- Gujarat
- સુરતના બ્રિજ પર મોટું ગાબડું પડી ગયું, મહાનગરપાલિકા કહે ઉંદરોએ આ કર્યું
સુરતના બ્રિજ પર મોટું ગાબડું પડી ગયું, મહાનગરપાલિકા કહે ઉંદરોએ આ કર્યું
તમે એવા ઘણા ઉદાહરણો જોયા હશે, જેમાં તંત્રની પોલ ખૂલે અને પછી તેના માટે એવા કારણો દર્શાવવામાં આવે જેની આપણે અપેક્ષા પણ ન કરી હોય. ક્યારેક-ક્યારેક આવા જવાબો હાસ્યાસ્પદ પણ હોય છે. આવો જ કંઈક મામલો સામે આવ્યો છે સુરતથી. સુરતના રસ્તાઓ પર ભુવા પડવાની વાત તો સામાન્ય છે, પરંતુ આખા દેશમાં બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરતના ભટાર ફલાય ઓવરબ્રિજ એપ્રોચના ભાગમાં લગભગ દોઢ ફૂટનું ગાબડું પડી ગયું હતું. આ મામલે બ્રિજ વિભાગના અધિકારીઓએ એવી ટિપ્પણી કરી છે જે સાંભળીને તમને 440 વોલ્ટનો ઝટકો લાગશે.
બ્રિજ વિભાગના અધિકારીઓએ બ્રિજમાં ગાબડાં પડવાના મામલે કહ્યું કે, મોટા ઉંદરોએ આ જગ્યા કોતરી હતી અને તેના કારણે નીચેની માટી એક તરફ ધસી ગઈ અને ગાબડું પડ્યું હતું. આવા ઉંદર આ કરતા મોટા ગાબડાં પણ પાડી શકે છે. જો કે, પાલિકાએ યુદ્ધના ધોરણે કામગીરી કરી આ ગાબડું પૂરી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે મોરબી બ્રિજ દુર્ઘટના બાદ આખા રાજ્યમાં તમામ બ્રિજોની ચકાસણી કરીને હેઠ રિપોર્ટ કાર્ડ બનાવવામાં આવ્યા હતા. જેમાં બ્રિજને થયેલી ક્ષતિઓ અંગે પણ તપાસ કરવામાં આવી હતી. ત્યારે હવે એવો પ્રશ્ન થાય કે આ રિપોર્ટ ભટાર એપ્રોચને ઉંદરો કોતરી રહ્યા છે તેની જાણ કેમ ન થઈ હોય? કે પછી રિપોર્ટ તૈયાર થયા બાદ ઉંદરોએ કોતરવાનું ચાલુ કર્યું હશે?

