- National
- ‘બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ’, હરિદ્વારના ‘હર કી પૌડી’માં લાગ્યા પોસ્ટર, જાણો શું છે આખો વિવાદ?...
‘બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ’, હરિદ્વારના ‘હર કી પૌડી’માં લાગ્યા પોસ્ટર, જાણો શું છે આખો વિવાદ?
હરિદ્વારના પ્રખ્યાત ધાર્મિક સ્થળ ‘હર કી પૌડી’માં બિન-હિન્દુઓના પ્રવેશ પર વિવાદ વધી રહ્યો છે. ત્યાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં લખ્યું છે- ‘બિન-હિન્દુ પ્રતિબંધિત ક્ષેત્ર.’ પોસ્ટરોમાં વધુમાં જણાવાયું છે કે આ હરિદ્વાર મ્યુનિસિપલ એક્ટના આદેશ હેઠળ છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ‘હર કી પૌડી’માં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી હતી.
તાજેતરમાં જ, કેટલાક યુવાનો આરબ શેખના પોશાક પહેરીને વિસ્તારમાં ફરતા જોવા મળ્યા હતા. જ્યારે લોકોએ તેમની પૂછપરછ કરી, ત્યારે યુવાનોએ કહ્યું કે તેઓ હિન્દુ છે. તેમણે રીલ બનાવવા માટે પોતાનો વેશ બદલ્યો હતો. આનાથી ખૂબ વિવાદ થયો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે આવા લોકો પોતાનો વેશપલટો કરીને માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારબાદ, આ વિસ્તારમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની સતત માંગણીઓ થઈ રહી છે.
ગંગા કિનારે આવેલા ઘાટોની વ્યવસ્થા જોતી ગંગા સભાએ પણ સરકાર અને વહીવટીતંત્ર પાસે આ માંગ કરી હતી. હવે, ત્યાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, ગંગા સભાએ જ આ પોસ્ટરો લગાવડાવ્યા છે. સભાના પ્રમુખ નીતિન ગૌતમનું કહેવું છે કે, 1916ના હરિદ્વાર મ્યુનિસિપલ એક્ટ હેઠળ આમ કરવામાં આવ્યું હતું. ભાસ્કરના અહેવાલ મુજબ, નીતિન ગૌતમે કહ્યું કે, ‘દરેક વ્યક્તિને કાયદાની જાણ હોવી જોઈએ. કયા વિસ્તારમાં કયા નિયમો લાગૂ પડે છે તે જાણવું દરેકની જવાબદારી છે. આ હેતુથી ‘હર કી પૌડી’ ક્ષેત્રમાં આવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેથી નિયમો અંગે કોઈ મૂંઝવણ ન રહે.’
નીતિન ગૌતમે જણાવ્યું કે આ કોઈ નવી પહેલ નથી. આ માહિતી 1916ના મ્યુનિસિપલ બાયલૉઝ હેઠળ સાર્વજનિક કરવામાં આવી છે. વિસ્તારની સ્વચ્છતા અને ગરિમાને ધ્યાનમાં રાખીને માહિતી બોર્ડ લગાવવામાં આવ્યા છે. થોડા દિવસો અગાઉ બનેલી ઘટનાઓએ ફરી એકવાર સમગ્ર સનાતન જગતને હચમચાવી નાખ્યું હતું. મને લાગ્યું કે જે બાળકો અહીં અરબ શેખના વેશમાં રીલ બનાવવા આવ્યા હતા, જો તેમને આ કાયદા વિશે ખબર હોત, તો તેઓ કદાચ આવું ન કરતા.
ભાસ્કરના અહેવાલ મુજબ, ‘હર કી પૌડી’ વિસ્તારમાં હવે બિન-હિન્દુઓની તપાસ કરવામાં આવી રહી છે. ઘાટના કિનારે દુકાનો કે ફેરિયાઓના આધાર કાર્ડ તપાસવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકો તેને ગંગા સભા દ્વારા શરૂ કરાયેલું તપાસ અભિયાન ગણાવી રહ્યા છે. ઘાટ પર હાજર પૂજારીઓ અને સાધુ-સંતોનું કહેવું છે કે આ સખ્તાઈ જરૂરી છે. પૈસા કમાવાની આડમાં કેટલાક લોકો શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડે તેવા કાર્યો કરી રહ્યા હતા, જેના કારણે વિવાદ અને ઝઘડાઓની સ્થિતિ બનતી હતી.
કુંભ વિસ્તારમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ વાળા પોસ્ટરો લગાવવા પર પણ વિવાદ શરૂ થઈ ગયો છે. સમાજવાદી પાર્ટીના નેતા એસ.ટી. હસને કહ્યું છે કે તેમણે પહેલા બંધારણ બદલવું જોઈએ. આ દેશ બધા માટે છે, માત્ર એક ખાસ સમુદાય માટે નહીં. આ કોઈની ખાનગી સંપત્તિ નથી. તેમણે કહ્યું કે બંધારણ મુજબ, કોઈપણ ભારતીય દેશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. જો કોઈ ગુનો કરે છે, તો કાયદો કાર્યવાહી કરશે. આવી વાતો રોકવી જોઈએ અને તેના પર પ્રતિબંધ લગાવવો જોઈએ. તે આપણા સમાજમાં નફરત ફેલાવી રહ્યા છે.

