- Entertainment
- ધર્મેન્દ્ર બાદ પ્રેમ ચોપરાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, જમાઈએ આપ્યું હેલ્થ અપડેટ
ધર્મેન્દ્ર બાદ પ્રેમ ચોપરાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, જમાઈએ આપ્યું હેલ્થ અપડેટ
સુપરસ્ટાર ધર્મેન્દ્રના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર બાદ પીઢ અભિનેતા પ્રેમ ચોપરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને સાવચેતીના પગલા તરીકે અહી લઈ જવામાં આવ્યા છે. બોલિવુડ અભિનેતા પ્રેમ ચોપરાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીઢ અભિનેતાના જમાઈ વિકાસ ભલ્લાએ જણાવ્યું હતું કે, તેમની તબિયત સ્થિર છે અને તેઓ સ્વસ્થ છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તેમને થોડા દિવસોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, વિકાસ ભલ્લાને જણાવ્યું હતું કે, ‘આ ઉંમર સંબંધિત સમસ્યા છે અને નોર્મલ રૂટિન છે. ચિંતા કરવા જેવી કોઈ વાત નથી.’ પ્રેમ ચોપરા 23 સપ્ટેમ્બર 2025ના રોજ 90 વર્ષના થયા હતા. પરિવારે જણાવ્યું હતું કે તેમને ઉંમર સંબંધિત પરેશાનીઓને કારણે નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અભિનેતા ‘ઉપકાર’, ‘બોબી’, ‘દો અંજાને’, અને ‘ક્રાંતિ’ જેવી ફિલ્મોમાં ખલનાયક ભૂમિકાઓ માટે જાણીતા છે. પ્રેમ ચોપરાએ પોતાની છ દાયકાની કારકિર્દીમાં 350થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. 2023માં તેમને ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રેમ ચોપરાનો જન્મ પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. તેમણે શરૂઆતમાં પત્રકાર તરીકે કામ કર્યું હતું, પછી તેઓ પંજાબી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ તેઓ હિન્દી સિનેમા તરફ વળ્યા. તેમણે ફિલ્મ ‘શહીદ’માં તેમની પહેલી મુખ્ય ભૂમિકા ભજવી, ત્યારબાદ ‘ઉપકાર’ અને ‘બોબી’ જેવી ફિલ્મો આવી. તેમણે મોટે ભાગે ખલનાયકોની ભૂમિકા ભજવી, જોકે તેમણે પોઝિટિવ ભૂમિકાઓથી પણ દર્શકોને પ્રભાવિત કર્યા.
ફિલ્મ ‘બોબી’નો પ્રખ્યાત ડાયલોગ, ‘પ્રેમ નામ હૈ મેરા, પ્રેમ ચોપરા’, તેમની ઓળખ બની ગયો. પ્રેમ ચોપરાએ તેમના સમયના તમામ મુખ્ય સ્ટાર્સ સાથે કામ કર્યું. તેમણે રાજેશ ખન્ના સાથે 20થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. બાદમાં તેમણે કોમેડી ભૂમિકાઓ પણ ભજવી. નવા દૌરમાં તેઓ ફિલ્મો સાથે ટેલિવિઝનમાં પણ દેખાયા હતા.

