- Gujarat
- સુરતના ડુમસમાં પ્લાસ્ટિક-કચરો વીણી નાગરિકોએ કહ્યું ‘સે નો ટુ પ્લાસ્ટિક’
સુરતના ડુમસમાં પ્લાસ્ટિક-કચરો વીણી નાગરિકોએ કહ્યું ‘સે નો ટુ પ્લાસ્ટિક’
ભારત વૈશ્વિક કક્ષાએ “૫ જૂન- વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનું યજમાન બન્યુ છે, ત્યારે આ વર્ષની મુખ્ય થીમ “પ્લાસ્ટિક પ્રદુષણને મ્હાત કરો’ (beat plastics pollution) પર એક અઠવાડિયું જનજાગૃતિ, સફાઈ ઝુંબેશના ભાગરૂપે રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના ઉપક્રમે સુરત વન વિભાગ દ્વારા સ્વયંસેવી સંસ્થાઓ અને ડુમસ અને સુલતાનાબાદના ગ્રામજનોના સહયોગથી સુરતના ડુમસ બીચ પર ‘બીટ પ્લાસ્ટિકસ પોલ્યુશન’ના હેતુસર પ્લાસ્ટિક અને કચરો વીણીને વિશ્વ પર્યાવરણ દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય ઝંખનાબેન પટેલે જણાવ્યું હતું કે, વધતા જતાં પ્રદુષણ માટે પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ જવાબદાર છે. પ્લાસ્ટિકનો ઉપયોગ મનુષ્યથી માંડીને પશુઓ માટે ખતરનાક છે તેમ જ પર્યાવરણ માટે પણ જોખમી છે. આપણા રોજીંદા જીવનનો એક મહત્વનો ભાગ બનેલું પ્લાસ્ટિક પ્રદૂષણમાં તો વધારો કરવાની સાથે સમુદ્ર અને પાણીમાં રહેતા જીવો માટે પણ મોટું જોખમ બની રહ્યું છે. તેમણે પ્લાસ્ટિકના પ્રદૂષણને કારણે દરિયાઈ સજીવ સૃષ્ટિ ઉપર જોખમી અસરોની જાણકારી આપી પર્યવરણને બચાવવા વધુને વધુ વૃક્ષારોપણ થાય તેવા સહિયારા પ્રયાસો કરવાની હિમાયત કરી સૌને વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે નાયબ વન સંરક્ષક પુનિત નૈયરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ- 5મી જુન થી તા.11મી જુન સુધી પર્યાવરણ સપ્તાહની સાથોસાથ સ્વચ્છતા અભિયાનની ઉજવણીનું આયોજન કરાયું છે. સુરતના પ્રવાસન સ્થળ ડુમસ દરિયાકિનારે હજારો સહેલાણીઓ હરવા-ફરવા આવે છે. તેમના દ્વારા ફેંકાતો કચરો, પ્લાસ્ટિક, પાણીના પાઉચ અને બોટલોથી બીચની ગંદકીમાં વધારો થતાં પર્યાવરણને ખૂબ હાનિ પહોંચે છે એમ જણાવી તેમણે ઉમેર્યું કે દરિયા કિનારે પ્લાસ્ટિકના કચરાથી દર વર્ષે 10 લાખ દરિયાઈ જીવો નાશ પામે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ જીવનમાં શક્ય તેટલો ઓછો કરવા માટે ‘રિડ્યુસ..પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો, રિયુઝ.. પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો પડે તો આવશ્યક હોય ત્યારે એ પ્લાસ્ટિકનો ફરી ઉપયોગ કરવો અને રિસાયકલ.. પ્લાસ્ટિકને રિસાયકલ કરી આડપેદાશો મેળવવી.’ આ સૂત્રને આત્મસાત કરવા અનુરોધ કર્યો હતો. ડુમસ બીચ પર પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને કચરાનો યોગ્ય સ્થળે જ નિકાલ કરી ડુમસનું પ્રાકૃત્તિક સૌંદર્ય જાળવવા માટે ઉપસ્થિત સૌને અપીલ કરી હતી.
આ વેળાએ સર્વે મહાનુભાવોએ અને જાગૃત્ત સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ અને યુવાનોએ સાથે મળી દરિયાકિનારે વિપુલ માત્રામાં પ્લાસ્ટિક અને કચરો વીણીને ‘બીટ પ્લાસ્ટિકસ પોલ્યુશન’ હેઠળ સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી બન્યા હતા. એકઠા થયેલા પ્લાસ્ટિકને બે ટ્રેક્ટરની મદદથી ડિસ્પોઝલ સાઈટ પર નિકાલ કરવામાં આવ્યો હતો. આ વેળાએ મહાનુભાવોના હસ્તે 500 જેટલા રોપાનું વિતરણ કરી ‘વૃક્ષ વાવો..જીવન બચાવો’નો સંદેશો આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ પૂર્વે સુરત શહેર વનસંપદા અને પર્યાવરણ બચાવવાના હેતુસર એક જનજાગૃતિ રેલી પણ યોજાઈ હતી. જિલ્લાના તાલુકા મથકોએ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત જનજાગૃત્તિ રેલીઓ, શાળાઓમાં વકતૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધા જેવા અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે મદદનીશ વન સંરક્ષક મહેન્દ્રસિંહ રાઠવા, સંયુક્ત માહિતી નિયામક બી.ડી.રાઠવા ડુમસ અને સુલતાનાબાદના ગ્રામજનો, સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ, પર્યાવરણ પ્રત્યે જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

