- Gujarat
- ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી: તંત્ર એલર્ટ
ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી: તંત્ર એલર્ટ
ગુજરાતમાં આગામી સપ્તાહમાં ભારે વરસાદની સંભાવનાને પગલે ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વરસાદની સ્થિતિ અને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
વરસાદની આગાહી અને જળાશયોની સ્થિતિ
ભારતીય હવામાન વિભાગના અધિકારીઓએ બેઠકમાં જણાવ્યું કે, 20 ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ પડી શકે છે. 21 ઓગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, 25 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે.
સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યના કુલ 206 જળાશયોમાંથી 61 જળાશયો 'હાઈએલર્ટ', 27 'એલર્ટ' અને 21 'વોર્નિંગ લેવલ' પર છે. સરદાર સરોવરની સપાટી અંગે પણ બેઠકમાં માહિતી આપવામાં આવી હતી.
બચાવ અને રાહત કામગીરી માટે તંત્ર સજ્જ
કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRFની 12 અને SDRFની 20 ટીમોને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. એક NDRF ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. રાહત નિયામકે સુરેન્દ્રનગર ખાતે યોજાનાર તરણેતરના મેળા માટે પણ એક SDRF ટીમ ફાળવવાનો નિર્દેશ આપ્યો હતો.
રાહત નિયામકે બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી અને ભારે વરસાદની સંભવિત પરિસ્થિતિમાં સતર્ક રહેવા જણાવ્યું હતું. આ બેઠકમાં પાણી પુરવઠા, મેરીટાઇમ બોર્ડ, કૃષિ, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

