- National
- પહેલા PM રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા અને થોડા સમય બાદ જ શાહ ગયા, શું ફરી 5 ઓગસ્ટે કંઈ મોટું થશે?
પહેલા PM રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા અને થોડા સમય બાદ જ શાહ ગયા, શું ફરી 5 ઓગસ્ટે કંઈ મોટું થશે?
સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સદનમાં બિહાર SIRને લઈને ખૂબ હોબાળો થઈ રહ્યો છે, પરંતુ આ બધા વચ્ચે રવિવારે સવારે દિલ્હીના પાવર કૉરિડોરમાં કંઈક એવું થયું, જેણે રાજનીતિક ગલિયારામાં કાન ઊભા કરી દીધા છે. સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને મળ્યા. તેના 4 કલાક પણ વિત્યા નહોતા અને ગૃહમંત્રી અમિત શાહ પણ રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા. સવાલ ઉભા થવા લાગ્યા કે, આખરે કારણ શું છે કે સત્તાના 2 સૌથી શક્તિશાળી ચહેરા રાષ્ટ્રપતિને અલગ-અલગ મળી રહ્યા છે? સોશિયલ મીડિયા પર 5 ઑગસ્ટની ખૂબ ચર્ચા થઈ રહી છે.
આવી મુલાકાતો બિલકુલ સામાન્ય નથી. સામાન્ય રીતે જ્યારે વડાપ્રધાન અને ગૃહમંત્રી રાષ્ટ્રપતિને મળે છે, ત્યારે તે ક્યાં તો ઔપચારિક મુલાકાત હોય છે અથવા તેઓ કોઈ ખાસ પ્રસંગે એક-સાથે જાય છે. પરંતુ એક જ દિવસે થોડા કલાકોના અંતરે આ બંને નેતાઓની મુલાકાત ખૂબ જ અસામાન્ય માનવામાં આવી રહી છે. રાજનીતિ પર નજર રાખનારાઓ માને છે કે સરકાર કોઈ મોટો નિર્ણય લેવાનું વિચારી રહી છે. એવું પણ થઈ શકે સદનમાં કોઈ મોટું બિલ આવવાનું હોય. એવું પણ શક્ય છે કે જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદ પરથી વિદાઇ થઈ તેને લઈને કોઈ ચર્ચા થઈ રહી હોય. સરકાર તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ એ વાત નક્કી છે કે કોઈ મોટી હિલચાલ થઈ રહી છે.
તેનો અર્થ શું હોઈ શકે?
1. કોઈ મોટો રાજનીતિક નિર્ણય: એવા સંકેતો મળી રહ્યા છે કે સરકાર કોઈ મોટા સંવૈધાનિક કે રાજનીતિક નિર્ણય પર વિચાર કરી રહી છે. પછી ભલે તે કોઈ મહત્ત્વપૂર્ણ નિમણૂક હોય કે રાષ્ટ્રપતિ સ્તર પર કોઈ નિર્ણય. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ, આ પદ માટે ચૂંટણી અંગે પણ કોઈ વાત હોય શકે છે.
2. કાશ્મીર કે ઉત્તર-પૂર્વ સંબંધિત કોઈ અપડેટ: પહેલગામ ઘટના બાદ, તાજેતરમાં કાશ્મીરમાં ઓપરેશન તેજ થયું છે. સેનાએ આતંકવાદીઓને ઓલઆઉટ કરવાની શરૂઆત કરી છે. આ સાથે, પૂર્વોત્તરમાં બાંગ્લાદેશ સંબંધિત પર પણ ગૃહ મંત્રાલય સક્રિય છે. શક્ય છે કે, વડાપ્રધાન અને શાહે રાષ્ટ્રપતિને અલગ-અલગથી માહિતી આપી હોય.
3. કોઈ બિલ કે વટહુકમ: તોફાની સંસદમાં ઘણા સંવેદનશીલ બિલ રજૂ કરવાના છે, જેમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અથવા વન નેશન વન ઇલેક્શન જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિની મંજૂરી અથવા પૂર્વ માહિતીની જરૂર પડી શકે છે. શક્ય છે કે ગૃહમંત્રી અમિત શાહે આ કારણોસર મુલકાત કરી હોય.
સંસદ સત્ર વચ્ચે આ મુલાકાત કેમ ખાસ છે?
સંસદ સત્ર દરમિયાન સરકાર સાથે જોડાયેલા લોકો સામાન્ય રીતે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવાનું ટાળે છે, જ્યાં સુધી કોઈ ખાસ કારણ ન હોય. એવામાં વડાપ્રધાન અને ગૃહમંત્રીનું માત્ર એક કલાકના ગેપમાં રાષ્ટ્રપતિ ભવન જવું એ કેટલાક મોટા ઘટનાક્રમ તરફ ઈશારો કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે, સંસદ ઠપ્પ છે, છતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચાર કલાક બાદ અમિત શાહની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત! હવે જોવાનું એ રહેશે કે, નવો ગેમ પ્લાન શું છે. કેટલાક લોકોએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, SIR ડ્રાઇવ અથવા સંસદમાં રજૂ થનારા સંવેદનશીલ બિલને કારણ ગણાવ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો 5 ઑગસ્ટની ચર્ચા કરી રહ્યા છે. પૂછી રહ્યા છે કે 5 ઑગસ્ટે શું થવા જઇ રહ્યું છે.
તમને જણાવી દઈએ કે 2019માં 5 ઓગસ્ટના દિવસે જ મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યો હતો અને 2020માં 5 ઓગસ્ટના દિવસે જ અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

