- Gujarat
- ગુજરાતમાં સિઝનનો 106% વરસાદ, 392 રસ્તા બંધ – 8357 લોકોનું કરાયું સ્થળાંતર
ગુજરાતમાં સિઝનનો 106% વરસાદ, 392 રસ્તા બંધ – 8357 લોકોનું કરાયું સ્થળાંતર
ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે અને ડેમો ઓવરફ્લો થયા છે. સતત વરસાદથી અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્યમાં હાલ 392 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
સિઝનનો 106% વરસાદ
ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા સોમવારે જાહેર કરાયેલા "ચોમાસું-2025" રિપોર્ટ મુજબ, આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 943 મિ.મી. વરસાદ નોંધાયો છે, જે સિઝનના સરેરાશ કરતાં 106 ટકા છે. 24 તાલુકામાં 251થી 500 મિ.મી., 143 તાલુકામાં 501થી 1000 મિ.મી., 84 તાલુકામાં 1000 મિ.મી.થી વધુ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 222 તાલુકામાં વરસાદ પડ્યો છે. સવારે 6થી સાંજે 4 સુધીમાં કચ્છના લખપતમાં 5.12 ઇંચ, રાપરમાં 4.72 ઇંચ, બનાસકાંઠાના ભાભરમાં 4.29 ઇંચ, ભચાઉમાં 4.13 ઇંચ અને નખત્રાણામાં 3.58 ઇંચ વરસાદ નોંધાયો છે.
132 ડેમ હાઈ અલર્ટ પર
ગુજરાતના 206 ડેમમાંથી હાલમાં 132 ડેમ હાઈ અલર્ટ પર છે, 19 ડેમ માટે અલર્ટ અને 14 માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. રાજ્યના 101 ડેમ 100% ભરાઈ ગયા છે, જ્યારે 64 ડેમ 70થી 100% ક્ષમતા સુધી ભરાયા છે. નર્મદા ડેમ પણ 91% સુધી ભરાયો છે.
8357 લોકોનું સ્થળાંતર
SEOCના આંકડા મુજબ, 1 જૂનથી 8 સપ્ટેમ્બર, 2025 દરમિયાન અતિભારે વરસાદને કારણે રાજ્યભરમાં 8357 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. ઉપરાંત, આપત્તિજનક પરિસ્થિતિમાં અત્યાર સુધીમાં 1154 લોકોને બચાવાયા છે.

