- National
- યુનિફોર્મ પહેરેલા આર્મી કેપ્ટને હેલિકોપ્ટર સામે મંગેતરને પ્રપોઝ કર્યું, સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થ...
યુનિફોર્મ પહેરેલા આર્મી કેપ્ટને હેલિકોપ્ટર સામે મંગેતરને પ્રપોઝ કર્યું, સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ
તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં, ભારતીય આર્મી એવિએશન કેપ્ટન ભરત ભારદ્વાજ એક ગ્રેજ્યુએશન સમારોહ દરમિયાન તેમની મંગેતર આરુષિને પ્રપોઝ કરતા જોવા મળ્યા હતા.
તેમણે 2 જૂનના રોજ મહારાષ્ટ્રના નાસિકમાં કોમ્બેટ આર્મી એવિએશન ટ્રેનિંગ સ્કૂલમાં પોતાની ફ્લાઇટ તાલીમ પૂર્ણ કરી હતી.
તાલીમ પૂર્ણ કર્યા પછી, પાસિંગ-આઉટ પરેડ અને એવિએશન શો યોજાયો હતો. આ સમારોહ દરમિયાન, ભરત ભારદ્વાજે તેમની મંગેતર આરુષિને પ્રપોઝ કર્યું.
ભરતે આરુષિને પ્રપોઝ કર્યું ત્યારે પાછળની તરફ એક આર્મી હેલિકોપ્ટર ઊભું હતું.
કાર્યક્રમમાં હાજર પરિવારના સભ્યો અને સાથી અધિકારીઓએ તાળીઓ પાડી અને આ ક્ષણની ઉજવણી કરી.
પરંતુ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી, લોકોનો અભિપ્રાય વહેંચાઈ ગયો હતો. કેટલાકે તેની પ્રશંસા કરી, જ્યારે અન્યોએ તેની ટીકા કરી.
2 જૂનના રોજ આરુષિને પ્રપોઝ કર્યા પછી, ભરત ભારદ્વાજે એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, 'એક વર્ષની સખત મહેનત પછી, આજે અમારા દરેક માટે એક મોટો દિવસ હતો. અમે બધા પાઇલટ અને ઇન્સ્ટ્રક્ટર બની ગયા. આજે અમારી મહેનત સફળ થઇ.'
'હવે તે મારી મંગેતર છે, અને હું તેને પાંચ વર્ષથી ઓળખું છું. અમે એકબીજાને ઘણા સમયથી ઓળખીએ છીએ. મને તેને પૂછવા માટે આનાથી વધુ સારો દિવસ વિચારી શકતો ન હતો કે, શું તે મારી સાથે લગ્ન કરશે.'
તેમણે આગળ કહ્યું, 'આ અમારા પરિવાર માટે એક મોટો દિવસ છે. મારો વિચાર હતો કે, જેમ મારા અને મારા પરિવાર માટે આજે એક મોટો દિવસ છે, તેમ મારી મંગેતર માટે પણ તેને વધુ મોટો કેમ ન બનાવવો? આ આખા આઈડિયા પાછળ મારો આ વિચાર હતો.'
પરંતુ કેપ્ટન ભારદ્વાજનો આ વિચાર બધાને પસંદ ન આવ્યો. સુરભી ગરવાલ નામના એક યુઝરે તેમની પ્રપોઝ કરવાની પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા.
તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'ભારતીય સેનાના અધિકારી કેપ્ટન ભરત ભારદ્વાજે કથિત રીતે લશ્કરી શિસ્ત અને પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે પરેડ જેવા ઔપચારિક લશ્કરી કાર્યક્રમ દરમિયાન યુનિફોર્મ પહેરીને અને લશ્કરી સાધનોની સામે પોતાની મંગેતરને પ્રપોઝ કર્યું હતું.'
https://twitter.com/ANI/status/2061739907320860704
વિનય ઉપાધ્યાય નામના એક યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર કેપ્ટન ભરત ભારદ્વાજે તેમના જીવનસાથી આયુષીને પ્રપોઝ કર્યું તે અંગે ઘણી ચર્ચા થઈ રહી છે.'
