- Business
- શું CIBIL સ્કોર ખરાબ હોય તો બેન્કમાં નોકરી પર લટકી શકે છે તલવાર, જાણો શું છે મામલો
શું CIBIL સ્કોર ખરાબ હોય તો બેન્કમાં નોકરી પર લટકી શકે છે તલવાર, જાણો શું છે મામલો
મોટાભાગના લોકોને એ તો ખબર જ હશે કે જો CIBIL સ્કોર ખરાબ હોય તો બેન્કો કે નાણાકીય સંસ્થાઓ લોન આપતી નથી, પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે જો CIBIL સ્કોર ખરાબ હોય તો નોકરી પણ જઇ શકે છે. આવા જ એક કેસમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ CIBIL સ્કોર નબળો હોવાને કારણે એક કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. એટલું જ નહીં, મદ્રાસ હાઈકોર્ટે પણ કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવાના SBIના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.
હાઈ કોર્ટે બરતરફ કરાયેલા કર્મચારીની અરજી ફગાવી દીધી છે. હાલનો કેસ ચેન્નાઈમાં SBIમાં સર્કલ બેઝ્ડ ઓફિસર (CBO)ની નિમણૂકનો હતો. CIBIL સ્કોર ખરાબ હોવાના આધાર પર નિમણૂક પત્ર રદ કરીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલા કર્મચારી પી. કાર્તિકેયને મદ્રાસ હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરીને નોકરીમાંથી કાઢી મૂકવાના આદેશને રદ કરવા અને તેને ફરીથી નોકરી પર રાખવાના આદેશની માગણી કરી હતી.
મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ એન. માલાએ 2 જૂનના રોજ આપેલા આદેશમાં અરજી ફગાવી દીધી હતી. હાઈ કોર્ટે આદેશમાં કહ્યું હતું કે આ કેસમાં એક અન્ય મહત્ત્વપૂર્ણ પાસું છે, જેનો અહીં ઉલ્લેખ કરવાની આવશ્યકતા છે અને તે એ છે કે બેન્કે વિવેકપૂર્ણ નિર્ણય લીધો કે જે ઉમેદવારે લોન ચૂકવવામાં ચૂંક કરી હોય અને ખરાબ CIBIL સ્કોરવાળો અથવા બાહ્ય એજન્સીઓનો પ્રતિકૂળ રિપોર્ટવાળાઓને અયોગ્ય માન્યા છે. કોર્ટે કહ્યું કે તેની પાછળ સંભવિત કારણ એ હોઈ શકે છે કે બેન્કિંગના કામકાજમાં લોકો પબ્લિક મનીથી ડીલ કરે છે અને એટલે કડક નાણાકીય અનુશાસન બનાવી રાખવાની આવશ્યકતા હોય છે.
આ ઉપરાંત, સાર્વજનિક નાણાં સંબંધિત કાર્યકુશળતા હોવી જોઈએ. હાઈકોર્ટે કહ્યું કે નબળું નાણાકીય અનુશાસન અથવા જેમની પાસે નાણાકીય અનુશાસન નથી તેમના પર સાર્વજનિક ધન સાથે સંબંધિત કામ કરવા માટે ભરોસો નહીં કરી શકાય. બેન્ક તરફથી રજૂ કરાયેલા CIBIL રિપોર્ટને જોઈને કોર્ટને જાણવા મળ્યું કે બેન્ક અનુસાર, વર્ષ 2016 થી 2021 દરમિયાન અરજીકર્તા સામે 9 અનિયમિત ક્રેડિટ ફેસેલિટી હતી અને 10થી વધુ લોન તપાસ હતી. કોર્ટે કહ્યું કે અરજદારે લોન ચૂકવણીમાં ચૂંકની વાત પણ સ્વીકારી છે. એવામાં કોર્ટે ભેદભાવની દલીલ નકારતા અરજી ફગાવી દીધી.
શું હતું મામલો
આ મામલે અરજદારે SBIમાં CBO ભરતીની 27 જુલાઈ 2020ના રોજ નીકળેલી નોટિફિકેશન હેઠળ અરજી કરી હતી. લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પાસ કર્યું સાથે જ, મેડિકલ તપાસ અને બધા પ્રમાણપત્રો અને CIBIL જોયા બાદ તેને 12 માર્ચ 2021ના રોજ નિમણૂક પત્ર આપવમાં આવ્યો હતો. તેનું કહેવું હતું કે, 12 માર્ચ 2021ના રોજ, બેન્કે તેનો CIBIL રિપોર્ટ જોયો અને 16 માર્ચે તેની ચકાસણી કરીને અરજદાર પાસેથી સ્પષ્ટતા માગવામાં આવી હતી.
અરજદારે સ્પષ્ટતા આપી અને નોકરી ચાલુ રાખવાનો અનુરોધ કર્યો પરંતુ બેંકે ખરાબ CIBIL રિપોર્ટના આધાર પર તેનો નિમણૂક પત્ર રદ કરી દીધો. જ્યારે અરજદારનું કહેવું હતું કે અધિસૂચનાની તારીખ પર તેની પાસે કોઈ લોન બાકી નહોતી અને તેણે બધી લોન ચૂકવી દીધી હતી, એવામાં પાત્રતા નિયમ કલમ 1 (E)ને આધાર બનાવીને તેને નોકરીમાંથી કાઢવાનું ખોટું છે, પરંતુ બેન્કે હાઈકોર્ટને જણાવ્યું હતું કે પાત્રતાના માપદંડ મુજબ, લોન ચૂકવવામાં ચૂક કરનારા ખરાબ CIBIL સ્કોરવાળા અથવા તેની બાબતે બાહ્ય એજન્સીઓના પ્રતિકૂળ રિપોર્ટવાળા ઉમેદવાર નિમણૂક માટે યોગ્ય નહોતા. કહ્યું કે અરજદારના CIBIL રિપોર્ટમાં લોન ચૂકવણી અને ક્રેડિટ કાર્ડના ઉપયોગ બાબતે પ્રતિકૂળ ક્રેડિટ ઇતિહાસની જાણકારી મળી છે એટલે તેને પાત્રતા માપદંડની કલમ 1 (E) હેઠળ અયોગ્ય ઠેરવવામાં આવ્યો છે.
બેન્કે એમ પણ કહ્યું હતું કે અરજદારે આ મહત્ત્વપૂર્ણ માહિતી છુપાવી હતી અને એવામાં તેને નોકરી ચાલુ રાખવાનો દાવો કરવાનો અધિકાર નથી. અરજદારે લોનના એક કરતા વધુ હપ્તા ચૂકવ્યા નહોતા, એટલે તે બીજા કેસોની તુલના નહીં કરી શકે, તેનો કેસ અલગ છે.

