- National
- સાંસદ રાજકુમારે જાહેર કર્યો ભીલ પ્રદેશનો નકશો, રાજસ્થાનમાં રાજનીતિ ગરમ
સાંસદ રાજકુમારે જાહેર કર્યો ભીલ પ્રદેશનો નકશો, રાજસ્થાનમાં રાજનીતિ ગરમ
વર્ષ 1913થી ચાલતી આવતી ભીલ રાજ્ય બનાવવાની આદિવાસીઓની માગણી હવે ઝડપથી વધી રહી છે. મંગળવારે ભારતીય આદિવાસી પાર્ટી (BAP)એ આદિવાસી બહુમતીવાળા વિસ્તારમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું. સાથે જ પ્રશાસનને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. આ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે બાંસવાડા-ડુંગરપુરના આદિવાસી સાંસદ રાજકુમાર રૌતે ભીલ રાજ્યનો નકશો સોશિયલ મીડિયા પર જાહેર કરી દીધો. તેમાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના 11 આદિવાસી વિસ્તારો સામેલ છે. સાંસદ રાજકુમાર રૌત ભારત આદિવાસી પાર્ટીના પહેલા સાંસદ છે, જેઓ બાંસવાડા-ડુંગરપુરથી જીતીને લોકસભામાં પહોંચ્યા છે. જ્યારે તેઓ ધારાસભ્ય હતા ત્યારે પણ તેમણે વિધાનસભામાં માગ ઉઠાવી હતી અને હવે સાંસદ બન્યા બાદ સંસદમાં પણ આ માગ ઉઠાવી ચૂક્યા છે.
સોશિયલ મીડિયા પર ભીલ પ્રદેશનો નકશો પોસ્ટ કરતા સાંસદે દાવો કર્યો છે કે આ માગણી લગભગ 100 વર્ષ જૂની છે. વર્ષ 1913માં ગોવિંદ ગુરુના નેતૃત્વમાં માનગઢની ટેકરીઓ પર 1500થી વધુ આદિવાસીઓ શહીદ થયા હતા. આઝાદી બાદ ભીલ પ્રદેશને 4 ભાગોમાં વહેંચીને અહીંના લોકો સાથે અન્યાય કરવામાં આવ્યો. ગુરુ ગોવિંદના નેતૃત્વમાં શહીદ થયેલા 1500થી વધુ શહીદોના સન્માનમાં ભીલ પ્રદેશ રાજ્ય બનવાનો છે. જાહેર કરવામાં આવેલા નકશામાં 4 રાજ્યોના આદિવાસી બહુધા વસ્તીવાળા જિલ્લાઓને સામેલ કરીને એક અલગ રાજ્ય બનાવવાની વાત કરવામાં આવી છે. તેમાં રાજસ્થાનના આદિવાસી બહુધા વસ્તીવાળા વિસ્તાર ડુંગરપુર, બાંસવાડા, ઉદયપુર, પ્રતાપગઢ, કોટા, બારાં, સિરોહી, જાલોર, બાડમેર, પાલી અને ચિત્તોડગઢ સિવાય મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના આદિવાસી બહુધા વસ્તી ધરાવતા વિસ્તારોના લગભગ 20 આખા જિલ્લાઓ અને 19 અન્ય જિલ્લાઓના હિસ્સાનો પણ સમાવેશ થશે.
https://twitter.com/roat_mla/status/1944985777181745638
પહેલા ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) અને ત્યારબાદ પોતાની ભારતીય આદિવાસી પાર્ટી (BAP) બનાવ્યા બાદ, રાજકુમાર રૌત સતત ભીલ પ્રદેશની માગણી ઉઠાવી રહ્યા છે. વર્ષ 2024ની ચૂંટણી બાદ, પોતાની પાર્ટીના ધારાસભ્યો સાથે જૂન 2024માં આ માગણી સાથે ટી-શર્ટ પહેરીને વિધાનસભા પહોંચ્યા હતા. જ્યારે તેઓ સાંસદ તરીકે ચૂંટાયા તો તેમણે ડિસેમ્બર 2024માં લોકસભામાં આ જ માગણીનું પુનરાવર્તન કર્યું.
આમ ભારતીય આદિવાસી પાર્ટી રાજસ્થાનમાં આદિવાસી બહુધા વિસ્તારોમાં સતત પગપેસારો કરી રહી છે, જે કોંગ્રેસ અને ભાજપ માટે સૌથી મોટી રાજનીતિક સંકટ પણ સાબિત થઈ રહી છે. આ સમયે રાજકુમાર રૌતની પાર્ટી રાજસ્થાન વિધાનસભામાં સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ બાદ ત્રીજી સૌથી મોટી રાજનીતિક પાર્ટી છે, જેના 3 ધારાસભ્યો છે. લોકસભા ચૂંટણી જીત્યા બાદ રાજકુમાર રૌત પોતે તેમની પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. રાજસ્થાનના બાંસવાડામાં આદિવાસીઓના સૌથી મોટા ધાર્મિક સ્થળ માનગઢને રાષ્ટ્રીય ધામનો દરજ્જો આપવાની માગને લઈને ઘણા લોકો આદિવાસીઓમાં પગપેસારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રાજકુમાર રૌતે જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓને તેમની જમીનમાંથી કાઢી મૂકવામાં આવી રહ્યા છે. સરકારની મૂળભૂત સુવિધાઓ પહોંચી રહી નથી. એવામાં, શિક્ષણ અને આરોગ્યની સારી સુવિધાઓ અને જળ-જંગલ-જમીન પર અધિકારો માટે અલગ ભીલ રાજ્યનું નિર્માણ જરૂરી છે. ભીલ પ્રદેશ માત્ર એક ભૂગોળ નથી, એક ઓળખની શોધ માટે જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, ભીલ ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં એક અનુસૂચિત જનજાતિ છે. ભીલ ત્રિપુરા અને પાકિસ્તાનના સિંધના થરપારકર જિલ્લામાં પણ વસે છે. ભીલ જાતિ ભારત અને પાકિસ્તાનમાં ફેલાયેલી છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ, આખા દેશમાં 1.7 કરોડ ભીલ છે. તેમની સૌથી વધુ સંખ્યા લગભગ 60 લાખ મધ્ય પ્રદેશમાં છે. ત્યારબાદ ગુજરાતમાં 42 લાખ, રાજસ્થાનમાં 41 લાખ અને મહારાષ્ટ્રમાં 26 લાખની વસ્તી છે. આ જાતિ ભગવાન શિવ અને દુર્ગાની પૂજા ઉપરાંત આ જાતિ વન દેવતાઓની પણ પૂજા કરે છે.

