- Gujarat
- એક એવા સરપંચ, જેઓ મૃત*કના પરિવારને આપે છે 10,000 રૂપિયાની આર્થિક સહાય
એક એવા સરપંચ, જેઓ મૃત*કના પરિવારને આપે છે 10,000 રૂપિયાની આર્થિક સહાય
‘જન સેવા એ જ પ્રભુ સેવા’ આ વાક્યને હકીકતમાં સાર્થક કરી રહ્યા છે ભાવનગર જિલ્લાના સોનપરી ગામના યુવા સરપંચ તુષારભાઈ મેર. તેમણે લોકોને મદદરૂપ થવા માટે એક અનોખી પહેલની શરૂઆત કરી છે. સરપંચ તરીકે ચૂંટાયા બાદ તુષારભાઈએ ગામમાં કોઈ વ્યક્તિનું નિધન થાય તો તે પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે 10 હજાર રૂપિયા આપવાનું ચાલુ શરૂ કર્યું છે. આ રકમ સરપંચ પોતાની જાતે ભોગવે છે. આ રકમ ક્યારેય પાછી આપવાની હોતી નથી અથવા તો તેના માટે કોઈ શરત નથી.
સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો દહાડી મજૂરી અને ખેતી-પશુપાલન પર આધાર રાખે છે, ત્યારે અચાનક આવી પડતી આપત્તિમાં ખર્ચને સંભાળવો મુશ્કેલ થઈ જાય છે. એવામાં આ 10 હજાર રૂપિયાની સહાય પરિવાર માટે આશીર્વાદ બની જાય છે. News18 ગુજરાતીના રિપોર્ટ મુજબ, અત્યાર સુધીમાં 7 પરિવારોને આ મદદ મળી ચૂકી છે.
તુષારભાઈ મેરેએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં 70% જેટલો વિસ્તાર આર્થિક રીતે પછાત છે. હું જ્યારે સરપંચ તરીકે ચૂંટણી લડવાનું વિચારી રહ્યો હતો, ત્યારે મેં નિર્ણય લીધો હતો કોઈપણ જ્ઞાતિમાં કુદરતી કે આકસ્મિક મૃત્યુ થાય તો તે પરિવારને 10 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવી, જે પરત ન લેવી. આ વિચાર મને તરત જ આવ્યો નહોતો, પરંતુ હું નાનપણથી અહીં રહ્યો છું, એટલે હું ગ્રામજનોની પરિસ્થિતિને સારી રીતે જાણું છું. ઘણા એવા પરિવારો છે જ્યાં આકસ્મિક આફત આવ્યા બાદ ઘરખર્ચ માટે પૈસા હોતા નથી.
તેમણે વધુમાં કહ્યું કે, પરિવારોના આવા દુઃખદ અનુભવોને જોતા, સેવાના ભાગરૂપે આર્થિક મદદ કરવાનો નિર્ણય લીધો છે. હું સરપંચ બન્યો ત્યારથી અત્યાર સુધીમાં 7 લોકોનું નિધન થયું છે, જે ખરેખર દુઃખદાયી છે. આ 7 પરિવારોમાં ઘણા એવા હતા, જેમના ઘરમાં 500 રૂપિયા પણ નહોતા. આવા પરિવારો માટે આ આર્થિક સહાય ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ સિવાય ગ્રામજનોના આરોગ્યને ધ્યાનમાં રાખતા ગામમાં એક એમ્બ્યુલન્સ મૂકવાનો પણ નિર્ણય લીધો છે.

