- Business
- દરેક સોનું ખરીદી રહ્યું છે, તો RBIએ કેમ બદલી પોતાની રણનીતિ? કારણ શું છે?
દરેક સોનું ખરીદી રહ્યું છે, તો RBIએ કેમ બદલી પોતાની રણનીતિ? કારણ શું છે?
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 2025માં સોનાની ખરીદીમાં ભારે ઘટાડો કર્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ, RBIએ 2025માં માત્ર 4.02 ટન સોનું ખરીદ્યું હતું, જ્યારે 2024માં 72.6 ટન હતું. એટલે જે આ એક જ વર્ષમાં લગભગ 94%નો મોટો ઘટાડો આવ્યો છે.
ભલે ખરીદીમાં ઘટાડો થયો હોય, પરંતુ RBIના કુલ સોનાના ભંડાર રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. હાલમાં RBI પાસે કુલ 880.2 ટન સોનું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. નવેમ્બર 2025 સુધીમાં RBIના સોનાના રિઝર્વનું મૂલ્ય 100 અબજ ડોલરને વટાવી ગયું છે. આટલું જ નહીં, ભારતના વિદેશી વિનિમય ભંડારમાં સોનાનો હિસ્સો પણ રેકોર્ડ ઉચ્ચ સ્તરે છે. એક વર્ષમાં સોનાનો હિસ્સો લગભગ 10% થી વધીને 16% થઇ ગયો છે. માર્ચ 2021માં, આ હિસ્સો માત્ર 5.87% હતો. એટલે કે 5 વર્ષમાં RBIએ તેના ભંડારમાં સોનાનું વજન લગભગ ત્રણ ગણું વધારી દીધું છે.
અહેવાલ મુજબ, RBIએ સોનાની ખરીદી ઘટાડી કારણ કે તેના ભંડારમાં સોનાનો હિસ્સો પહેલાથી જ ખૂબ વધી ગયો હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું માનવું છે કે ઊંચા ભાવ અને રિઝર્વમાં સોનાનો હિસ્સો વધતા RBI હવે વધુ સંતુલિત રીતે રિઝર્વનું સંચાલન કરી રહી છે.
RBIનું સોનું ક્યાં રાખ્યું છે?
RBIનું બધુ સોનું ભારતમાં રાખવામાં આવ્યું નથી. માર્ચ 2025 સુધી RBI પાસે 879.59 ટન સોનું હતું, જેમાંથી લગભગ 512 ટન ભારતમાં રાખવામાં આવ્યું હતું. બાકીનું સોનું બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (BIS) પાસે સુરક્ષિત રાખવામા આવ્યું છે. કેટલુંક સોનું ગોલ્ડ ડિપોઝિટના રૂપમાં પણ રાખવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વભરની સેન્ટ્રલ બેંકો પણ મોટા પાયે સોનું ખરીદી રહી છે. ડિસેમ્બર 2025 સુધીમાં વૈશ્વિક સેન્ટ્રલ બેંકો પાસે કુલ 32,140 ટન સોનું છે.
વર્ષ 2022માં ખરીદી: 1082 ટન
વર્ષ 2023માં ખરીદી: 1037 ટન
વર્ષ 2024માં રેકોર્ડ: 1180 ટન
વર્ષ 2025માં પણ ખરીદી 1000 ટનથી ઉપર રહેવાની ધારણા છે.
ડોલર પછી સોનું હવે સેન્ટ્રલ બેંક રિઝર્વમાં બીજા ક્રમનું સૌથી મહત્ત્વપૂર્ણ એસેટ બની ગયું છે. સોનાનો હિસ્સો 20% સુધી પહોંચી ગયો છે, જે યુરો (16%) થી પણ વધુ છે. રસપ્રદ વાત એ છે કે, હવે સેન્ટ્રલ બેંકો પાસે US ટ્રેઝરી બોન્ડ કરતા વધુ સોનું વે છે. 1996 પછી પહેલી વાર આવું બન્યું છે.
સોનાના ભાવ કેમ વધ્યા?
2022થી સોનાના ભાવમાં લગભગ 175%નો વધારો થયો છે. તેનું મુખ્ય કારણ સેન્ટ્રલ બેંકો દ્વારા ભારે ખરીદી અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે છે. માત્ર 2025માં જ, સોનામાં 65% થી વધુનો વધારો થયો હતો કારણ કે રોકાણકારો તેને સુરક્ષિત રોકાણ માને છે. જ્યારે RBI ખરીદીમાં ભલે ઘટાડો થયો હોય, પરંતુ ભારતનું ગોલ્ડ રિઝર્વ પહેલા કરતા વધુ મજબૂત છે. એ સ્પષ્ટ છે કે RBI હવે વધુ પડતી ખરીદી કરવાને બદલે સ્માર્ટ મેનેજમેન્ટની રણનીતિ પર ચાલી રહ્યું છે.

