- National
- 72 વર્ષીય વૃદ્ધે પૈસા બમણા કરવાની લાલચમાં 1.39 કરોડ ગુમાવ્યા
72 વર્ષીય વૃદ્ધે પૈસા બમણા કરવાની લાલચમાં 1.39 કરોડ ગુમાવ્યા
ગુજરાતીમાં એક કહેવત છે, 'લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે' પોતાની પાસે જરૂર પૂરતા પૈસા હોવા છતાં વધારે પૈસા કમાવવાની લાલચ જાગી અને તેમને આવા ધુતારા ભેટી ગયા અને આખરે પોતાના પૈસા ડબલ તો ના થયા પણ હતા તે પણ ગુમાવ્યા. આવા એક કિસ્સામાં થાણેના કાસરવડાવલી વિસ્તારમાં રહેતા 72 વર્ષીય એક વૃદ્ધ વ્યક્તિ સાથે સંકળાયેલા એક મોટા ઓનલાઈન શેર ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ છેતરપિંડી જુલાઈ 2025થી સપ્ટેમ્બર 2025ની વચ્ચે થઈ હતી. છેતરપિંડી કરનારાઓએ ભોગ બનનારને એક વોટ્સએપ ગ્રુપ દ્વારા વધારે નફો કમાવવાના વચનો આપીને લલચાવ્યા હતા અને તેમની પાસેથી આશરે રૂ. 1.39 કરોડની છેતરપિંડી કરી હતી.
કાસરવડાવલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, છેતરપિંડી કરનારાઓએ ફરિયાદીનો ફોન અને ટેક્સ્ટ સંદેશાઓ દ્વારા ઘણી વખત સંપર્ક કર્યો હતો. તેઓએ પોતાને શેરબજારના નિષ્ણાતો અને રોકાણ નિષ્ણાતો તરીકે રજૂ કર્યા હતા. તેઓએ ભોગ બનનારને ખાતરી આપી હતી કે, તેઓએ આપેલી લિંક્સ દ્વારા રોકાણ કરવાથી ટૂંકા ગાળામાં નોંધપાત્ર નફો થશે.
અધિકારીના જણાવ્યા મુજબ, 'છેતરપિંડી કરનારાઓએ પીડિતને ઘણા વોટ્સએપ ગ્રુપમાં જોડ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સભ્યો પોતાને સફળ રોકાણકાર હોવાનો દાવો કરતા હતા. ત્યાંથી, તેઓએ તેમને 'રોકાણ લિંક્સ' મોકલી અને લાખો રૂપિયા ટ્રાન્સફર કરવાની સૂચના આપી.'
પીડિતએ શરૂઆતમાં છેતરપિંડી કરનારાઓ પર વિશ્વાસ કર્યો અને અનેક હપ્તામાં પૈસા જમા કરાવ્યા. જોકે, થોડા સમય પછી, જ્યારે તેમને કહ્યા મુજબના વચન પ્રમાણે નફો ન મળ્યો, ત્યારે તેમણે આરોપીઓની સવાલ પૂછવાનું શરૂ કર્યું. પછી, છેતરપિંડી કરનારાઓએ અચાનક બધા સંપર્ક કાપી નાખ્યા અને મેસેજના જવાબ આપવાનું બંધ કરી દીધું.
ત્યાર પછી પીડિતને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે તેણે તરત જ પોલીસ ફરિયાદ નોંધાવી. બુધવારે કાસરવડાવલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. પોલીસ હવે આરોપીઓને ઓળખવા અને શોધવા માટે કામ કરી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસ સૂચવે છે કે, આ સંગઠિત સાયબર છેતરપિંડીનો કેસ છે. અમારી ટીમો પુરાવા એકત્રિત કરવા અને આરોપીઓને શોધવા માટે કામ કરી રહી છે.
અહીં તમને બતાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં પેથોલોજી લેબના માલિક સાથે પણ આ અગાઉ લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હતી, આ કેસની પોલીસ તપાસ હજુ ચાલુ છે.

