- National
- ખાલી ઘરમાં વાંચવામાં આવી રહી હતી સામૂહિક નમાઝ, 12 લોકોની અટકાયત
ખાલી ઘરમાં વાંચવામાં આવી રહી હતી સામૂહિક નમાઝ, 12 લોકોની અટકાયત
ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં પોલીસે 12 લોકોની અટકાયત કરી છે. એવો આરોપ છે કે ખાલી ઘરમાં મંજૂરી વિના નમાઝ વાંચવામાં આવી રહી હતી. પોલીસે જણાવ્યું હતું કે ઘરનો ઉપયોગ કથિત રીતે કામચલાઉ મદ્રેસા તરીકે પણ કરવામાં આવી રહ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે.
આજતકના અહેવાલ મુજબ, આ ઘટના બરેલી જિલ્લાના બિશારતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોહમ્મદગંજમાં બની છે. અહીં છેલ્લા કેટલાક અઠવાડિયાથી એક ખાલી ઘરનો ઉપયોગ કથિત રીતે મદ્રેસા તરીકે થઈ રહ્યો હતો અને સામૂહિક નમાઝ વાંચવામાં આવી રહી હતી. ગ્રામજનોએ આનો વિરોધ કર્યો અને પોલીસને જાણ કરી.
https://twitter.com/MeghUpdates/status/2012854152410653045?s=20
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ખાલી ઘરની અંદર લોકો સામૂહિક નમાઝ વાંચતા જોવા મળે છે. પોલીસે આ વીડિયોને પણ તપાસના ભાગ બનાવ્યો છે. માહિતી મળતા જ બિશારતગંજ પોલીસ હરકતમાં આવી અને ઘટનાસ્થળે પહોંચી ગઈ.
આ દરમિયાન નમાઝ વાંચી રહેલા 12 લોકોની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે 3 અન્ય ફરાર છે. પોલીસના જણાવ્યા અનુસાર, શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે ખાલી ઘર હનીફ નામના એક વ્યક્તિનું છે અને તેનો શુક્રવારની નમાજ માટે અસ્થાયી રૂપે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યારે લેખિત મંજૂરી અથવા માન્ય દસ્તાવેજો માંગવામાં આવ્યા ત્યારે રજૂ કરવામાં ન આવ્યા.
SP (દક્ષિણ) અંશિકા વર્માએ જણાવ્યું હતું કે, ‘મોહમ્મદગંજ ગામના રહેવાસીઓ પાસેથી માહિતી મળ્યા બાદ પોલીસે સાવચેતીભર્યા પગલાં લીધા. મંજૂરી વિના કોઈપણ ધાર્મિક ગતિવિધિ અથવા સભાનું આયોજન કરવું એ કાયદાનું ઉલ્લંઘન છે. જો આવી ગતિવિધિઓ ફરીથી થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે જનતાને શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવાની અપીલ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે અટકાયત કરાયેલા 12 વ્યક્તિઓ પર શાંતિ ભંગ કરવા સંબંધિત કલમો હેઠળ ચલણ કરવામાં આવ્યું અને બાદમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેમણે તેમને જામીન આપી દીધા. અન્ય 3 ફરાર વ્યક્તિઓની શોધખોળ ચાલી રહી છે.

