- National
- દીકરી રસ્તાના ખાડામાં પડી, પિતાએ તે ખાડાના પાણીમાં સૂઈને ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું, 'BJP MLA, અધિક...
દીકરી રસ્તાના ખાડામાં પડી, પિતાએ તે ખાડાના પાણીમાં સૂઈને ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું, 'BJP MLA, અધિકારીઓને કહીને થાકી ગયો..'
ઉત્તર પ્રદેશના કાનપુરમાં, એક પિતાએ પોતાની દીકરી પડી ગયા પછી રસ્તાઓની ખરાબ હાલત પર ગુસ્સો વ્યક્ત કરવા માટે એક અનોખી રીત અપનાવી. જ્યારે અધિકારીઓ અને નેતાઓ તરફથી કોઈ સાંભળ્યું નહીં, ત્યારે તેમણે રસ્તા પરના ખાડામાં ભરાયેલા પાણીમાં સૂઈને અવાજ ઉઠાવ્યો. તેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ ઘટના કાનપુરના આણંદ સાઉથ સિટી જતા માર્ગ પરની છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ રસ્તો મહિનાઓથી ખરાબ હાલતમાં છે અને અધિકારીઓ દ્વારા કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. રસ્તો પાણીથી ભરેલો છે અને ખાડાને કારણે, ફક્ત સ્થાનિક લોકો જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા નથી, પરંતુ તે શાળાના બાળકો માટે પણ એક મોટો ખતરો બની ગયો છે.
જ્યારે શીલુ દુબે નામના વ્યક્તિએ રસ્તાની ખરાબ હાલતથી પરેશાન થઈને જોયું કે તેની દીકરી શાળાએ જતી વખતે લપસી ગઈ અને પડી ગઈ, ત્યારે તેણે નક્કી કર્યું કે તે પાણીમાં સૂઈને આ મુદ્દો ઉઠાવશે. તેમણે આરોપ લગાવ્યો કે, ઘણા મહિનાઓથી રસ્તો બની રહ્યો નથી. વાયરલ વીડિયોમાં, શીલુ 'ભારત માતા કી જય'ના નારા લગાવે છે અને કહે છે, 'ઘણા મહિનાઓથી રસ્તો બની રહ્યો નથી. અમે ઘણા અધિકારીઓ સાથે વાત કરી છે. અમે અહીંના કાઉન્સિલર સાથે વાત કરી છે. અમે અહીંના મંત્રી સાથે વાત કરી છે. અમે અહીંના ધારાસભ્ય સાથે વાત કરી છે. કોઈ સાંભળતું નથી. શું કરવું, નાના બાળકો ભણવા જાય છે. અમારા બાળકો પણ જાય છે. બધાના બાળકો જાય છે. ઘણી શાળાઓ છે. અહીં રહેતા BJPના નેતાઓ અને ધારાસભ્યો પણ સાંભળતા નથી. તો શું કરવું, ધરણા પર બેસવું પડે છે... અહીંનો વોર્ડ 82, જરૌલી છે. આ મહારાજપુર વિધાનસભા હેઠળ સતીશ મહાનાના હેઠળ આવે છે. તો પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.'
શીલુ કહે છે કે જ્યાં સુધી રસ્તો રિપેર નહીં થાય ત્યાં સુધી તેઓ અહીં ધરણા પર બેસશે. તેમણે મીડિયા સૂત્રોને કહ્યું, 'દસ દિવસ પહેલા, મારી દીકરી સ્કૂલ જતી વખતે આ રસ્તા પર પડી ગઈ હતી. જ્યારે અમે જોયું કે મારી દીકરી પડી ગઈ છે, ત્યારે મે મારા સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યો. વીડિયો અપલોડ કર્યા પછી, મે જોયું કે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મે અહીંના નેતાઓ અને અધિકારીઓ સાથે ઘણી વખત વાત કરી છે. તેમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. થાકેલા અને હતાશ થઈને, ગઈકાલે ત્યાં ધરણા પર બેસવું પડ્યું. શું કરવું? એક પિતા શું કરી શકે? જ્યારે અધિકારીઓ, ધારાસભ્યો અને સાંસદો સાંભળશે નહીં, ત્યારે પિતા શું કરી શકે કે, તે ફક્ત રસ્તા પરના ખાડાના પાણી પર સૂઈ શકે. (પુત્રી)ને કોઈ ઈજા થઈ નથી, પાણીમાં પડ્યા પછી તેના કપડાં વગેરે ગંદા થઈ ગયા છે.'
ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર છે. શીલુનો દાવો છે કે, આ વિસ્તાર વિધાનસભા અધ્યક્ષ અને BJPના ધારાસભ્ય સતીશ મહાનાના વિધાનસભા મતવિસ્તાર મહારાજપુર હેઠળ આવે છે, તેમ છતાં રસ્તાનું સમારકામ કરવામાં આવી રહ્યું નથી.
પ્રશાસન પર ગુસ્સો વ્યક્ત કરતાં તેણે કહ્યું, 'તે સ્માર્ટ સિટી નથી, તે શહેર વિનાનું શહેર બની ગયું છે. તમે જોઈ શકો છો કે, લોકો અહીં નીકળી શકતા નથી. આ પરિસ્થિતિ છે. રસ્તો એકદમ ખરાબ છે. તે જર્જરિત રસ્તો છે. જ્યારે અહીં સેંકડો શાળાઓ છે. અહીંના કાઉન્સિલર BJPનો છે. ધારાસભ્ય પણ BJPના છે, મંત્રી પણ BJPના છે. બધું BJPનું છે. નેતાઓ અહીંથી પસાર થતા રહે છે. જ્યારે આ રસ્તો એક લિંક રોડ છે અને તે ઘાટમપુરથી ગજનેર સુધી જોડાયેલો છે. જો રસ્તો ઠીક નહીં થાય, તો ત્રણ દિવસમાં હું અહીં વિરોધ કરીશ અને પછી સરકાર, અહીંના DMને જવાબ આપવો પડશે.'
શીલુ દુબેએ અધિકારીઓ, ધારાસભ્યો અને મંત્રીઓને આ રસ્તાનું સમારકામ કરાવવા અપીલ કરી અને કહ્યું, 'તેઓ માટી નખાવી રહ્યા છે, રસ્તો ખરાબ થઈ રહ્યો છે. કાલે જ્યારે બાળકો શાળાએ જશે, ત્યારે તેઓ કેવી રીતે જશે? આ વહીવટીતંત્ર આનો જવાબ આપશે. આ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. હું વહીવટીતંત્ર, અહીંના ધારાસભ્યો અને મંત્રીઓને વિનંતી કરું છું કે તેઓ ત્રણ દિવસમાં આ રસ્તો બનાવે અને જ્યાં સુધી આ રસ્તો ન બને ત્યાં સુધી અહીંની શાળાઓ પણ બંધ રહે... હું વહીવટીતંત્રને વિનંતી કરું છું કે, આ જગ્યાને સંપૂર્ણપણે સાફ કરે અને અહીં એક સારો રસ્તો બનાવે, જેથી લોકો અહીંથી નીકળી શકે.'
આ દરમિયાન, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ CM અને સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવે પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું, 'ઉત્તર પ્રદેશની અગાઉની BJP સરકારે 'ખાડા મુક્તિ'ના નામે જે અબજોનું ભંડોળ કાઢ્યું હતું, તેનાથી BJPના લોકોના ખિસ્સાના ખાડા તો ભરાઈ ગયા, પરંતુ રસ્તાઓ ખરાબથી તદ્દન ખરાબ થતા ગયા. જો BJP જશે તો રસ્તો બનશે.'
હકીકતમાં, તેમના પહેલા કાર્યકાળમાં, CM યોગી આદિત્યનાથે રસ્તાઓને ખાડા મુક્ત બનાવવા માટે એક ઝુંબેશ શરૂ કરી હતી. આની મજાક ઉડાવતા, અખિલેશ યાદવે આ નિવેદન આપ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ વીડિયો પછી વહીવટીતંત્ર શું પગલાં લે છે અને આ વિરોધની કોઈ અસર થાય છે કે નહીં.

