- Gujarat
- રાંદેરનું રમઝાન બજાર: નીત નવી વાનગીઓનો છે રસથાળ
રાંદેરનું રમઝાન બજાર: નીત નવી વાનગીઓનો છે રસથાળ
રાંદેરના રમઝાન બજાર પુરજોરમાં છે. મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ દરમિયાન ભરાતા બજારની રોનક જ કંઈક ઔર હોય છે. દોઢ સદીનો ઈતિહાસ ધરાવતા રાંદેરના બજારે અનેક તડકા-છાંયડા જોયા છે. આજે પણ રાંદેરના બજાની જાહોજલાલીનો કોઈ તોટો નથી.
કોમી એકતાનાં થાય છે દર્શન
રમઝાન માસ દરમિયાન રાંદેરની મુલાકાત લઈ તેનાં બજારમાં ફરવાનો અને ખાવાનો લહાવો જ અલગ હોય છે. રાંદેરની બજાર કોમી એકતાની પણ પ્રતિક છે. તમામ કોમોનાં લોકો એક સાથે અહીં જોવા મળે છે. રાંદેર બસ સ્ટોપથી લઈ છેક રાંદેર ગામતળ એટલે તીન બત્તીનાં વિસ્તાર સુધી બજારનું શામિયાણું ભરાય છે. અનેક આઈટમો જોવા મળે છે. દેશ-વિદેશની ચીજ વસ્તુઓ પણ વેચાય છે.

આલુપુરી-ખાવસા, અને ચટાકેદાર વાનગીઓ
હવે રાંદેર ગયા હોવ અને ખાલી પેટે પાછા ફરો તો પછી રાંદેર જવાનો મતલબ સરતો નથી. રાંદેરની ટેસ્ટી-ઝેસ્ટી આઈટમો ખાવાની મજા રમઝાનનાં બજાર સિવાય કશે મળતી નથી. મસાલેદાર નોન-વેજ હોય કે કુલ્ફી-આઈસ્ક્રીમ કે ક્વોલિટી હોય..કંઈ અલગ જ સ્વાદ સાથે હાજર મળશે. ખાવસા અને આલુપુરીની વાત જ નિરાળી છે. રાંદેરમાં આલુપુરી તો ગૃહ ઉદ્યોગ જ બની ગયો છે. આલુપુરી રાંદરેથી નીકળી સુરત જ નહીં ગુજરાત અને હવે દેશભરમાં પોપ્યુલર બની રહી છે. આલુપુરીમાં પણ અનેક વર્ઝન આવી ગયા છે. રાંદરની ખારીયા પણ મશહુર છે. ખાટી-ખાટી વસ્તુઓ આમચુસ, ચેરી, કેરીની ચીરી વગેરે પણ રમઝાન બજારમાં જોવા મળે છે.
રાંદેરની બજારની ખાસિયત એ છે કે જે વાનગીથી રાંદેરના બજારને ઓળખ મળી હતી તે વાનગી આજે આલોપ થઈ ગઈ છે. સમાન્ય દિવસોમા આ વાનગીને વેચનારા 2-3 લોકો જ બચ્યા છે, જ્યારે રમઝાન માસ દરમિયાન માત્ર એક જ જગ્યાએ આ વાનગી મળે છે.

ભેલ, ચવાણું કે મુખવાસ જેવી જ લાગે, નામ છે લફ્ફે..
આ વાનગીને પ્રથમ નજરે જુઓ તો સુરતી ભેલ કે ચવાણું લાગે અને નજીકથી નિરખો તો કોઈ મુખવાસ જ લાગે. પણ હકીકતમાં નથી કોઈ સુરતી ચવાણું કે નથી કોઈ મુખવાસની આઈટમ..આ વાનગીનું નામ છે લફ્ફે...રાંદેર બજારની શરૂઆત જ્યારે પણ થઈ ત્યારે લફ્ફે બજારની શાન હતી. આજે લફ્ફે નામની વાનગી રાંદેરના બજારમાંથી ગૂમ થઈ જવા પામી છે. માત્ર એક જ જગ્યાએ લફ્ફે વેચાતી હતી. લફ્ફે બર્માની ખાસ વાનગી છે. ઘરમાં મહેમાન આવ્યા હોય તો ડબ્બામાં ચવાણાની જેમ રાખવામાં આવેલી લફ્ફે પીરસાય છે.
શું-શું હોય છે લફ્ફેમાં?
લફ્ફે કઈ રીતે બને છે? તેમાં શું શું નાંખવામાં આવે છે. લફ્ફેમાં બટાકાની સળી, મગની દાળ, ચણાની દાળ, મસાલાવાળા દાણા, તલ,બેસન, સીંગ, બર્મીઝ પાતરા, આદુ, માલ્ટા, લસણનું તેલ અને લીંબુનાં રસના ટીપાં સાથે મિક્સ કરી બનાવવામાં આવે છે. લફ્ફેનો ટેસ્ટ જ સાવ નોખો અને વિશિષ્ટ છે.

બર્માની સ્પેશિયલ આઈટમ, લોકો મુખવાસ સમજે છે : હાશીમભાઈ
Khabarchhe.com સાથે વાત કરતા રાંદેરના રમઝાનબજારમાં લફ્ફે વેચતા હાશીમભાઈ પીપરડીવાળા કહે છે કે બાપ-દાદાઓના ટાઈમથી લફ્ફે વેચીએ છીએ. બર્માની સ્પેશિયલ આઈટમ છે. લફ્ફેથી રાંદેરનાં બજારની શરૂઆત થઈ હતી. આજે રમઝાનમાં લફ્ફે અમારા સહિત એક-બે જગ્યા પર જ વેચાય છે. મુસ્લિમોમાં એ ડિશ ફેમસ છે પણ અન્ય લોકો આને મુખવાસ સમજી લે છે. કદાચ આના કારણે પણ લફ્ફે જોઈએ તેટલી પ્રચલિત થઈ શકી નથી. 20 રૂપિયાથી લઈ 100 રૂપિયાની ડિશમાં લફ્ફે વેચાય છે.
રાંદેરના દરેક ઘરમાં હોય છે લફ્ફે : શોએબ પીપરડીવાલા
હાશીમભાઈની આ ત્રીજી પેઢી છે જે ખાવસા, આલુપુરી અને લફ્ફે વેચે છે. હાશીમભાઈનાં પુત્ર શોએબ પીપરડીવાળાએ Khabarchhe.com સાથે વાત કરતા કહ્યું કે લફ્ફે જસ્ટ લાઈક અ બર્મીઝ ચવાણું પણ એને ચવાણું ન કહેવાય. ચવાણા અને લફ્ફેમાં બહુ ફરક છે.
લફ્ફેમાં અનેક વસ્તુઓ નાંખવામાં આવે છે. વધુને વધુ સ્વદિષ્ટ બનાવવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. આમ તો રાંદેરના દરેક ઘરમાં તમને લફ્ફે જોવા મળશે. ઈદનાં દિવસે પણ મહેમાનોને લફ્ફે પણ પીરસવામાં આવે છે. હવે આ વાનગીને વધુ ફેમસ કરવા વિચારીશું. સુન્ની વહોરા સમાજની આ એક ફેવરીટ ડિશ બની ગઈ છે.

