- National
- સબરીમાલા મંદિર સોનાની ચોરીનો વિવાદ શું છે? વિજય માલ્યા સાથે શું સંબંધ છે?
સબરીમાલા મંદિર સોનાની ચોરીનો વિવાદ શું છે? વિજય માલ્યા સાથે શું સંબંધ છે?
કેરળનું પ્રખ્યાત ધાર્મિક મંદિર સબરીમાલા ફરી એકવાર વિવાદમાં ફસાયું છે. આ વખતે વિવાદ મંદિરમાં સ્થાપિત મૂર્તિઓમાંથી સોનાની ચોરીનો છે. આ ચોરી 2019માં થઈ હતી. એવો આરોપ છે કે મૂર્તિઓ પરનો સોનાજ ઢોળ કાઢીને ચોરી કરવામાં આવ્યો હતો. મંદિરોમાં મૂર્તિઓ પર સોના અને ચાંદીનો ઢોળ ચઢાવવો એ એક સામાન્ય વાત છે. આ ભક્તોના દાનનો એક પ્રકાર છે. જો કે, સબરીમાલા મંદિરમાં થયેલી આ ચોરીએ ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચાડી છે અને આ મામલો લાંબા સમયથી ચર્ચામાં છે. નવીનતમ અપડેટ એ છે કે આ કેસની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમ (SIT)એ શુક્રવારે મંદિરના મુખ્ય પૂજારી (તંત્રી) કંદરારુ રાજીવરુની ધરપકડ કરી છે.
આ સોનાની ચોરીનો મામલો 2019માં પ્રકાશમાં આવ્યો હતો, પરંતુ આ વિવાદનો ઇતિહાસ 1998 સાથે જોડાયેલો છે. અત્યારે તો આપેન 2019ની જ વાત કરીએ. 2019માં મંદિરના દ્વારપાલક (દ્વારપાલ દેવતાઓ) અને કેટલાક અન્ય ભાગોની મૂર્તિઓ પરનો સોનાનો ઢોળ સમારકામ અને ફરીથી ગોલ્ડ પ્લેટિંગ માટે લઈ જવામાં આવ્યો હતો.

દેવસ્વોમ બોર્ડના રેકોર્ડ મુજબ, પ્લેટોના રૂપમાં લગભગ 42.8 કિલોગ્રામ સોનું કાઢીને ચેન્નાઈ સ્થિત ખાનગી એજન્સીને મોકલવામાં આવ્યું હતું. જ્યારે આ પ્લેટો પરત કરવામાં આવી ત્યારે તેનું વજન માત્ર 38.2 કિલોગ્રામ હોવાનું જાણવા મળ્યું. એટલે કે લગભગ 4.5 કિલોગ્રામ સોનાની અછત હતી, જેને શરૂઆતમાં ટેક્નિકલ કારણોસર અને ઘસારા સાથે જોડીને ટાળી દેવામાં આવ્યું.
કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલા ખાસ કમિશનરના અહેવાલમાં તાજેતરમાં જ ખુલાસો થયો છે કે મૂર્તિઓ અને મંદિરના કેટલાક ભાગોમાંથી સોનાનો ઢોળ કાઢી લેવામાં આવ્યો હતી. ત્યારબાદ, કેરળ હાઈકોર્ટે સપ્ટેમ્બર 2025માં કેસની સુનાવણી શરૂ કરી. ન્યાયાધીશો રાજા વિજયરાઘવન અને કે.વી. જયકુમારે મંદિરના અધિકારીઓ પાસેથી દસ્તાવેજો, જૂના અને નવા ફોટોગ્રાફ્સ જોયા. આ દસ્તાવેજ SIT દ્વારા એકત્રિત કરાયેલા હતા. ન્યાયાધીશોએ કહ્યું કે જ્યારે તેમણે મૂર્તિઓના સમારકામના સંપૂર્ણ રેકોર્ડ મંગાવ્યા ત્યારે આ મામલાની ગંભીરતા બહાર આવી.

મંદિરના રેકોર્ડ અનુસાર, 1998-99માં વિજય માલ્યાએ (જેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે) લગભગ 30.3 કિલો સોનું દાન કર્યું હતું. આ સોનાનો ઉપયોગ મૂર્તિઓ, સ્તંભ, દરવાજાના કમાનો અને ઉપયોગ ભગવાન અયપ્પાની કહાનીઓ દર્શાવતી પેનલોને સોનાથી મઢવા માટે કરવામાં આવ્યો હતો. 2019માં, મંદિરનું સંચાલન કરતા ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB)એ ઉન્નીકૃષ્ણન પોટ્ટીને નવી સોનાની પ્લેટિંગ લગાવવા માટે મૂર્તિઓ બહાર લઈ જવાની પરવાનગી આપી હતી.
