- National
- 'પહેલા પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવીને આવો...' સરકારી હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને વેકેશન પરથી પાછા ફર્યા પછ...
'પહેલા પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવીને આવો...' સરકારી હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને વેકેશન પરથી પાછા ફર્યા પછી મળ્યો ઓર્ડર!
મહારાષ્ટ્રના પુણેમાં એક સરકારી છાત્રાલયમાં, વિદ્યાર્થીનીઓને ઘરેથી પાછા ફર્યા પછી ગર્ભાવસ્થા પરિક્ષણ (પ્રેગનેંસી ટેસ્ટ) કરાવવાની ફરજ પાડવામાં આવે છે. ઘણી વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ મેનેજમેન્ટ પર આ આરોપ લગાવ્યો છે. આ છાત્રાલય મહારાષ્ટ્ર આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. જોકે, વરિષ્ઠ અધિકારીઓ કહે છે કે, ગર્ભાવસ્થા પરિક્ષણ અંગે કોઈ નિયમ નથી અને આ ન કરાવવું જોઈએ.
એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, પુણે જિલ્લાના એક સરકારી આદિજાતિ છાત્રાલયમાં ઘણી વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો છે કે, જ્યારે તેઓ ઘરેથી પાછા ફરે છે ત્યારે તેમનું ગર્ભાવસ્થા પરિક્ષણ કરાવવાની ફરજ પાડવામાં આવે છે. તેમને આવું કરવા માટે એક કીટ આપવામાં આવે છે અને તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવી પડે છે. હોસ્પિટલમાં તેમનું પરીક્ષણ કરવામાં આવે છે. અને પછી ડૉક્ટર પાસેથી ગર્ભાવસ્થા પરિક્ષણ કર્યાનો નેગેટિવ રિપોર્ટ મળ્યા પછી, તેમણે કોલેજમાં એક ફોર્મ સબમિટ કરવું આવશ્યક છે. પછી જ તેમને હોસ્ટેલમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે.
એક વિદ્યાર્થિનીએ મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, જો તેઓ આ ટેસ્ટ ન કરાવે, તો તેમને હોસ્ટેલમાં પ્રવેશવાની મંજૂરી મળતી નથી. વિદ્યાર્થીઓએ આને શરમજનક ગણાવ્યું છે. એવો અહેવાલ છે કે, વેકેશન પરથી પાછા ફર્યા પછી બધી છોકરીઓને આવું પરીક્ષણ કરાવવું જ પડે છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓએ ઘણી વખત આવું પરીક્ષણ કરાવ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આનાથી તેઓ ઘણીવાર માનસિક તણાવમાંથી પણ પસાર થઇ રહી છે. તેઓ શરમ અનુભવે છે અને લોકો તેમને શંકાની નજરે જુએ છે, અને આશ્ચર્ય થાય છે કે જ્યારે તેઓ પરિણીત નથી ત્યારે તેમની તપાસ કેમ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત પુણેની એક આશ્રમ શાળામાંથી પણ આવી જ એક ફરિયાદ મળી છે. અહેવાલમાં જણાવાયું છે કે, મહારાષ્ટ્રના દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને શિક્ષિત કરવા માટે આશ્રમ શાળાઓ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. વિભાગ ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો પણ ખોલે છે. જો કે, આમાંની ઘણી છાત્રાલયોમાં, વિદ્યાર્થીઓ માટે ગર્ભાવસ્થા પરીક્ષણ ફરજિયાત છે.
કેટલાક વાલીઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીનીઓને તેમના પેશાબનું પરીક્ષણ કરવા માટે કીટ આપવામાં આવે છે. પરિણામ પોઝિટિવ આવે કે નેગેટિવ તેને ફોર્મ પર નોંધાવવાનું હોય છે. વાલીઓનું કહેવું છે કે, આ પરીક્ષણનો ખર્ચ પણ તેમણે જ સહન કરવો પડે છે. અને દરેક પરીક્ષણનો ખર્ચ 150-200 રૂપિયા ભોગવવો પડતો હોય છે. મહારાષ્ટ્રના આદિજાતિ વિકાસ કમિશનર લીના બંસોડે જણાવ્યું હતું કે, આદિજાતિ વિકાસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, આવા પરીક્ષણો ન કરવા જોઈએ. આ અગાઉ, સપ્ટેમ્બર 2025માં, પુણેની એક છાત્રાલયમાં ગર્ભાવસ્થા પરીક્ષણો કરવામાં આવી રહ્યા હતા, એવી વાત સામે આવી હતી. રાજ્ય મહિલા આયોગે આ બાબતની જાતે નોંધ લીધી હતી અને આ પ્રથાને બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

