- Lifestyle
- AIIMSના ડૉક્ટરોએ કહ્યું- તાત્કાલિક દારૂની બોટલ પર વોર્નિંગ લેબલ લગાવો, 7 પ્રકારના કેન્સર માટે જવાબદા...
AIIMSના ડૉક્ટરોએ કહ્યું- તાત્કાલિક દારૂની બોટલ પર વોર્નિંગ લેબલ લગાવો, 7 પ્રકારના કેન્સર માટે જવાબદાર
આપણે બધા જાણીએ છીએ કે દારૂથી ઘણા પ્રકારની બીમારીઓ થાય છે પરંતુ સરકારે તેના પર અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લીધા નથી. હવે AIIMSના ડૉક્ટરોએ સૂચન આપ્યું છે કે, દારૂની બોટલો પર તાત્કાલિક આ સંદેશ લખવામાં આવે કે દારૂ પીવાથી કેન્સર થાય છે.’ ડૉક્ટરોએ કહ્યું કે એવા મજબૂત પુરાવા છે કે દારૂથી 7 પ્રકારના કેન્સર થાય છે. એવામાં જે પ્રકારે તમાકુના પેકેટ પર કેન્સરવાળું વોર્નિંગ લેબલ હોય છે, તેવી જ રીતે દારૂની બોટલો પર પણ આ વોર્નિંગ લેબલ લગાવવું જોઈએ.
ફ્રન્ટિયર્સ ઇન પબ્લિક હેલ્થમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં, AIIMSના ડૉક્ટરોએ કહ્યું છે કે, તમાકુની જેમ, દારૂ પણ એક સાબિત કેંસરજન્ય (કાર્સિનોજેન) છે, પરંતુ તેના પ્રત્યે જાગૃતિ હજુ પણ ખૂબ ઓછી છે. AIIMSના રેડિયેશન ઓન્કોલોજી વિભાગના ઓન્કોલોજિસ્ટ ડૉ. અભિષેક શંકર, ડૉ. વૈભવ સાહની અને ડૉ. દીપક સૈની દ્વારા તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કિશોરાવસ્થા એ મહત્ત્વપૂર્ણ સમયગાળો છે, જ્યારે નશાની આદતોનો ચસ્કો લાગતો હોય છે.
આ સમયે, કોઈપણ વસ્તુની લતની તીવ્રતા ખૂબ વધારે હોય છે. આ જ કારણ છે કે જો કોઈ કિશોરાવસ્થામાં દારૂની લત લાગી ગઈ તો તેનાથી છૂટકારો મેળવવો મુશ્કેલ થઈ જાય છે. સંશોધકોએ જણાવ્યું હતું કે, જો દારૂની બોટલો પર વોર્નિંગ લેબલ લગાવવામાં આવે તો તે એક પ્રભાવી વ્યાવહારિક હસ્તક્ષેપ સાબિત થઈ શકે છે. કારણ કે, આ ઉંમરમાં બાળકો આ ચેતવણીને જોઈને દારૂ પીવાની હિંમત ઓછી કરશે. ખાસ કરીને અલ્પવિકસિત અને વિકાસશીલ દેશોમાં તેની વધારે જરૂર હોય છે. આ દેશોમાં, સમાજના કેટલાકક વર્ગોને નશાના દુષ્પરિણામો પ્રત્યે શિક્ષિત અને સંવેદનશીલ બનાવવું અત્યંત આવશ્યક છે.
કેન્સર ઝડપથી ફેલાતી બીમારી
ડૉક્ટરોએ કહ્યું હતું કે ભારતમાં કેન્સરના કેસોમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે. 2012 થી 2022 સુધીના આંકડા બતાવે છે કે, તેમાં 36 ટકાનો વધારો થયો છે. એટલે કે, કેસોની સંખ્યા 10.1 લાખથી વધીને 13.8 લાખ થઈ ગઈ છે. GLOBOCAN 2022ના આંકડાઓ અનુસાર, ભારતમાં લગભગ 14.1 લાખ નવા કેન્સરના કેસ સામે આવ્યા અને 5 વર્ષના સમયગાળામાં કુલ કેસોની સંખ્યા લગભગ 32.5 લાખ હતી. તો, 9.17 લાખ લોકોનું કેન્સરથી મોત થઈ ગયું. GLOBOCAN 2020ના આંકડાઓ અનુસાર, ભારતમાં કેન્સરના 4.7 ટકા કેસ માટે દારૂ જવાબદાર છે. એટલે કે, એક લાખ વસ્તી દીઠ ઉંમર પ્રમાણે આ દર 4.8 છે.
2016ના આંકડાઓ અનુસાર, ભારતમાં તમામ પ્રકારની બીમારીથી થતા મોતોમાંથી 6.6 ટકા મૃત્યુ દારૂ સેવનને કારણે થયા હતા. તો, તમાકુને કારણે 10.9 ટકા મોતો થયા હતા. સંશોધકોએ જાન્યુઆરી 2025માં અમેરિકન સર્જન જનરલ દ્વારા દારૂના સેવન અને કેન્સરના જોખમને લઈને જાહેર કરાયેલી સલાહનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, દારૂનું સેવન ઓછામાં ઓછા 7 પ્રકારના કેન્સર (કોલોન અથવારેક્ટમ, લીવર, સ્તન, અન્નનળી, લેરિક્સ, ફેરીન્ક્સ અને મોઢાના પોલાણ) થવાનું જોખમ સ્પષ્ટ રૂપે વધારે છે. આ સલાહમાં દારૂના સેવન અને કેન્સરના વિકાસ વચ્ચે ઉપસ્થિત જૈવિક કારણોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, સાથે જ આ પ્રભાવ પુરુષ અને સ્ત્રીઓ બંને પર સમાન રીતે થાય છે. સંશોધકોએ એમ પણ કહ્યું કે સલાહ જાહેર કરવામાં આવી તે અગાઉ પણ, દારૂને કારણે થનારી કેન્સરની બીમારી એક વૈશ્વિક બોજ છે.

