- Governance
- 100 ગ્રામ પંચાયતોમાં પ્લાસ્ટિક વેસ્ટના રિસાયકલીંગ અને નિકાલની ગાઈડલાઈન અપાશે
100 ગ્રામ પંચાયતોમાં પ્લાસ્ટિક વેસ્ટના રિસાયકલીંગ અને નિકાલની ગાઈડલાઈન અપાશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર મે મહિના દરમિયાન રાજ્યમાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત જળાશયો અને જળસ્ત્રોતો ઊંડા કરવાનું અભિયાન સફળતાપૂર્વક હાથ ધરાયું હતું. આ અભિયાન સરકાર અને લોકોના સહયોગથી 100 ટકાથી વધુ સફળતા મળી છે. વર્ષ 2018માં યુનાઇટેડ નેશન્સ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનનું યજમાનપદ ભારતને આપવામાં આવ્યું છે ત્યારે તેને સફળ બનાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અભિયાનની અનુગામી કામગીરી તરીકે વિશ્વ પર્યાવરણ દિવસની મુખ્ય થીમને સાંકળી લઇને એક અઠવાડીયા સુધી પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરીને ગુજરાતને પ્લાસ્ટિક પ્રદૂષણમુક્ત બનાવવાની નેમ વ્યક્ત કરી છે.
આ પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય વિસ્તાર અભિયાનનો આજથી; એટલે કે તા. 5-જૂન વિશ્વ પર્યાવરણ દિનથી અમલ શરૂ થયો છે. જેમાં રાજ્ય સરકારના ગ્રામવિકાસ વિભાગ દ્વારા રાજ્યના રૂર્બન વિસ્તાર તરીકે ઓળખાતા 100 મુખ્ય ગામોમાં જનભાગીદારી થકી ‘પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત પ્લાસ્ટિક વપરાશમાં ઘટાડો, પુન:વપરાશ અને રિસાયકલ માટે જનજાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરાશે.
પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યભરના ૧૫ જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા 100 ગામોમાં તા.૫મી જૂનના રોજ ગામના પ્રવેશદ્વાર, જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો, મુખ્ય માર્ગોની સફાઇ, શાકભાજી બજાર, બસ સ્ટેન્ડની સાફ-સફાઇ તથા પ્લાસ્ટિક અને અન્ય રિસાઇકલ્સ કરી શકાય તેવો કચરો છૂટો કરાશે. તા.6 જૂનના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત કચેરી, હોસ્પિટલ, અન્ય સરકારી સંસ્થાઓની સાફ-સફાઇ તા.7 જૂનના રોજ ફળિયાવાર ઘેરઘેરથી સાફ સફાઇ, તા.8 જૂનના રોજ શાળા-આંગણવાડી સફાઇ, ભીના કચરામાંથી માઇક્રો કમ્પોસ્ટ પદ્ધતિ દ્વારા ખાતર બનાવવું, ગામમાં પ્લાસ્ટિક શ્રેડીંગ મશીનથી નિકાલ અંગે પ્રેઝન્ટેશન, તા.9 જૂનના રોજ પ્લાસ્ટિક કચરાના ઓછા વપરાશ, પુન:ઉપયોગ અંગે માર્ગદર્શન તથા સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા જ્યુટ બેગ તૈયાર કરવી અને ડેમોન્સ્ટ્રેશન.
ગ્રામ્ય સ્તરે એકઠી થયેલી પ્લાસ્ટિક પસ્તીનું વેચાણ, તા.10 જૂનના રોજ પ્લાસ્ટિકનું રિસાયકલીંગ કરી વેચાણ માટે ડેમોન્સ્ટ્રેશન અને તા.11 જૂનના રોજ ગ્રામસભા દ્વારા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો તેમજ ગ્રામ સ્તરે સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ, પ્લાસ્ટિકના ઉત્પાદન-સંગ્રહ-વેચાણ અને વપરાશ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ પ્લાસ્ટિક જ્યાં ત્યાં નિકાલ ન કરવા અંગે લોકોને માર્ગદર્શન આપી દંડની જોગવાઇ કરવા અંગે કાર્યવાહી કરાશે.
આ ઉપરાંત આઇ.ઇ.સી. દ્વારા તા.4થી જૂન થી 11મી જૂન દરમિયાન સ્વચ્છતા અંગે પ્રભાતફેરી, ઓડિયો-વિઝયુઅલ પ્રવૃત્તિઓ થકી ગ્રામ પંચાયતોમાં વીડિયો કલીપનું નિદર્શન, પ્લાસ્ટિકના ગેરફાયદા અંગે રોડ-શૉ, પ્લાસ્ટિકના ઉપયોગના બદલે વૈકલ્પિક વસ્તુના ઉપયોગ તેમજ બિનઉપયોગી પ્લાસ્ટિકના પુન: ઉપયોગ માટે જનજાગૃતિ લાવવા શેરી નાટકો-લોકડાયરા પણ યોજાશે. ઉપરાંત ગ્રામસ્તરે ભીંતચિત્રો, ફળીયાવાર વિવિધ સ્પર્ધા, સોશ્યલ મીડિયા દ્વારા પ્રચાર-પ્રસાર તથા શાળા-આંગણવાડીમાં પણ વીડિયો દ્વારા માર્ગદર્શન અપાશે.

