- Gujarat
- ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ શરૂ : કેટલાક વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે જશે
ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ શરૂ : કેટલાક વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે જશે
ગુજરાતમાં શિયાળાનો પહેલો જોરદાર રાઉન્ડ આવવા જઈ રહ્યો છે. હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટી અનુસાર, આજથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાપમાન ધીમે ધીમે ઘટવાનું શરૂ થઈ જશે.અથ્રેયા શેટ્ટીએ જણાવ્યું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં આવતા એક અઠવાડિયા સુધી ઠંડીનો પ્રભાવ રહેશે.

તેમના અનુમાન મુજબ, ઉત્તર ગુજરાતમાં તાપમાન 8 ડિગ્રી સુધી ગગડી શકે છે, જ્યારે કચ્છમાં 8 થી 10 ડિગ્રી વચ્ચે ઠંડી નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ પારો 8 થી 18 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રીથી પણ નીચે જઈ શકે છે.
અથ્રેયા શેટ્ટીએ જણાવ્યું કે ગુરુવારથી શિયાળાનો અહેસાસ થવા લાગશે, જ્યારે શનિવાર સુધીમાં કડકડતી ઠંડીનો માહોલ રહેશે.
બીજી તરફ, હવામાન વિભાગના અહેવાલ મુજબ, આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી. હાલના 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ આવતા છ દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.

રાજ્યવાસીઓને હવે શિયાળાની શરૂઆત માટે તૈયાર રહેવાની જરૂર છે, કારણ કે આવતા કેટલાક દિવસોમાં ઠંડી ધ્રુજાવી શકે તેવો માહોલ સર્જાઈ શકે છે.

