- Business
- GST ઘટીને 0 થવા છતા 1-4% સુધી મોંઘા થઈ શકે છે ઇન્શ્યોરન્સ પ્રીમિયમ, જાણો કેવી રીતે
GST ઘટીને 0 થવા છતા 1-4% સુધી મોંઘા થઈ શકે છે ઇન્શ્યોરન્સ પ્રીમિયમ, જાણો કેવી રીતે
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી 56મી GST કાઉન્સિલની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો. આ બેઠકમાં હેલ્થ અને લાઈફ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર લાગતો 18% GST ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવ્યો છે. આ પગલાને સામાન્ય ગ્રાહકો માટે રાહત માનવામાં આવી રહી છે, પરંતુ બ્રોકરેજ કંપનીઓનું કહેવું છે કે તેના કારણે ઇન્શ્યોરન્સ કંપનીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો લાભ મળતો બંધ થઈ જશે, જેના કારણે ઇન્શ્યોરન્સ પ્રીમિયમ 1-4% સુધી મોંઘુ થઈ શકે છે.
હેલ્થ અને લાઈફ ઇન્શ્યોરન્સ પર GST લાંબા સમયથી વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. એક તરફ ઈન્ડસ્ટ્રી અને ગ્રાહકો તેના પર ટેક્સ ઘટાડવાની માગ કરી રહ્યા હતા. બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારો આવકમાં ઘટાડાના ડરથી ખચકાટ અનુભવી રહી હતી. બ્રોકરેજ ફર્મ Emkay ગ્લોબલે કહ્યું કે, GSTમાં ઘટાડો ગ્રાહકો માટે સારા સમાચાર છે, પરંતુ તેનાથી ઘણા સવાલો પણ ઉભા થયા છે. જેમ કે કઈ-કઈ પ્રોડક્ટ કેટેગરી પર તેની અસર થશે અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ને લઈને ઇન્શ્યોરન્સ કંપનીઓને કેવા પ્રકારની રાહત મળશે.
બ્રોકરેજ કંપનીઓનું કહેવું છે કે, શૂન્ય GSTના કારણે ગ્રાહકોનો પ્રીમિયમ ખર્ચ સીધો ઘટશે અને ઇન્શ્યોરન્સ કંપનીઓએ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડવો જ પડશે. એટલે કે ગ્રાહકોને હવે પ્રીમિયમ ચૂકવણી પર 18% વધારાનો GST ચૂકવવો નહીં પડે.
જોકે, હવે ઇન્શ્યોરન્સ કંપનીઓ સામે એક મોટો પડકાર ઉભો થઇ ગયો છે. અગાઉ તેઓ એજન્ટ કમિશન અને અન્ય સેવાઓ પર આપવામાં આવતા GSTને ITCના રૂપમાં એડજસ્ટ કરી લેતા હતા, પરંતુ હવે ટેક્સ શૂન્ય હોવાથી આ સુવિધા સમાપ્ત થઈ ગઈ છે અને કંપનીઓએ આ ખર્ચ જાતે ઉઠાવવો પડશે. કંપનીઓ ખર્ચની ભરપાઈ કરવા માટે બેઝ પ્રીમિયમ વધારી શકે છે. ગ્લોબલ બ્રોકરેજ કંપની CLSAનું કહેવું છે કે, ઇન્શ્યોરન્સ કંપનીઓ પોતાના ખર્ચની ભરપાઈ કરવા માટે પ્રીમિયમમાં 1-4% વધારો કરી શકે છે. SBI Lifeનો ઓપરેટિંગ ખર્ચ સૌથી ઓછો છે. એવામાં શક્ય છે કે તેના પ્રીમિયમમાં સૌથી ઓછો વધારો થાય. છતા ગ્રાહકો માટે આ બોજ પહેલા કરતા ઓછો હશે કારણ કે હવે તેમને 18% GST ચૂકવવો નહીં પડે.
પ્રીમિયમ પર કેવી અસર થશે?
માની લો કે પોલિસીનું પ્રીમિયમ 100 રૂપિયા છે. અગાઉ તેના પર ગ્રાહક પાસેથી 18% GST જોડીને 118 રૂપિયા વસૂલવામાં આવતા હતા. જો ઇન્શ્યોરન્સ કંપનીને તેમાં કમિશન અને અન્ય સેવાઓ પર 35 રૂપિયા ખર્ચ કરવો પડતો હતો, તો તેના પર 6.3 રૂપિયા GST વસૂલવામાં આવતો હતો, જે 35 રૂપિયાના 18 ટકા છે. આ ITC દ્વારા એડજસ્ટ કરી લેવામાં આવતું હતું.
ઇન્શ્યોરન્સ કંપની 6.3 રૂપિયાની આ રકમ GST કલેક્શનમાંથી એડજસ્ટ કરી લેતી હતી અને સરકાર પાસે માત્ર 11.7 રૂપિયા જમા થતા હતા, પરંતુ હવે GST દૂર થયા બાદ આ ITC લાભ નહીં મળે. એટલે ઇન્શ્યોરન્સ કંપનીને પોતાનો ખર્ચ કાઢવા માટે પ્રીમિયમ વધારીને 106.3 રૂપિયા કરવું પડી શકે છે.

