- Business
- દિલ્હી અને મુંબઈને પાછળ છોડી બેંગલુરુ બની રહ્યું છે ભારતનું સૌથી આકર્ષિત રોકાણનું કેન્દ્ર! જાણો તેનુ...
દિલ્હી અને મુંબઈને પાછળ છોડી બેંગલુરુ બની રહ્યું છે ભારતનું સૌથી આકર્ષિત રોકાણનું કેન્દ્ર! જાણો તેનું કારણ શું છે?
રોકાણકારો મુંબઈ અને દિલ્હી કરતાં બેંગલુરુને પસંદ કરી રહ્યા છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં, બેંગલુરુએ પોતાની ઓળખ બનાવી છે. તાજેતરમાં જ નાઈટ ફ્રેન્ક દ્વારા રજૂ કરાયેલ Q2 2025 પ્રાઇમ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ (PGCI) રિપોર્ટ આ વાત સાબિત કરે છે. આ રિપોર્ટમાં, બેંગલુરુ, મુંબઈ અને દિલ્હી ત્રણેય શહેરોએ વિશ્વના ટોચના 15 શહેરોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
બેંગલુરુએ મુંબઈ અને દિલ્હીને પાછળ છોડીને ચોથું સ્થાન મેળવ્યું છે. આ પરિવર્તન પાછળ ઘણા મહત્વપૂર્ણ કારણો છે, જે બેંગલુરુને આકર્ષક રોકાણ કેન્દ્ર બનાવે છે. આ ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે, બેંગલુરુમાં રોકાણ કરવાથી વધુ અને ઝડપી વળતર મળી રહ્યું છે.
બેંગલુરુમાં પ્રાઇમ પ્રોપર્ટીના ભાવમાં વાર્ષિક 10.2 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ વધારો બેંગલુરુના મજબૂત ટેક સેક્ટરને કારણે છે. જ્યારે, મુંબઈ છઠ્ઠા નંબરે રહ્યું, જ્યાં પ્રાઇમ પ્રોપર્ટીના ભાવમાં 8.7 ટકાનો વધારો થયો છે. તેનું મુખ્ય કારણ શહેરમાં ચાલી રહેલા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ છે. દિલ્હીનો ક્રમ 15મો રહ્યો છે. અહીં પ્રીમિયમ પ્રોપર્ટીના ભાવમાં 3.9 ટકાનો વધારો નોંધાયો છે. આ પાછળનું કારણ પ્રીમિયમ ઘરોની સતત માંગ છે.
નાઈટ ફ્રેન્કનું PGCI તેના સંશોધન નેટવર્કમાંથી મૂલ્યાંકન-આધારિત ડેટાનો ઉપયોગ કરીને 46 વૈશ્વિક શહેરોમાં પ્રીમિયમ રહેણાંક મિલકતના ભાવમાં ફેરફારને ટ્રેક કરે છે. અહેવાલમાં જણાવાયું છે કે, વૈભવી ઘર બજારમાં વિશ્વભરમાં થોડી મંદી જોવા મળી છે, વાર્ષિક પ્રાઇમ પ્રાઈસ વૃદ્ધિ 3.5 ટકાથી ઘટીને 2.3 ટકા થઈ છે, પરંતુ આમ છતાં ભારતીય શહેરો મજબૂત રહે છે. આનું મુખ્ય કારણ એ છે કે, ભારતમાં લક્ઝરી ઘરોની માંગ ખૂબ ઊંચી છે, જેના કારણે તેમનો પુરવઠો મર્યાદિત થયો છે. આ ઉપરાંત, શહેરી કેન્દ્રોમાં વધતી મિલકતે પણ કિંમતોને ટેકો આપ્યો છે.
બેંગલુરુને 'ભારતની સિલિકોન વેલી' કહેવામાં આવે છે. અહીં ઘણી મોટી આંતરરાષ્ટ્રીય અને ભારતીય ટેક કંપનીઓ અને હજારો સ્ટાર્ટઅપ્સ છે. આ મજબૂત ટેક ઇકોસિસ્ટમ અહીં મોટી સંખ્યામાં વ્યાવસાયિકોને આકર્ષે છે, જેના કારણે ઘર ખરીદનારા અને ભાડે રાખનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. આ મજબૂત માંગે રિયલ એસ્ટેટના ભાવ સ્થિર રાખ્યા છે અને તેમને ઝડપથી વૃદ્ધિ કરવામાં મદદ કરી છે.
જ્યારે, બેંગલુરુમાં મેટ્રોનું સતત વિસ્તરણ, આઉટર રિંગ રોડ અને પેરિફેરલ રિંગ રોડ જેવા મોટા પ્રોજેક્ટ્સ કનેક્ટિવિટીમાં સુધારો કરી રહ્યા છે. આ માળખાગત પ્રોજેક્ટ્સ ફક્ત મુસાફરીને સરળ બનાવતા નથી પરંતુ રિયલ એસ્ટેટના મૂલ્યોમાં પણ વધારો કરે છે, કારણ કે લોકો એવા વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે જ્યાં તેમની ઓફિસ અને અન્ય સુવિધાઓ સરળતાથી સુલભ હોય. છેલ્લા દાયકામાં, બેંગલુરુ સ્ટાર્ટઅપ્સને 64 બિલિયન ડૉલરથી વધુનું ભંડોળ મળ્યું છે, જે સમગ્ર ભારતના સ્ટાર્ટઅપ ભંડોળના લગભગ 31 ટકા છે. આ રોકાણકારોના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે અને શહેરની આર્થિક સ્થિરતાને મજબૂત બનાવે છે.
બેંગલુરુમાં મુંબઈ અને દિલ્હી કરતાં સારું હવામાન છે. ઉપરાંત, અહીંની આધુનિક અને કોસ્મોપોલિટન સંસ્કૃતિ તેને રહેવા માટે એક આદર્શ શહેર બનાવે છે. સારી શાળાઓ, કોલેજો અને આરોગ્ય સેવાઓ પણ લોકોને અહીં સ્થાયી થવા માટે આકર્ષે છે.

