- Business
- નોકરાણી, ડ્રાઇવર-રસોઈયા બદલ 5 ટકા વેલફેર ફી ચૂકવવી પડી શકે છે
નોકરાણી, ડ્રાઇવર-રસોઈયા બદલ 5 ટકા વેલફેર ફી ચૂકવવી પડી શકે છે
નોકરાણી, ડ્રાઇવર અથવા રસોઈયા વિના શહેરોમાં ઘર ચલાવવું પહેલાથી જ મુશ્કેલ છે. પરંતુ કર્ણાટક સરકારના એક નવા પગલાથી આ સુવિધા હવે વધારે મોંઘી થઈ શકે છે. સરકાર ઘરેલુ કામદારો માટે ઘરેલુ કામદારો બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ બિલ હેઠળ, નોકરાણી, ડ્રાઇવર, આયા, રસોઈયા અથવા અન્ય કોઈપણ ઘરેલુ કામદારને નોકરી પર રાખનારાઓએ 5 ટકા સુધી કલ્યાણ (Welfare) ફી ચૂકવવી પડી શકે છે. વધુમાં, દરેક ઘરેલુ કામદાર અને નોકરીદાતા માટે સરકારના ડિજિટલ પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.
શહેરોમાં ઘરેલુ કામદારોની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ આ ક્ષેત્ર મોટાભાગે અસંગઠિત રહ્યું છે. કામદારોને ઘણીવાર ઓછા અથવા અનિયમિત વેતન, સામાજિક સુરક્ષાનો અભાવ અને શોષણ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કર્ણાટક સરકાર જણાવે છે કે, આ બિલનો હેતુ આ કામદારોને સામાજિક સુરક્ષા, લઘુત્તમ વેતન અને કલ્યાણ યોજનાઓના લાભો પૂરા પાડવાનો છે.
નોંધણી અને ફી વસૂલાત કેવી રીતે કરવામાં આવશે?- ડ્રાફ્ટ બિલ મુજબ, દરેક ઘરેલુ કામદાર, નોકરીદાતા, એજન્સી અને એપ-આધારિત પ્લેટફોર્મે ફરજિયાત નોંધણી કરાવવી પડશે. નોકરીદાતા અથવા એજન્સીએ કામદારના પગારના 5 ટકા સુધીની કલ્યાણ ફી સરકાર દ્વારા બનાવેલા ભંડોળમાં જમા કરાવવી પડશે. આ રકમ ત્રિમાસિક અથવા છ મહિનામાં ડિજિટલ વ્યવહારો દ્વારા જમા કરાવવી પડશે. જો જમા કરાયેલ રકમ અને અપલોડ કરેલા સ્ટેટમેન્ટ વચ્ચે કોઈ વિસંગતતા જોવા મળે છે, તો નોકરીદાતાને દંડ કરવામાં આવશે.
આ ભંડોળ કર્ણાટક રાજ્ય ઘરેલુ કામદાર સામાજિક સુરક્ષા અને કલ્યાણ બોર્ડની રચના કરશે, જે કલ્યાણ યોજનાઓનું સંચાલન કરશે અને ફરિયાદોનું નિરાકરણ કરશે. કામદારોને કાર્યસ્થળ પર થયેલી ઇજાઓ પર વળતર મળશે, આ ઉપરાંત તબીબી ખર્ચ, પેન્શન અને શિક્ષણ સહાય, પ્રસૂતિ લાભો, સાપ્તાહિક અને વાર્ષિક રજા, તાલીમ કાર્યક્રમો અને કૌશલ્ય વિકાસ અને અંતિમ સંસ્કાર સહાય માટે વળતર મળશે.
બિલના ડ્રાફ્ટમાં જણાવાયું છે કે, લેખિત કરાર વિના ઘરેલુ કામદારને નોકરી પર રાખવું ગેરકાયદેસર રહેશે. આ કરારમાં પગાર, કામના કલાકો, રજાઓ અને કલ્યાણ ફી જેવા નિયમો અને શરતો સ્પષ્ટપણે જણાવવામાં આવશે.
કર્ણાટકના શ્રમ મંત્રી સંતોષ લાડે કહ્યું, 'અમે ઘરેલુ કામદારોને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માંગીએ છીએ. આ ક્ષેત્ર અસંગઠિત છે, અને ખાસ કરીને મહિલાઓએ તેના પરિણામો ભોગવવા પડતા હોય છે.' આ ઉપરાંત, સામાજિક કાર્યકર્તા રૂથ મનોરમાએ જણાવ્યું હતું કે, 'વર્ષોની માંગણી પછી આ બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે. તે આવકાર્ય છે, પરંતુ તેમાં કેટલાક સુધારાની જરૂર પડશે.'

