- National
- અમે સત્તા પર આવીશું તો ગેસનો બાટલાનો ભાવ 500થી વધારે નહીં હોય: કોંગ્રેસ
અમે સત્તા પર આવીશું તો ગેસનો બાટલાનો ભાવ 500થી વધારે નહીં હોય: કોંગ્રેસ

હોળી પહેલા રાંધણગેસના ભાવ વધારાને લઈને મોદી સરકાર પર નિશાન સાધતા કોંગ્રેસે દાવો કર્યો કે જો તે 2024માં સત્તામાં આવશે તો ગેસ સિલિન્ડરની કિંમત 500 રૂપિયાથી વધુ નહીં થવા દે. કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે બુધવારે કેન્દ્ર પર પ્રહાર કરતા કહ્યું કે, મોદી સરકાર મૈત્રીપૂર્ણ સમયમાં ખૂબ જ નિર્દય બની ગઈ છે, LPG 1100 અને કોમર્શિયલ સિલિન્ડર 2100 થી વધુ છે, તેમના મિત્રો પર ખૂબ પ્રેમ વરસાવ્યો અને દેશની જનતા મોંઘવારીથી હાહાકાર કરી રહી છે.
ગૌરવ વલ્લભે નિશાન સાધીને કહ્યુ કે, કેન્દ્રની મોદી સરકારે હોળી પહેલા જ જનતાને મોંઘવારીની ભેટ આપી છે. PM મોદી નથી ઈચ્છતા કે હોળી પર સામાન્ય લોકો તેમના રસોડામાં કંઈક બનાવે. તેઓ એ પણ નથી ઇચ્છતા કે લોકો બહારથી ખરીદી કરે. તેમણે કહ્યું કે મોદી સરકાર ઘરેલુ સિલિન્ડર પર પણ 5 ટકા GST વસૂલે છે, જ્યારે તે કોમર્શિયલ સિલિન્ડર પર 18 ટકા GST વસૂલે છે.
ગૌરવ વલ્લ્ભે કહ્યુ કે, જો તમે બહારથી મિઠાઇ ખરીદશો તો તે મોંઘી પડશે કારણ કે કોમર્શિયલ સિલિન્ડર પર GST 18 ટકા છે. તો PM મોદી એવું ઇચ્છે છે કે ન તો તમે મિઠાઇ ખાઓ કે ન તો તમે ફરસાણ ખાઓ, નહીં દુધનું સેવન કરો.
ગૌરવ વલ્લભે સવાલ કરતા કહ્યુ કે રાંધણ ગેસ 2014માં જે 500 રૂપિયા પર હતો તે સીધો 1100 રૂપિયા પર કેવી રીતે પહોંચી ગયો? પેટ્રોલિયમ મંત્રાલય દ્રારા બનાવવામાં આવેલા ટેબલ મુજબ 2004-2005થી લઇને 2013-2104 વચ્ચે કોંગ્રેસની સરકારે 2 લાખ 14 હજાર કરોડ સબસિડી આપી હતી. કોંગ્રેસે આ સબસિડી એટલા માટે આપી હતી કે ગેસનો ભાવ 500 રૂપિયા ઉપર ન જાય. ગૌરવે કહ્યું કે એ સમયે જે ગેસ અમે બહારથી મંગાવતા હતા તેની કિંમત હાલની કિંમત કરતા વધારે હતી. આમ છતા અમે ગેસનો બાવ 500 ઉપર જવા દીધો નહોતો.
બીજી તરફ મોદી સરકારે છેલ્લા 9 વર્ષમાં 36 હજાર 500 કરોડ રૂપિયાની સબસિડી આપી છે. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે જ્યારે સવાલ પૂછવામાં આવે છે તો તેઓ કહે છે કે સિલિન્ડર લો અને ગેસ ભરાવો ઉજ્જવલા યોજના હેઠળ. પરંતુ ઉજ્જવલા યોજનામાં બીજો સિલિન્ડર કેવી રીતે ભરાવવો?
ગૌરવ વલ્લભે કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની ગેહલોત સરકાર 500 રૂપિયાથી ઓછા ભાવે ગેસ સિલિન્ડર આપી રહી છે. અમારી માંગ છે કે સમગ્ર દેશમાં રાંધણગેસની કિંમત 500 રૂપિયાથી ઓછી કરવામાં આવે. જો આ કિંમત 500 રૂપિયાથી વધુ હોય તો તે GDP ગ્રોથ માટે સારું નહીં હોય.
જ્યારે ગૌરવ વલ્લભને પુછવામાં આવ્યું કે જો કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણી જીતશે અને તેની સરકાર બનશે તો શું ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 500 રૂપિયાથી ઓછી કરશે? ગૌરવ વલ્લભે કહ્યું કે જ્યારે અમે રાજસ્થાનમાં આ કરી શકીએ છીએ, ત્યારે દેશમાં અમે કેમ ન કરી શકીએ. તેમણે કહ્યું, અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે જો 2024માં અમારી સરકાર બનશે તો ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 500 રૂપિયાથી વધુ નહીં થાય.