- Gujarat
- CM ભુપેન્દ્ર દાદાએ જણાવ્યું- પાક નુકસાનીની સહાય ક્યારે ચૂકવાશે
CM ભુપેન્દ્ર દાદાએ જણાવ્યું- પાક નુકસાનીની સહાય ક્યારે ચૂકવાશે
આ વખતે કર્મની કઠણાઈ રહી કે, જ્યારે ખેડૂતોના હાથમાં કોળિયો આવ્યો ત્યારે કમોસમી વરસાદે આ કોળિયો પણ છીનવી લીધો. અત્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગર કાપણી ચાલી રહી છે, તો સૌરાષ્ટ્રમાં મગફળીની માંડવી કાઢવામાં આવી રહી છે. એવામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને રડતા કરી મૂક્યા છે. ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો. તો બીજી તરફ ગુજરાત સરકાર ખેડૂતોના વહારે આવી છે અને પાક નુકસાનીની સહાય માટે તાત્કાલિક સર્વે હાથ ધર્યો છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવી દીધું છે કે, પાક નુકસાનીની શાય ક્યારે મળશે.
ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાનની સમીક્ષા કરવા માટે સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોડીનાર તાલુકાના કડવાસણ ગામે પહોંચ્યા હતા. તેમણે અસરગ્રસ્ત ખેડૂતો સાથે સંવાદ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે એક કમોસમી વરસાદમાં થયેલા નુકસાનની બાબતે ખેડૂતોને હૈયાધારણા આપી હતી. આ દરમિયાન જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના પાણીધ્રા ગામમાં મુખ્યમંત્રીએ ખેડૂતો સાથે મુલાકાત કરી નુકસાની અંગે વાતચીત કરી હતી અને ખેડૂતોને હૈયાધારણા આપી હતી અને એક બે દિવસમાં ચૂકવણી શરૂ કરાશે તેવી જાહેરાત કરી હતી.
ખેડૂતોની વ્યથા સાંભળ્યા બાદ મુખ્યમંત્રીએ તેમને સાંત્વના આપતા જણાવ્યું હતું કે, ‘આ વિકટ પરિસ્થિતિમાં સરકાર તમારી સાથે રહી ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે. મુખ્યમંત્રીએ માર્ગમાં ખેતરોની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને સ્વીકાર્યું હતું કે જિલ્લાના અનેક ગામોમાં ખેતરો સમાન રીતે અસરગ્રસ્ત છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે સરકાર હંમેશાં ખેડૂતોની પડખે ઊભી રહી છે અને આ વખતે પણ ખેડૂતોના હિતમાં તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આમ આપણે વરસાદની રાહ જોતા હોઈએ. ભાઈ, વરસાદ સારો થાય તો આપણને બધાને આખું વરસ શાંતિ રહે. પરંતુ આ વખતે વરસાદ વહેલો શરૂ થયો અને અત્યાર સુધી ચાલ્યો. સામાન્ય રીતે દિવાળી પછી વરસાદ ક્યાં હોય? નવરાત્રિ અગાઉ આ વરસાદી મોસમ પૂરી થઈ જતી હોય છે. આ વખતે અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને વધારે પડતી મુશ્કેલી સર્જાઈ છે.
પટેલે વધુમાં કહ્યું કે, ‘હું છેકથી ખેતરો જોતો-જોતો આવ્યો. થોડું છેવાડાનું ગામ એટલા માટે લીધું કેમ કે અમે વચમાંય જોતા-જોતા આવ્યા, નહિતર જો ત્યાંથી જોઈએ તો પાછળ રહી જાય. અહીં તમે જે પરિસ્થિતિ બતાવી, લગભગ દરેક ખેતરમાં ક્યાંકને-ક્યાંક આવઇ જ પરિસ્થિતિ છે. એટલે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું હશે, અમે તમારી સાથે રહીને કરીશું.’
કહેવત છે કે કર્મમાં કોણ વાંચી શકે? એટલે જે આપણા હાથમાં નથી, પરંતુ આપણે બધાએ સાથે રહેવું પડે આવા સંજોગોમાં. કહેવાય છે કે, આપણે કોઈકના સારામાં ન ઊભા રહીએ તો કંઈ નહીં, પરંતુ એના દુઃખની સમયે તો બધા એક થઈને ઊભા જ રહેવું જોઈએ. મુખ્યમંત્રીએ ફરીથી ખાતરી આપતા કહ્યું કે, ‘સારો નિર્ણય થશે, અને હું ફરીથી કહું છું કે સરકાર તમારી સાથે, તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઊભા રહીને સારો નિર્ણય કરશે.’ ખેર હવે જોવાનું એ રહેશે કે સરકાર ક્યારે પાક નુકસાનીનો નિર્ણય લેશે અને ખેડૂતોને કેટલી સહાય ચૂકવાશે.

