- Gujarat
- યુનાઈટેડ વે ગરબા ફરી વિવાદમાં! કપલે જાહેરમાં લિપ કિસ કરી, વીડિયો વાયરલ
યુનાઈટેડ વે ગરબા ફરી વિવાદમાં! કપલે જાહેરમાં લિપ કિસ કરી, વીડિયો વાયરલ
નવરાત્રિનો ઉત્સવ ચાલુ થાય અને યુનાઈટેડ વે ગરબા વિવાદમાં ન આવે એવું બને ખરું? નહીં ને! આ વર્ષે યુનાઈટેડ વે ગરબા નવરાત્રિની પહેલાથી જ વિવાદમાં રહ્યા છે. પહેલા ગરબાના પાસ વિતરણને લઈને અવ્યવસ્થા બાદ હોબાળો થયો હતો અને તેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ નવરાત્રીના પહેલા નોરતે ગ્રાઉન્ડમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળતા ખેલૈયા રોષે ભરાયા હતા અને રિફંડ માગ્યું હતું. તો હવે યુનાઈટેડ વે ગરબા ફરી એક વખત વિવાદમાં આવી ગયા છે.
આ વખતે યુનાઈટેડ વે ગરબાનું વિવાદનું કારણ એક યુગલની લિપ કિસ છે. ઉલ્લેખનીય છે કપલે જાહેરમાં લિપ કિસ કરતી અશ્લીલ રીલ બનાવી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે, જેના કારણે વિવાદ ઊભો થયો છે. માતાજીની ભક્તિ-આરાધનાના પવિત્ર તહેવાર નવરત્રિના માહોલમાં કપલની શરમજનક હરકતથી હિન્દુ સંગઠનો અને ખેલૈયાઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ સનાતન સંત સમિતિએ આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
https://twitter.com/AcharyaJay22_17/status/1971470766286962821
આ મામલે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું હતું કે, ‘યુનાઇટેડ વે ગરબા અને ગરબામાં થયેલી હરકત ખરેખર ખૂબ જ દુઃખદ છે. આ અગાઉ પણ ઇલેક્ટ્રોનિક સિગરેટ પીતી છોકરીની બબાલ થઈ હતી. આજે આવી જ પરંપરાઓ ચાલે છે. ખરેખર સંચાલકો અને સિક્યોરિટી શું કરે છે એ મોટો સવાલ છે. આ મામલે ધ્યાન આપવું જોઈએ. ગરબામાં અશ્લીલ હરકત થતી હોય અને આજુબાજુના લોકો જોયા કરે એ દુઃખની વાત છે. સંસ્કૃતિ સાચવવી હોય તો બધાએ જાગવું પડશે.
મીડિયા જાગૃત છે તેનો આ પુરાવો છે, તમે બધાએ અત્યારે મીડિયામાં અવાજ ઉઠાવ્યો છે, પરંતુ સમાજમાં દરેક સ્તરે જાગૃતિ લાવવી પડશે. પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણમાં સંસ્કૃતિનો નાશ થાય તેવું ક્યારેય સ્વીકાર્ય નથી કે આવું માન્ય પણ નથી. આ ઘટના અંગે સંચાલકોને વિનંતી કરૂ છુ કે, યોગ્ય પગલાં લે, કડક હાથે કાર્યવાહી કરી અને આવું ન થાય ફરી તે બાબતે તકેદારી રાખે.
તો યુનાઇટેડ વે ઓફ બરોડાના પ્રમુખ તારક પટેલે જણાવ્યું હતું કે, ગરબા એ પવિત્ર જગ્યા છે. હું દરેક ગરબે રમવા આવતા લોકોને કહું છું કે, એની શિષ્ઠતા જાળવો. તમારા વર્તનને કારણે કોઈને માઠું ન લાગે તેનું ધ્યાન રાખો. તમે ગમે ત્યાં ગરબે રમવા જાવ, પરંતુ તમે એ યાદ રાખો કે તમે ક્યાં જાવ છો. હું એક યુગલને પણ કહેવા માગું છું કે, મહેરબાની કરીને તમે તમારું વર્તન સારું રાખો અને અમારા ગરબામાં ન આવતા.

