- National
- કાશ્મીર ટૂ કેવડિયા! CM અબ્દુલ્લા પહોંચ્યા સ્ટેચ્યૂ ઓફ યુનિટી, PM મોદીએ કર્યા ભરપેટ વખાણ, શું કંઈક મો...
કાશ્મીર ટૂ કેવડિયા! CM અબ્દુલ્લા પહોંચ્યા સ્ટેચ્યૂ ઓફ યુનિટી, PM મોદીએ કર્યા ભરપેટ વખાણ, શું કંઈક મોટું થવાનું છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની કેવડિયા મુલાકાત પર ખુશી વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ પોતાના અંગત એકાઉન્ટ પરથી ઓમર અબ્દુલ્લાની મુલાકાતનો તસવીર શેર કરી છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમર અબ્દુલ્લાને ટેગ કરતા લખ્યું કે, ‘કાશ્મીરથી કેવડિયા! શ્રી ઓમર અબ્દુલ્લાજીને સાબરમતી રિવરફ્રન્ટ પર દોડતા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેતા જોઈને ખૂબ આનંદ થયો. તેમની યાત્રા એકતાનો મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે અને આપણા સાથી ભારતીયોને ભારતના વિવિધ ભાગોમાં મુસાફરી કરવા માટે પ્રેરણા આપશે.’ વડાપ્રધાન મોદીએ ઓમર અબ્દુલ્લાની સ્ટેચ્યૂ ઓફ યુનિટી મુલાકાતની તસવીર શેર કર્યા બાદ ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, આ કોઈ મોટી રાજનીતિક રમતનો સંકેત છે.
ગુજરાતની 2 દિવસીય મુલાકાતે પહોંચેલા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોઈને દંગ રહી ગયા હતા. તેમણે કહ્યું કે, મેં ખૂબ સાંભળ્યું હતું, પરંતુ મને આઇડિયા નહોતો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આટલું શાનદાર હશે. પહેલગામની ઘટના બાદ ઓમર અબ્દુલ્લા બુધવારે ગુજરાતની તેમની પહેલી મુલાકાત પર પહોંચ્યા હતા. ગુરુવારે સવારે તેમણે ગુજરાત મોડેલના પ્રતિક સાબરમતી રિવરફ્રન્ટ પર દોડીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
https://twitter.com/narendramodi/status/1950970610529739166
રાજકીય નિરીક્ષકો એવું માની રહ્યા છે કે, ઓમર અબ્દુલ્લા પ્રત્યે ભાજપનું વલણ નરમ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા નિવેદનો બાદ ભાજપે કોઈ કટાક્ષ છોડ્યો નથી, જ્યારે અબ્દુલ્લાને રાજ્યમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે ભાજપની મદદની જરૂર છે. આગામી દિવસોમાં કોઈ નવી રાજનીતિક ઘટના સામે આવે તો નવાઈ નહીં. ઓમર અબ્દુલ્લાએ એવા સમયે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે જ્યારે કોંગ્રેસના તમામ નેતાઓ ત્યાં જવાનું ટાળી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ ઘટના બાદ, મુખ્યમંત્રી તરીકે ઓમર અબ્દુલ્લા પૂરી રીતે કેન્દ્ર સરકાર સાથે ઉભા જોવા મળ્યા હતા. તેમણે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને કડક જવાબ પણ આપ્યો હતો. ત્યારબાદ, જ્યારે વડાપ્રધાન મોદીએ ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું, ત્યારે ઓમર અબ્દુલ્લા સાથે તેમની ઉષ્મા દેખાઈ રહી હતી. અબ્દુલ્લાએ કહ્યું હતું કે, વાજપેયીજી જે કરવા માગતા હતા તે તમે કર્યું છે. કાશ્મીરને ટ્રેનથી જોડવાનું કામ અંગ્રેજો પણ શક્યા નથી. ત્યારે એવી અટકળો ચાલી રહી હતી કે, શું ઓમર અબ્દુલ્લા ભાજપની નજીક આવી ગયા છે? પહેલગામ ઘટનાના 100 દિવસ બાદ ઓમર અબ્દુલ્લા ગુજરાત પહોંચ્યા હતા. તેમની મુલાકાતનો હેતુ ગુજરાતના લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો હતો, તો બીજી તરફ વડાપ્રધાન મોદીએ અબ્દુલ્લાની મુલાકાતને રાષ્ટ્રીય એકતાનો સંદેશ ગણાવ્યો છે.

