ઓનલાઇન ગેમિંગ બિલ પાસ થતા જ MPL, Dream11, Zupeeનો મોટો નિર્ણય
રાજ્યસભામાંથી ઓનલાઈન ગેમિંગ બિલ 2025 પસાર થતા જ, રિયલ મની ગેમિંગ ઈન્ડસ્ટ્રીના મોટા ખેલાડીઓ MPL, Dream11 અને Zupeeએ પોતાની મની ગેમ્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મળ્યા બાદ ઓનલાઈન ગેમિંગ બિલ 2025 લોકસભા અને રાજ્યસભામાંથી પાસ થઈ ગયું છે. હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ તે કાયદો બની જશે. તેમાં રિયલ મની ગેમિંગ કંપનીઓ પર 1 કરોડ રૂપિયાના દંડથી લઈને જેલની સજાની જોગવાઈ પણ છે.
PTIના રિપોર્ટ મુજબ ભારતના સૌથી મોટા ગેમિંગ પ્લેટફોર્મ MPLએ તેની બધી રિયલ મની ગેમ્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેની LinkedIn પોસ્ટમાં કંપનીએ સ્ટેટમેન્ટ જાહેર કરતા કહ્યું કે, અમે દેશના કાયદાનું સન્માન કરીએ છીએ અને તેનું સંપૂર્ણ પાલન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
કંપનીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, તાત્કાલિક પ્રભાવથી અમે MPL પ્લેટફોર્મ પરથી અમારી બધી રિયલ મની ગેમ્સ હટાવી કરી રહ્યા છીએ. અમારી પહેલી પ્રાથમિકતા યુઝર્સ છે. હવે યુઝર્સ દ્વારા કરવામાં આવનાર નવી ડિપોઝિટ એકસેપ્ટ નહીં થાય. જો કે, યુઝર્સ પોતાનું બેલેન્સ ઉપાડી શકે છે. હવેથી MPLના પ્લેટફોર્મ પર કોઈ પણ ઓનલાઈન મની ગેમ ઉપલબ્ધ નહીં રહે.
તમને જણાવી દઈએ કે, MPLના એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકામાં 120 મિલિયનથી વધુ એટલે કે 12 કરોડથી વધુ રજિસ્ટર્ડ યુઝર છે. રિપોર્ટ અનુસાર MPL સિવાય, Dream11 અને Zupeeએ પણ તેમના પ્લેટફોર્મ પરથી બધી રિયલ મની ગેમ્સ હટાવવાનો નિર્ણય લીધો છે. Dream11એ પોતાની એપ નોટિફિકેશનમાં જણાવ્યું છે કે તે પ્લેટફોર્મ પરથી બધી પે ટૂ પ્લે ફેન્ટસી ગેમ્સને હટાવી રહ્યું છે. યુઝર્સનું બેલેન્સ સુરક્ષિત છે, જેને Dream11 એપ દ્વારા ઉપાડી શકાય છે.
Zupeeએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, ગેમિંગ પ્લેટફોર્મ પૂરી રીતે ઓપરેશનલ રહેશે અને ખેલાડીઓ પોતાની પસંદગીની ગેમ્સ પણ રમી શકશે. જો કે, નવા ઓનલાઈન ગેમિંગ બિલ 2025ને કારણે, કંપની પોતાના પ્લેટફોર્મ પરથી બધી પેઇડ ગેમ્સ હટાવી રહી છે. કંપનીના Ludo Supreme, Ludo Turbo, Snakes & Ladders અને Trump Card Mania જેવા ગેમિંગ ટાઇટલ યુઝર્સ વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. આ ગેમ્સને યુઝર્સ ફ્રીમાં એક્સેસ કરી શકે છે.

