- Gujarat
- અમેરિકાના ટેરિફની અસર પર સુરત પર દેખાવા લાગી, 100થી વધુ રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા
અમેરિકાના ટેરિફની અસર પર સુરત પર દેખાવા લાગી, 100થી વધુ રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા
ગઈકાલથી અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાગૂ કરી દીધો છે, ત્યારે હવે આ ટેરિફની અસર ડાયમંડ નગરી કહેવાતા સુરતમાં દેખાવા લાગી છે. સુરતના હીરા ઉદ્યોગમાં છટણીનો દોર શરૂ થઈ ગયો છે. કતારગામ વિસ્તારમાં આવેલી ક્રિસ ડિયામ ડાયમંડ જેમ્સે નામની ડાયમંડ કંપનીએ છેલ્લા 3 દિવસમાં જુદા-જુદા વિભાગના લગભગ 100 જેટલા કારીગરોને છૂટા કરી દીધા છે. આ કંપની મુખ્યત્વે વિદેશી વેપારીઓ માટે જોબ વર્કનું કામ કરતી હતી.
આ કારીગરો હીરા કટિંગ, પોલિશિંગ અને અન્ય સંબંધિત કામોમાં નિષ્ણાત હતા. આ છટણીનું મુખ્ય કારણ અમેરિકા દ્વારા 27 ઓગસ્ટથી લાગવાયેલા 50 ટકા ટેરિફને માનવામાં આવે છે જેના કારણે અમેરિકન બજારમાંથી આવતા ઓડર્સમાં ભારે ઘટાડો થયો છે. વર્કર યુનિયનના ભાવેશ ટાંકે કહ્યું કે, પહેલાથી જ કહેવામાં આવતું હતું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર ટેરિફ લાગશે તો તેની અસર હીરા ઉદ્યોગ પર પડશે. કતારગામમાં ક્રિસ ડિયામ જેમ્સ નામની ડાયમંડ કંપની છે તેને 200 જેટલા કારીગરોને છૂટા કર્યા હતા. આજે પણ 100 કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે.
ક્રિસ ડાયમંડ જેમ્સ કંપનીમાં કામ કરતા વિનેશભાઈએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 5 વર્ષથી કાસાનગરમાં આવેલી ક્રિસ ડિયામ ડાયમંડ કંપનીમાં કામ કરી છું. અલગ-અલગ વિભાગમાંથી 100 જેટલા રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે. હાલમાં છૂટા કરવાનું કોઈ કારણ પણ અમને આપવામાં આવ્યું નથી. મારો 35,000 રૂપિયા પગાર હતો. આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે ત્યારે છુટા કરાયેલા બીજા વર્કરોને પણ ક્યાંય નોકરી મળી રહી નથી. આ સાથે જ કોઈ નોકરી આપવા પણ તૈયાર નથી.
આગામી સમયમાં દિવાળી આવી રહી છે અને આમ તો ઘરનું ગુજરાત કઈ રીતે ચાલશે? દિવાળી માટે દોઢ મહિનાનો સમય છે અને છુટા કરી દેવામાં આવ્યા છે. એવામાં રત્નકલાકાર પોતાના ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવી શકશે? મારી હાલ તો એટલી જ માગણી છે કે, સરકારના નિયમ પ્રમાણે જેમને આપી શકાતું હોય તે આપવું જોઈએ. ક્રિસ ડિયામ ડાયમંડ કંપનીના એક મેનેજરે નામ ન પ્રકાશિત કરવાની શરતે જણાવ્યું હતું કે, અમારું મોટું કામ વિદેશ સાથે હતું. તમામ જોબ વર્ક કરવામાં આવતા હતા. ટેરિફને કારણે વિદેશથી જે કામ આવતું હતું અને જે હીરા આવતા હતા તે બંધ થઈ ગયા છે. જેના કારણે અમારે રત્ન કલાકારોને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાની ફરજ પડી. હવે એ રત્ન કલાકારો ત્યાં કામ નહીં કરી શકે.

