- Gujarat
- ગુજરાતમાં કૂતરાં કરડવાના કેસો ચિંતાજનક સ્તરે, દરરોજ સરેરાશ 700થી વધુ લોકો શિકાર
ગુજરાતમાં કૂતરાં કરડવાના કેસો ચિંતાજનક સ્તરે, દરરોજ સરેરાશ 700થી વધુ લોકો શિકાર
થોડા સમય પહેલા જ ઉત્તર પ્રદેશમાં કૂતરાંના કરડવાથી હડકવાના કારણે રાજ્યકક્ષાના કબડ્ડી ખેલાડીનું મૃત્યુ થયું, તો કેરળમાં બે બાળકોએ જીવ ગુમાવ્યા હતા. બીજી તરફ, ગુજરાતમાં પણ શ્વાન કરડવાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દર વર્ષે રાજ્યમાં ડોગ બાઈટના 2.41 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેના કારણે દરરોજ સરેરાશ 700થી વધુ લોકો આ સમસ્યાનો ભોગ બને છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રાણીના કરડવાના કેસમાં વધારો
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં જ 2023 થી મે 2025 સુધી એનિમલ બાઈટના 29,000થી વધુ કેસ નોંધાયા છે. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીના જણાવ્યા મુજબ, આમાંથી લગભગ 95% કેસ માત્ર કૂતરાં કરડવાના છે. આ ગાળામાં કુલ 17,789 પુરુષો, 5,696 મહિલાઓ અને 5,721 બાળકોને પ્રાણી કરડવાના કારણે સારવાર આપવામાં આવી છે.
પ્રાણીનું કરડવું સામાન્ય નથી
હડકવા એ એવી ગંભીર બીમારી છે, જે મુખ્યત્વે કૂતરા, બિલાડી, વાંદરા કે ચામાચીડિયા જેવા ચેપગ્રસ્ત પ્રાણીઓની લાળમાંથી ફેલાય છે. કૂતરાંના કરડવાથી થનારા હડકવાના 90%થી વધુ કેસ નોંધાય છે. ડૉક્ટરો જણાવે છે કે હડકવાનો વાયરસ શરીરમાં પ્રવેશ કર્યા પછી સીધી રીતે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે અને ત્રણથી 12 અઠવાડિયામાં મગજ અને કરોડરજ્જુ સુધી પહોંચે છે. પરિણામે દર્દી લકવાગ્રસ્ત બની શકે છે, કોમામાં જઈ શકે છે કે મૃત્યુ પામે છે. કેટલીકવાર લક્ષણો દેખાવામાં એક વર્ષથી વધુ સમય પણ લાગી શકે છે.
ડૉક્ટરોની સલાહ અનુસાર, કોઈપણ પ્રાણી કરડવાની ઘટના પછી તેને ક્યારેય અવગણવી જોઈએ નહીં અને તરત જ ડૉક્ટરની સલાહ લઇ જરૂરી રસીકરણ કરાવવું અનિવાર્ય છે.