જ્યારે બે મહિના બાદ મૂર્તિઓ પાછી લાવવામાં આવી, ત્યારે તેમનું વજન કરવામાં આવ્યું નહોતું, પરંતુ ત્યારબાદની તપાસમાં વજનમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. SIT તપાસમાં દરવાજાના ચોકઠામાંથી ચોરીનો પણ ખુલાસો થયો. 2019થી કુલ મળીને લગભગ 4.5 કિલો સોનું ગુમ થયાની જાણકારી સામે આવી છે.
સમારકામ સામાન્ય રીતે મંદિરની અંદર કરવામાં આવે છે, પરંતુ કોર્ટે શોધી કાઢ્યું કે પોટ્ટીની મૂર્તિઓને બહાર લઈ જવાની પરવાનગી પણ ખોટી માનવામાં આવી હતી. સૌથી આશ્ચર્યજનક વાત- બોર્ડે દસ્તાવેજોમાં કિંમતી સોનાની વસ્તુઓને 'તાંબાની પ્લેટો' લખીને નોંધી હતી!
સમારકામ બાદ, પોટ્ટીને ખોટી રીતે આશરે 475 ગ્રામ વધારાનું સોનું રાખવાની પરવાનગી આપવામાં આવી હતી. એક ઇમેઇલમાં, પોટ્ટીએ બોર્ડ પાસેથી તેના સંબંધીના લગ્ન માટે આ સોનાનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી હતી. નવેમ્બર-ડિસેમ્બર 2025 દરમિયાન, તપાસ એજન્સીએ ઘણા ભૂતપૂર્વ અને વર્તમાન મંદિર વહીવટી અધિકારીઓની પૂછપરછ કરી અને કેટલાકની ધરપકડ કરી. ખરેખર કેટલું સોનું ગુમ થયું છે અને કેટલું પાછું મળ્યું છે તે નક્કી કરવા માટે સોનાની પ્લેટના નમૂના વૈજ્ઞાનિક પરીક્ષણ માટે લેવામાં આવ્યા હતા.
તાજેતરના SIT રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મંદિરના પ્રભા મંડળમમાં તાંબાની પ્લેટોમાંથી સોનું ગાયબ છે. આમાં શિવ મૂર્તિ, વ્યાલી રૂપમ (કોતરેલી મૂર્તિઓ), સોપાનમ (સીડીઓ) અને ગર્ભગૃહના અન્ય ભાગોનો સમાવેશ થાય છે. જોકે, SIT અનુસાર, ભગવાન અયપ્પાની મૂળ મૂર્તિમાંથી સોનું ગાયબ થઈ ગયું હોવાની સીધી પુષ્ટિ થઈ નથી. જોકે, સમગ્ર મંદિરનું માળખું સોનાના ઢોળથી ઢંકાયેલું છે, જે 1998-99માં દાનમાં આપવામાં આવેલા લગભગ 30 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સોનું કાઢવા માટે, રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને મંદિરમાંથી બહાર કાઢવામાં આવેલા દાગીના અને પ્લેટોમાંથી સોનાને અલગ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા ચેન્નાઈની એક કંપનીમાં હાથ ધરવામાં આવી હતી, જ્યાં સોનું કાઢીને ઓછી માત્રામાં ફરીથી પ્લેટ કરવામાં આવ્યું હતું. SIT અનુસાર, અલગ કરેલું સોનું બેલ્લારીના એક ઝવેરી ગોવર્ધન રોદ્દમ પાસે હોવાની વાત સામે આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાં ચેન્નાઈ સ્થિત કંપની સ્માર્ટ ક્રિએશન્સ સાથે સંકળાયેલા પ્રાયોજક ઉન્નીકૃષ્ણન પોટ્ટી, ઝવેરી ગોવર્ધન રોદ્દમ અને પંકજ ભંડારીનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં કેરળના શાસક CPI(M)ના ત્રણ નેતાઓ પણ છે, જેમાં ભૂતપૂર્વ ધારાસભ્ય એ. પદ્મકુમારનો પણ સમાવેશ થાય છે.
આ મામલો વિજય માલ્યા સાથે કેવી રીતે જોડાયો
ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાનું નામ આ કેસ સાથે સીધું જોડાયેલું નથી, પરંતુ મીડિયા અહેવાલો અનુસાર, 1998-99માં મૂર્તિઓ પર ચઢાવવા માટે દાનમાં આપેલું 30 કિલોગ્રામ સોનું વિજય માલ્યા દ્વારા દાનમાં આપવામાં આવ્યું હતું.

