- Gujarat
- ગુજરાતમાં હવે હેલમેટ વિના પકડાયા તો દંડ નહીં થાય, પોલીસ કરશે આ કામ
ગુજરાતમાં હવે હેલમેટ વિના પકડાયા તો દંડ નહીં થાય, પોલીસ કરશે આ કામ
હેલમેટ ટૂ-વ્હિલર ચાલકોની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે, હેલમેટ વિના ઘણા ટૂ-વ્હીલર ચાલકોએ જીવ ગુમાવ્યો છે. ગુજરાત સરકારે હાલમાં જ ટૂ-વ્હીલર ચાલકોની સુરક્ષા માટે ફરજિયાત હેલમેટનો કાયદો અમલમાં મૂક્યો છે. આ કાયદા પછી સુરત અને રાજકોટમાં તેનો ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો. આ કાયદાની વિરોધમાં માત્ર લોકો જ નહીં, પરંતુ સત્તાપક્ષ નેતાઓ અને વિરોધ પક્ષ બંનેએ જ નિરાશા વ્યક્ત કરી હતી. ગઇકાલે જ ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ ફરજિયાત હેલમેટના કાયદાને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને ગૃહ વિભાગને વિચારવા કહ્યું હતું.
તો સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનવાલાએ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને E-mail દ્વારા આવેદન આપીને ફરજિયાત હેલમેટના મામલે ફરી વિચાર કરવાની માગ કરી હતી. તેમણે પત્રમાં દંડના નામે થતી ‘ખુલ્લી લૂંટ’ પર ગંભીર આરોપ લગાવીને ફરજિયાત હેલમેટના મામલે વ્યાપક સમીક્ષા કરવાની માગ કરી હતી.
સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં હેલમેટના દંડ સામે લોકોને પડકારજનક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો હતો. ઘણા ધારાસભ્યો અને સ્થાનિક પ્રતિનિધિઓએ પણ આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે દંડ કરતા પહેલા લોકોમાં જાગૃતિ લાવવી વધુ જરૂરી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે સરકારે એક અલગ જ નિણર્ય લીધો છે. હવે જો તમે હેલમેટ વિના પકડાશો પોલિસ તમને તો દંડ કરવાને બદલે ગુલાબ આપશે.
સરકારના નવા નિર્ણય અનુસાર હવે હેલમેટ નહીં પહેરનારા વાહનચાલકોને તરત દંડ કરવામાં નહીં આવે, પરંતુ તેમના હાથમાં એક ગુલાબ આપીને શાંત અને સમજદારીપૂર્વક નિયમનું મહત્ત્વ સમજાવવામાં આવશે. પોલીસ વિભાગને પણ આ અંગે દિશા-નિર્દેશ આપી દેવામાં આવ્યા છે કે જ્યાં સુધી યોગ્ય જાગૃતિ ન ફેલાય ત્યાં સુધી દંડ ન કરવામાં આવે. લોકોને હેલમેટ પહેરવાની આવશ્યકતા અને તેની પાછળની સુરક્ષા અંગે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
અત્યારે દંડને નહીં લેવામાં આવે, પરંતુ હેલમેટ માટેનું સુરક્ષા અભિયાન રાજ્યભરમાં ચાલુ રહેશે. વાહનચાલકોને સતત જાગૃત કરવામાં આવશે કે હેલમેટ તેમના માટે જીવ બચાવનારી ઢાળ છે અને તે કોઇ પણ જાતનો દંડ ટાળવા માટે નહીં, પરંતુ પોતાની સુરક્ષા માટે છે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે સરકાર લોકોની ભાવનાઓને માન આપે છે, પરંતુ દરેક નાગરિકની પણ જવાબદારી છે કે તે નિયમોનું પાલન કરે.

