- Gujarat
- ગુજરાતમાં 105 IPS અને SPS અધિકારીઓની બદલી, 20 જિલ્લાના પોલીસ અધિક્ષકો બદલાયા
ગુજરાતમાં 105 IPS અને SPS અધિકારીઓની બદલી, 20 જિલ્લાના પોલીસ અધિક્ષકો બદલાયા
ગુજરાત સરકારે લાંબા સમય બાદ રાજ્ય પોલીસ વિભાગમાં મોટો બદલાવ કરતા 105 IPS અને SPS અધિકારીઓની બદલી કરી દીધી છે. તેમાં 74 IPS અને 31 SPS અધિકારીઓનો સમાવેશ થાય છે. આ આદેશ હેઠળ 20 જિલ્લાઓના પોલીસ અધિક્ષકો અને 4 મોટા શહેરોના 32 DCP સ્તરના અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ, જે જિલ્લાઓના પોલીસ અધિક્ષકોની બદલી કરવામાં આવી છે તેમાં વલસાડ, મોરબી, રાજકોટ ગ્રામીણ, વડોદરા ગ્રામીણ, ડાંગ, ભરૂચ, બનાસકાંઠા, નર્મદા, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, જામનગર, નવસારી, ગીર સોમનાથ, મહિસાગર, તાપી, પંચમહાલ, સાબરકાંઠા, ખેડા, દાહોદ અને ભાવનગરનો સમાવેશ થાય છે.
સરકારે આ બદલીઓ પાછળ ફીડબેક સિસ્ટમ અને રિપોર્ટ કાર્ડ આધારિત મૂલ્યાંકનને આધાર ગણાવ્યો છે. મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવે નાગરિકોની પ્રતિક્રિયા, અધિકારીઓની કામગીરી અને ગુપ્ત કંટ્રોલ રૂમની ફીડબેક સિસ્ટમનું મૂલ્યાંકન કરીને માત્ર માત્ર થોડા કલાકોમાં આદેશો જાહેર કરી દીધા હતા. ખાસ વાત એ છે કે, વર્ષ 2019-20 બેચના યુવા IPS અધિકારીઓને શહેરોના ઝોનમાં તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે 2018 અને તેનાથી વરિષ્ઠ અધિકારીઓને જિલ્લાઓમાં મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. તો, વર્ષ 2012-13 બેચના અધિકારીઓને (જેમને ટૂંક સમયમાં પ્રમોશન મળવાનું છે), CID ક્રાઇમ અને આર્થિક ગુનાઓ જેવા મહત્ત્વપૂર્ણ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.
સરકારે મહિલા અધિકારીઓની પ્રમાણસર સંખ્યામાં મહત્ત્વપૂર્ણ પદો પર પોસ્ટિંગ કરી છે. વર્ષ 2021 બેચના નવા અધિકારીઓને સાયબર ક્રાઇમ, કોસ્ટલ સિક્યુરિટી, જેલ મેનેજમેન્ટ અને ટેક્નિકલ સેલ જેવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. તો, રાજ્ય સર્વેલન્સ સેલ અને CID આર્થિક ગુના શાખા જેવા મહત્ત્વપૂર્ણ પદો પર વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
સ્થાનિક સંસ્થા અને પંચાયત ચૂંટણીઓ અગાઉ કરવામાં આવેલી આ મોટી બદલી રાજનીતિક અને પ્રશાસનિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સરકારે વરિષ્ઠતાને મહત્ત્વ આપ્યું છે, પરંતુ યુવાનોને મોટી અને પડકારજનક પોસ્ટિંગ આપીને નવીનતાની શક્યતા પણ વધારી છે. જાણકારો અનુસાર, જો પ્રદર્શનની અપેક્ષાઓ પર ખરા નહીં ઉતરે તો વધુ બદલાવોની સંભાવના છે.

