- Gujarat
- યુસુફ પઠાણને મોટો ઝટકો! ગુજરાત હાઈ કોર્ટે પ્લોટ ખાલી કરવા કહ્યું
યુસુફ પઠાણને મોટો ઝટકો! ગુજરાત હાઈ કોર્ટે પ્લોટ ખાલી કરવા કહ્યું
પૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના (TMC)ના વર્તમાન સાંસદ યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે વડોદરાના તાંદલજા વિસ્તારમાં જમીન વિવાદ સાથે જોડાયેલી તેમની અરજી ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે, યુસુફ પઠાણ દ્વારા કબજે કરવામાં આવેલો પ્લોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંપત્તિ છે અને તેમણે આ પ્લોટ ખાલી કરવો પડશે.
મળતી માહિતી અનુસાર યુસુફ પઠાણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ને પ્લોટ ફાળવવા માટે VMC સમક્ષ માગ કરી હતી. જે તે સમયે VMC કમિશનરે યુસુફ પઠાણની માગણી સ્વીકારીને આ દરખાસ્ત તૈયાર કરી હતી, જેને સ્થાયી સમિતિએ મંજૂરી આપી હતી. ત્યારબાદ રાજ્ય સરકારને દરખાસ્ત મોકલીને મંજૂરી માગવામાં આવી હતી. જો કે, જૂન 2014માં શહેરી વિકાસ અને શહેરી નિર્માણ ગૃહ વિભાગ દ્વારા તત્કાલિન VMC કમિશનરને જાણ કરી હતી કે, આ દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે.
https://twitter.com/ANI/status/1965923391723937871
આ વિવાદ ઘણા વર્ષો જૂનો છે. પૂર્વ ભાજપ કાઉન્સિલર વિજય પવારે આરોપ લગાવ્યો હતો કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2012માં યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો અને તે રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો હતો, પરંતુ વર્ષ 2014માં ગુજરાત સરકારે આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો. છતા યુસુફ પઠાણે કથિત રીતે તે પ્લોટ પર કબજો કરી લીધો હતો અને ત્યાં બાઉન્ડ્રી વોલ સાથે પશુઓ માટે શેડ પણ બનાવ્યો હતો.
ત્યારબાદ જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને (VMC) દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી, તો યુસુફ પઠાણે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેમની અરજીની સુનાવણી જસ્ટિસ મોનાબેન ભટ્ટની કોર્ટમાં થઈ હતી. કોર્ટે ન માત્ર અરજી ફગાવી દીધી, પરંતુ VMCને પણ સવાલ કર્યો હતો કે જ્યારે રાજ્ય સરકારે ફાળવણીને મંજૂરી આપી નહોતી, તો આટલા વર્ષો સુધી કોઈ કાર્યવાહી કેમ ન કરવામાં આવી.
આ મામલે VMCના આસિસ્ટન્ટ કમિશનર સુરેશ તુવારે જણાવ્યું હતું કે, પશ્ચિમ વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલ TP પ્લોટ કોર્પોરેશનની સંપત્તિ છે. અગાઉ આ પ્લોટ ફાળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકારની મંજૂરીના અભાવે મામલો અટકી ગયો હતો. છતા યુસુફ પઠાણે જમીન પર કબજો કરી લીધો હતો. હવે હાઇકોર્ટનો નિર્ણય VMCના પક્ષમાં આવ્યો છે, જેથી સ્પષ્ટ થાય છે કે આ જમીન હંમેશાં VMCની સંપત્તિ રહેશે. જાણકારોનું માનવું છે છે કે, આ મામલે યુસુફ પઠાણ હવે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.
તાંદલજા વિસ્તારમાં TMC સાંસદ યુસુફ પઠાણ દ્વારા VMCના પ્લોટ પર કરાયેલા દબાણને લઈને વિવાદ સર્જાયો છે. હવે વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા VMC કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં કહેવામા આવ્યું છે કે છેલ્લા 12 વર્ષથી યુસુફ પઠાણ દ્વારા આ પ્લોટ પર દબાણ કરાયું છે. જેથી પાલિકા ભાડા પેટે નક્કી કરાયેલા ભાડાની રકમ પ્રમાણે 12 વર્ષ સુધીના ભાડાની વસૂલી કરવામાં આવે.

