હતી. તેમણે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા અને પોતાના પાપોમાંથી મુક્તિ મેળવવા માટે રેતીમાંથી શિવલિંગનું નિર્માણ કરીને તેની પૂજા કરી હતી. ભગવાન શિવે માતા પાર્વતીની પરીક્ષા લેવા માટે અગ્નિ પ્રગટ કરી, જેનાથી તેઓ સળગવા લાગ્યા. ત્યારે તેમણે પોતાના ભાઈ ભગવાન વિષ્ણુનું આહ્વાન કર્યું. વિષ્ણુજીએ શિવના માથા પર સ્થિત ચંદ્રની શીતળ કિરણોથી અગ્નિ શાંત કરી.
ત્યારબાદ શિવે પાર્વતીની તપસ્યામાં વિધ્ન નાખવા માટે ગંગા નદીને મોકલી, પરંતુ પાર્વતીએ ગંગાને પ્રાર્થના કરી કે તેઓ બંને બહેનો છે, અને તેમણે વિધ્ન ન નાખવું જોઈએ. ગંગાએ પાર્વતીની ભાવનાઓ સમજી અને તેમની સાધનામાં કોઈ વિધ્ન ન નાખ્યું.
શિવ-પાર્વતી વિવાહની પૌરાણિક કથા
એક અન્ય માન્યતા અનુસાર, જ્યારે દેવી પાર્વતી તપસ્યા કરી રહ્યા હતા, ત્યારે ભગવાન શિવે વેગવતી નદીમાં પૂર લાવી દીધું, જેના કારણે પાર્વતી દ્વારા બનાવવામાં આવેલું પૃથ્વી શિવલિંગ ધોવાઈ જવાની કગાર પર આવી ગયું હતું. દેવીએ તરત જ શિવલિંગને પોતાના આલિંગનમાં લઇ લીધું અને તેની રક્ષા કરી. આ ઘટનાને કારણે તેમને તામિલમાં તજુવા કુજનથાર કહેવામાં આવે છે. આ સમર્પણથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને માતાને વરદાન માગવા કહ્યું. ત્યારે મા પાર્વતીએ શિવ સાથે લગ્ન કરવાનું વરદાન માગ્યું અને ભગવાન શિવે તેમને પોતાના અર્ધાગિની બનાવી લીધા.

