- Business
- ટેરિફને કારણે આ ક્ષેત્રને નથી મળી રહ્યા ઓર્ડર, ધંધો થઇ ગયો છે અડધો, CITI સર્વેમાં ટેરીફની અસરો જાહેર...
ટેરિફને કારણે આ ક્ષેત્રને નથી મળી રહ્યા ઓર્ડર, ધંધો થઇ ગયો છે અડધો, CITI સર્વેમાં ટેરીફની અસરો જાહેર થઇ!
ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ હજુ ચાલુ છે, અને હાલમાં અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ભારતની વાત કરીએ તો, ટ્રમ્પના ડબલ ટેરિફની સીધી અસર ભારતીય વ્યવસાયો પર દેખાવા લાગી છે. ખાસ કરીને કાપડ ઉદ્યોગ પર તેની ભારે અસર પડી છે. CITI સર્વેમાં તેની અસરો જાહેર કરવામાં આવી છે. નિકાસ પર 50 ટકા ટેરિફને કારણે, કાપડ અને તૈયાર કપડાં વિભાગ ઓછા ઓર્ડરનો સામનો કરી રહ્યું છે અને વ્યવસાયમાં લગભગ 50 ટકાનો ઘટાડો થવા પામ્યો છે. ચાલો જાણી લઈએ કે આ સર્વે પરથી શું શું તારણો નીકળ્યા છે...

ભારતીય કાપડ ઉદ્યોગના કોન્ફેડરેશન દ્વારા ભારતીય કાપડ ઉદ્યોગ પર US દ્વારા લગાવવામાં આવેલા 50 ટકા ટેરિફની અસર પર એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં જાણવા મળ્યું છે કે, વ્યવસાયમાં ઘટાડાનો સામનો કરી રહેલા વેપારીઓ સરકાર પાસેથી રાહત મળે તેવા પગલાંની આશા રાખી રહ્યા છે. સર્વેમાં સામેલ ઉદ્યોગ સહભાગીઓએ ઓછા ઓર્ડર સહિત અનેક મોટા પડકારોનો સામનો કરવાનો અહેવાલ આપ્યો છે. લગભગ 85 ટકા જવાબ આપનારાઓએ આ નિકાસ ટેરિફ લાદ્યા પછી ઓર્ડરમાં ઘટાડો અને ઇન્વેન્ટરીમાં વધારો થયાની વાત કરી હતી.
CITI સર્વેક્ષણના બે-તૃતીયાંશ જવાબ આપનારાઓએ જણાવ્યું હતું કે, માર્કેટમાં ટકી રહેવા માટે તેઓએ ફક્ત ઓર્ડર મેળવવા માટે તેમના ખરીદદારોને સરેરાશ 25 ટકા ડિસ્કાઉન્ટ આપવું પડ્યું હતું. આમ છતાં, એક-તૃતીયાંશ લોકોએ વ્યવસાયમાં 50 ટકાથી વધુનો ઘટાડો થયાનું કહ્યું હતું. સર્વેમાં લગભગ 30 ટકાએ એ વાતને સ્વીકારી હતી કે, આ ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકન ખરીદદારો દ્વારા માંગવામાં આવતી નોંધપાત્ર ડિસ્કાઉન્ટને આભારી છે. આ ઉપરાંત, 25 ટકા લોકોએ કહ્યું કે, ટેરિફ પછી ઓર્ડર રદ કરવા અથવા આગળ પછી આપીશું તેવું કહીને મુલતવી રાખવાથી વ્યવસાય વિખેરાઈ ગયો છે.
US ભારતીય કાપડ માટે ટોચના બજારોમાંનું એક છે, જે આ ક્ષેત્રમાં ભારતની વૈશ્વિક નિકાસના આશરે 28 ટકા હિસ્સો ધરાવે છે. CITIએ સપ્ટેમ્બરમાં USમાં નોંધપાત્ર રોકાણ કરનારા આ ક્ષેત્રના સાહસો પર આ સર્વેક્ષણ હાથ ધર્યું હતું. અમેરિકાએ શરૂઆતમાં ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો હતો, પરંતુ ત્યાર પછી ઓગસ્ટના અંતમાં રશિયન તેલ અને શસ્ત્રોની ખરીદીનો ઉલ્લેખ કરીને તેને વધારીને 50 ટકા કર્યો હતો.
આ આંકડો ભારતને બ્રાઝિલ સાથે સૌથી વધુ ટેરિફ ધરાવતા દેશોની લિસ્ટમાં ઉમેરે છે. કાપડ અને તૈયાર વસ્ત્રના ક્ષેત્રમાં ભારત પર લાગેલા આ ઊંચા ટેરિફ, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા સ્પર્ધાત્મક દેશોની નિકાસને ફાયદો કરાવતા દેખાય છે, કારણકે તે બંને પર ભારત કરતા ઘણો ઓછો 20 ટકા ટેરિફ ધરાવે છે. જોકે, ટ્રમ્પ ટેરિફ ફક્ત કાપડને જ અસર કરી રહ્યા નથી; અન્ય ઘણા ક્ષેત્રોની નિકાસને પણ અસર થઈ રહી છે, તેઓ સરકાર તરફથી રાહતના ઉપાયોની આશા રાખી રહ્યા છે.

