- National
- બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે, આ રાજ્ય નિર્ણય લઇ શકે છે
બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે, આ રાજ્ય નિર્ણય લઇ શકે છે
ગોવા સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકી શકે છે. તેના માટે ઓસ્ટ્રેલિયા જેવો જ કાયદો બનાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. સરકારનું કહેવું છે કે તેમને વાલીઓ તરફથી ઘણી ફરિયાદો મળી છે કે સોશિયલ મીડિયા બાળકોનું ધ્યાન ભટકાવી રહ્યું છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ગોવાના પર્યટન અને માહિતી ટેક્નોલોજી (IT) મંત્રી રોહન ખૌંટેએ રવિવાર, 25 જાન્યુઆરીના રોજ જણાવ્યું હતું કે આ મામલો અત્યારે પણ વિચારણા હેઠળ છે.
શું આ પ્રકારના પ્રતિબંધ લાગી શકે છે? એમ પૂછવામાં આવતા મંત્રીએ મીડિયાને કહ્યું કે, ‘અમને વાલીઓ તરફથી ઘણી ફરિયાદો મળી છે. સોશિયલ મીડિયા અને કેટલાક અન્ય પ્લેટફોર્મ બાળકોનું ધ્યાન ભટકાવી રહ્યા છે, જેના કારણે ઘણી સામાજિક સમસ્યાઓ ઊભી થઈ રહી છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો કાયદો લાગૂ કર્યો છે. આ કામ તેઓ પહેલાથી જ આ કરી ચૂક્યા છે. મંત્રીએ કહ્યું કે, ‘અમારા (IT) વિભાગ અને અમારા સ્ટાફે તે દસ્તાવેજો મેળવ્યા છે. અમે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. અમે મુખ્યમંત્રી સાથે વાત કરીશું અને જો શક્ય હોય તો, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર આ પ્રકારનો પ્રતિબંધ લાગુ કરીશું. સંપૂર્ણ વિગતો પછીથી આપવામાં આવશે.’
તેમણે એમ પણ કહ્યું કે, ‘ટીમ પહેલાથી જ તેનો અભ્યાસ કરી રહી છે, અને મને લાગે છે કે અમે આગામી દિવસોમાં... કદાચ આગામી વિધાનસભા સત્ર અગાઉ, મુખ્યમંત્રી સાથે વાત કર્યા બાદ એક નિવેદન જાહેર કરીશું. આજકાલ, બાળકો હંમેશાં તેમના મોબાઇલ ફોન પર સતત સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે, પછી ભલે તેઓ ભોજનના ટેબલ પર હોય, TV જોતા હોય, અથવા પરિવાર સાથે હોય. સોશિયલ મીડિયા તેમના અંગત જીવનનો એટલો મોટો હિસ્સો રોકી લે છે કે તે તેમનામાં હીન ભાવના વિકસાવી રહ્યું છે.’
ગયા અઠવાડિયે, આંધ્ર પ્રદેશના માહિતી અને શિક્ષણ મંત્રી, નારા લોકેશે પણ આ પ્રકારના કાયદાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર ઓસ્ટ્રેલિયા જેવો કાયદો લાવવાનું વિચારી રહી છે, જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
ઓસ્ટ્રેલિયાએ કયો કાયદો લાગૂ કર્યો?
ઓસ્ટ્રેલિયાના નવા કાયદા અનુસાર, સોશિયલ મીડિયા અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ્સે એ ધ્યાન રાખવું પડશે કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરે. તેના માટે, પ્લેટફોર્મ્સે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના એકાઉન્ટ્સ ઓળખવા અને બંધ કરવા અથવા હટાવવા પડશે. બાળકોને નવા એકાઉન્ટ્સ બનાવતા અટકાવવા પડશે અને એવી રીતો અટકાવવી પડશે, જે બાળકોને વયની આવશ્યકતાઓને છેતરીને પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે. સાથે કાયદો એમ પણ કહે છે કે કોઈનું એકાઉન્ટ ખોટી રીતે ન નીકળી જાય.
આ નિર્ણયનો પાયો નવેમ્બર 2024માં સંસદમાં પસાર થયેલા કાયદા દ્વારા નાખવામાં આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, તેમાં બાળકો કે માતા-પિતાને સજા કરવામાં નહીં આવે. વાસ્તવિક જવાબદારી કંપનીઓ પર નાખવામાં આવી છે. જો પ્લેટફોર્મ એ સાબિત નહીં કરી શકે કે યુઝર્સ ઓછામાં ઓછા 16 વર્ષના છે, તો તેમને આશરે 49.5 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે લગભગ 295 કરોડનો ભારે દંડ થઈ શકે છે.