'હોય શકે કે, કેટલાક નિયમોનું ઉલ્લંઘન થયું હશે અથવા યુવાન અધિકારી થોડો વધારે લાગણીશીલ થઈ ગયો હશે. પરંતુ જેમ આપણે ઘણીવાર જોયું અને સાંભળ્યું છે, 'તમારી સેનાને જાણો' જેવા કાર્યક્રમો જનતાને લશ્કરી સાધનો અને શસ્ત્રો સાથે ફોટા પાડવાની તક આપે છે, જે પ્રેરણાનું કામ કરે છે.'

'આવી ખાસ ક્ષણને ચર્ચા, વિવાદ અને અલગ અલગ મંતવ્યોથી ઉપર જઈને ફક્ત ઉજવણી કરવી જોઈએ.'
KS યાદવ નામના એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, 'વાત એ છે કે આર્મી ઓફિસર કેપ્ટન ભરત ભારદ્વાજે કથિત રીતે લશ્કરી નિયમો અને શિસ્તનું ઉલ્લંઘન કર્યું છે.'
'તેમણે પોતાની મંગેતરને પાસિંગ આઉટ પરેડ જેવા ઔપચારિક કાર્યક્રમ દરમિયાન, યુનિફોર્મમાં અને લશ્કરી સાધનોની સામે પ્રપોઝ કર્યું.'
પત્રકાર સ્વાતિ ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી, 'આની નિંદા કરવાને બદલે, લોકો તેને સકારાત્મક દૃષ્ટિકોણથી જોઈ શકે છે. યુનિફોર્મમાં દેશની સેવા કરતો એક સૈનિક અને તેની બાજુમાં તેનો જીવનસાથી, એક સુંદર અને પ્રેરણાદાયક ચિત્ર છે.'
પુનીત નામના એક યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું, 'હેલિકોપ્ટર પાસે યુનિફોર્મમાં કેપ્ટન ભરત ભારદ્વાજનો પ્રેમનો અભિવ્યક્તિ એક અનોખો 'કૂલ' અંદાઝ દર્શાવે છે.'
'તે ફરજ અને પ્રેમનું સુંદર મિશ્રણ છે, જે દર્શાવે છે કે ભારતીય સેનામાં જોડાવાથી ગર્વ અને સાહસથી ભરેલું જીવન મળે છે. યુવાનો માટે સ્ટાઇલ અને ગર્વ સાથે યુનિફોર્મ પહેરવું એ સાચી પ્રેરણા છે.'
લેફ્ટનન્ટ જનરલ DP પાંડેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ભરત ભારદ્વાજને ટેકો આપ્યો.
તેમણે લખ્યું, 'એક આર્મી કેપ્ટને તેની મંગેતરને પ્રપોઝ કર્યું. આનાથી રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન થયું નહીં. ચાનો સમય હતો, પરેડ નહીં. પરેડ પૂરી થઈ ગઈ હતી, અને દરેકને ફોટા લેવાની છૂટ હતી. તેમાં કંઈ ખોટું નથી.'
'તેણે કદાચ મર્યાદા ઓળંગી હશે, અને તે તેના પરિણામો સમજે છે. પણ એક સારા સૈનિકની જેમ, તે તેને સ્વીકારશે. પણ જો તે જોખમ નહીં લે, હિંમતવાન પગલાં નહીં લે અને મર્યાદા નહીં ઓળંગે, તો કોણ કરશે? અને ક્યારે કરશે?'
તેમણે ઉમેર્યું, 'કેપ્ટન ભારદ્વાજ અને તેમના મંગેતરને શુભકામનાઓ. તેઓ લગ્ન કરે અને સુખી જીવન જીવે.'

