- Gujarat
- મંત્રી પહોંચે તે અગાઉ જ કોંગ્રેસના ધારાસભ્યએ રસ્તાનું ખાતમુહૂર્ત કરી નાખ્યું
મંત્રી પહોંચે તે અગાઉ જ કોંગ્રેસના ધારાસભ્યએ રસ્તાનું ખાતમુહૂર્ત કરી નાખ્યું
બનાસકાંઠાના દાંતા ક્ષેત્રમાં આદિવાસીઓ અને પોલીસ વચ્ચેના ઘર્ષણનો વિવાદ હજી શાંત થયો નથી, ત્યાં રસ્તાના ખાતમુહૂર્તને લઈને નવો રાજનીતિક વિવાદ છેડાયો છે. રાજ્યના વનમંત્રી પ્રવિણ માળી રસ્તાનું ખાતમુહૂર્ત કરવાના હતા, પરંતુ તેમના ખાતમુહૂર્ત કાર્યક્રમ અગાઉ જ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ મોડી રાત્રે જઈને રસ્તાનું ખાતમુહૂર્ત કરી દીધું, જેના કારણે રાજકીય ગરમાવો આવી ગયો છે.
મળતી માહિતી અનુસાર, રવિવારે વનમંત્રી પ્રવિણ માળી અમીરગઢ તાલુકાના સરોતરા ગામે રસ્તાના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવાના હતા, પરંતુ શનિવારે મોડી રાત્રે અંદાજે 03:30 વાગ્યે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પોતાના સમર્થકો સાથે સરોતરા ગામે પહોંચ્યા હતા. તેમણે ત્યાં નાળિયેર ફોડીને કંકુ-ચોખા અર્પણ કરી વિધિવત રીતે રસ્તાનું ખાતમુહૂર્ત કરી નાખ્યું.
કોંગ્રેસ નેતા કાંતિ ખરાડીએ આરોપ લગાવ્યો કે, ‘સરકાર અને મંત્રી તેમના મત વિસ્તારના કામોમાં તેમની અવગણના કરી રહ્યા છે. ધારાસભ્ય તરીકે પ્રોટોકોલ મુજબ આ સરકારી કાર્યક્રમમાં તેમને કોઈ આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. તેમણે પ્રશ્ન કર્યો હતો કે આ રસ્તાઓ 60 વર્ષ જૂના છે અને અત્યારે માત્ર રી-સરફેશિંગ થઈ રહ્યું છે, છતાં તેને નવો રસ્તો કહીને ખાતમુહૂર્તનું નાટક કરવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસના ધારાસભ્યએ આગલા દિવસે જ ખાતમુહૂર્ત કરી દેતા વનમંત્રી પ્રવિણ માળીએ કાર્યક્રમમાં બદલાવ કરીને કપાસિયા ગામે ખાતમુહૂર્ત કરવું પડ્યું હતું. મંત્રીએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘આ રસ્તા માટે ધારાસભ્યએ ક્યારેય કોઈ લેખિત કે મૌખિક રજૂઆત કરી નથી. સરકાર પ્રજાના કામો કરી રહી છે ત્યારે વિપક્ષ માત્ર રાજનીતિ કરી રહ્યું છે.’
સભામાં મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, ‘તેઓ રસ્તામાં આવતા હતા ત્યારે રોડ પર કંકુ જોયું હતું. કોઈએ કહ્યું કે કોઈએ ખાતમુહૂર્ત કરી દીધું છે. બૂટ પહેરેલા ભાઈ અને માત્ર બે જણા આવીને ખાતમુહૂર્ત કરીને ગયા છે. આ ખાતમુહૂર્ત પ્રવિણ માળીએ નહીં, પરંતુ આદિવાસી અને માલધારી સમાજની દીકરીઓએ કર્યું છે.’
મંત્રી પ્રવિણ માળીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસના શાસનકાળમાં કાળ અને સુવિધાઓનો અભાવ હતો. હવે ગામોમાં સુવિધાઓ વધતા દીકરીઓ શિક્ષણ મેળવી રહી છે. કોંગ્રેસે 60 વર્ષમાં વનવાસી વિસ્તાર માટે 1000 કરોડ રૂપિયા પણ ફાળવ્યા નહોતા, જ્યારે ભાજપ સરકારે 30,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. કોઈપણ વિકાસકામ માટે તમારા વિસ્તારમાં તમારો ધારાસભ્ય હું છું એમ સમજીને કહેજો, વિકાસના કામો કરી આપીશ.
પ્રવિણ માળીએ ખાતમુહૂર્ત અંગે પોસ્ટ કરતા લખ્યું કે, ‘આજરોજ અંદાજિત ₹42.84 કરોડથી વધુના ખર્ચે અમીરગઢ તાલુકાના વિવિધ માર્ગોના સુદૃઢીકરણ કાર્યનું ખાતમુહૂર્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો. આ વિકાસકાર્ય પૂર્ણ થતા અમીરગઢ તાલુકાના તેમજ આસપાસના ગામોના નાગરિકોને સરળ, મજબૂત અને પાકી બારમાસી રોડ કનેક્ટિવિટીનો લાભ મળશે, જેના કારણે પરિવહન વધુ સુગમ બનશે અને વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ મળશે.’
આ ઘટના બાદ બનાસકાંઠાની રાજનીતિમાં ભારે ચર્ચા જાગી છે. એક તરફ ભાજપ આને વિકાસના કામોમાં અડચણ ગણાવી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ તેને લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિના સન્માનની લડાઈ ગણાવી રહી છે.

