- Gujarat
- ગુજરાતમાં 8702 કરોડના ટોલ ટેક્સનું ઉઘરાણું, AAP MLA બોલ્યા- ‘બદલામાં શું મળ્યું? તૂટેલા રસ્તા અને ખા...
ગુજરાતમાં 8702 કરોડના ટોલ ટેક્સનું ઉઘરાણું, AAP MLA બોલ્યા- ‘બદલામાં શું મળ્યું? તૂટેલા રસ્તા અને ખાડાઓ!’
ગુજરાતમાં ઘણી જગ્યાએ નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં છે પરિણામે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આવા હાઇવે હોવા છતા વાહનચાલકો પાસેથી ટોલટેક્સ લેવાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 5 વર્ષમાં ટોલટેક્સના રૂપે વાહનચાલકો પાસેથી કુલ મળીને લગભગ 8702 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે.
ગુજરાતમાં હાલમાં નેશનલ હાઇવે પર કુલ 62 ટોલ છે જ્યાં જીપ,કાર-ભારે વાહનો પાસેથી 70 રુપિયથી લઈને 500 રૂપિયા સુધીનો ટોલ ટેક્સ લેવામાં આવે છે. વર્ષ 2020-21માં ગુજરાતમાં વાહનચાલકો પાસેથી લગભગ 1196 કરોડ રૂપિયા ટોલટેક્સ વસૂલાયો હતો જ્યારે વર્ષ 2024-25માં 2113 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ લેવામાં આવ્યો. આ ઉપરાંત જે વાહનચાલકો પાસે ફાસ્ટટેગ નહોતા. તેમની પાસેથી 78.58 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા.
આ વખતે ભારે વરસાદને કારણે ઘણા રસ્તાઓ સાથે સાથે હાઈવે પણ ધોવાયા હતા. રસ્તાની કફોળી હાલતને કારણે સરકારની ભારે ફજેતી થઈ, પરિણામે રાજ્ય સરકારે રસ્તાના સમારકામને લઈને આદેશ આપવા પડ્યાં હતા. આટલુ જ નહીં પ્રભારી મંત્રીઓને મત વિસ્તારમાં દોડાવી રસ્તાઓ અંગે જાણકારી મેળવી અહેવાલ આપવાના નિર્દેશ આપ્યા હતા.
બીજી તરફ, વરસાદી પાણીને કારણે નેશનલ હાઇવેની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી. અમદાવાદથી હિંમતનગર સુધી નેશનલ હાઇવે બિસ્માર થઈ ગયો હતો, છતાં વાહનચાલકોએ નાછૂટકે ટોલટેક્સ ચૂકવવો પડ્યો હતો. હાઇવેના બિસ્માર હાલતને કારણે છેક દિલ્હી સુધી રજૂઆત થઈ હતી. આખરે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ગાંધીનગર દોડી આવ્યા હતાં અને બેઠક કરીને અધિકારીઓને હાઈવેના સમારકામને લઈને સૂચના આપી હતી.
ઇનશોર્ટ, આવા બિસ્માર હાઇવે હોવા છતા વાહનચાલકોના પૈસે સરકારી તિજોરી છલકાઈ હતી. ઉલ્લેખનીય છે કે, હાઈવેના નિર્માણ પાછળ જેટલો ખર્ચ થયો છે જેના કરતાં ટોલટેક્સ ઉઘરાવી બમણી વસૂલાત કરાઈ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ આ મામલાને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
હેમંત ખવાએ આ અંગે ફેસબુક પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘ગુજરાતની જનતા પાસેથી છેલ્લા 5 વર્ષમાં ટોલ ટેક્સના નામે 8,702 કરોડ રૂપિયા ઉઘરાવ્યા, પણ બદલામાં શું મળ્યું? તૂટેલા રસ્તા અને ખાડાઓ! જ્યાં રસ્તા બનાવવાના ખર્ચ કરતા બમણી રકમ વસૂલાઈ ગઈ છે, ત્યાં પણ હજુ ટોલ ટેક્સ ચાલુ છે. સરકાર આ પૈસા રસ્તા સુધારવાને બદલે પોતાની વાહવાહીમાં વાપરી રહી છે. મારી સ્પષ્ટ માંગ છે કે આવા અન્યાયી ટોલ તાત્કાલિક બંધ કરવામાં આવે અને રસ્તાઓનું સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવે.’

