- National
- ઉત્તરકાશી તબાહી બાદ CMએ કહ્યું- તાત્કાલિક 5 લાખનું વળતર મળશે, પણ ચેક આવ્યા 5 હજાર રૂપિયાના
ઉત્તરકાશી તબાહી બાદ CMએ કહ્યું- તાત્કાલિક 5 લાખનું વળતર મળશે, પણ ચેક આવ્યા 5 હજાર રૂપિયાના
ઉત્તરાખંડના પૂર પીડિતોએ વળતરની રકમ લેવાનો ઇનકાર કર્યો છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા તેમને 5000 રૂપિયાના ચેક આપવામાં આવી રહ્યા હતા. પરંતુ ગુસ્સે ભરાયેલા પૂર પીડિતોએ આ ચેક લેવાનો ઇનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે, આપવામાં આવતી રકમ અપૂરતી છે. બીજી તરફ, વહીવટીતંત્ર કહે છે કે, આ એક વચગાળાનું પગલું છે. સમગ્ર નુકસાનનું મૂલ્યાંકન કર્યા પછી યોગ્ય વળતર આપવામાં આવશે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, અચાનક પૂરના વિનાશના થોડા દિવસો પછી, અધિકારીઓએ ધારાલી અને હર્ષિલના અસરગ્રસ્ત પરિવારોને 5000 રૂપિયાના ચેકને 'તાત્કાલિક રાહત' ગણાવીને આપવાનું શરૂ કર્યું, પરંતુ પૂર પીડિતોએ CM પુષ્કર સિંહ ધામીની આગેવાની હેઠળની સરકાર પર તેમના નુકસાનને ઓછો અંદાજ આપવાનો આરોપ લગાવ્યો. લોકોએ આનો વિરોધ કર્યો અને ચેક લેવાનો ઇનકાર કર્યો હતો.

એક દિવસ પહેલા શનિવાર, 9 ઓગસ્ટના રોજ, CM પુષ્કર સિંહ ધામીએ પૂર પીડિતોને તાત્કાલિક રૂ. 5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી. આ રકમ એવા લોકોને આપવાની છે, જેમના ઘર સંપૂર્ણપણે નાશ પામ્યા હતા અથવા જેમના પરિવારે આ આપત્તિમાં પોતાના પ્રિયજનો ગુમાવ્યા હતા. પરંતુ રૂ. 5 લાખના ચેકને બદલે, લોકોને રૂ. 5000ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બીજી તરફ, ઉત્તરકાશીના જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રશાંત આર્યએ જણાવ્યું હતું કે, 'આ રકમ ફક્ત એક કામચલાઉ પગલું છે. સમગ્ર નુકસાનનું મૂલ્યાંકન કર્યા પછી અને વિગતવાર અહેવાલ તૈયાર કર્યા પછી યોગ્ય વળતર આપવામાં આવશે.'
વહીવટીતંત્ર વધુ વળતર પ્રક્રિયા માટે ઘરો, ખેતરો અને અન્ય મિલકતોને થયેલા નુકસાનનું સર્વેક્ષણ પણ કરી રહ્યું છે. બીજી તરફ, મહેસૂલ સચિવની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની સમિતિ પુનર્વસન અને આજીવિકા યોજના તૈયાર કરવામાં વ્યસ્ત છે. તેનો પ્રારંભિક અહેવાલ એક અઠવાડિયામાં આવવાનો છે.

આ દરમિયાન, ઉત્તરકાશીમાં બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. હેલિકોપ્ટર દ્વારા ફસાયેલા રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા અને દૂરના વિસ્તારોમાં ખોરાકના પેકેટ પહોંચાડવામાં આવ્યા. NDRF ટીમોએ ડોગ સ્ક્વોડ અને થર્મલ ઇમેજિંગની મદદથી ધરાલી બજારમાં કાટમાળ સાફ કર્યો. અહીં ભૂસ્ખલનથી હોટલ, હોમસ્ટે અને દુકાનો ખરાબ રીતે તબાહ થઈ ગઈ છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. બે મૃતદેહ મળી આવ્યા છે. 49 લોકો ગુમ છે. જ્યારે અત્યાર સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 1,000થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

