- National
- રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના નવા આરોપોથી મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ, વિપક્ષે માગ્યું CM ફડણવીસનું રાજ...
રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના નવા આરોપોથી મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ, વિપક્ષે માગ્યું CM ફડણવીસનું રાજીનામું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નવા આરોપોએ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. તેમણે વિધાનસભા વોટવિસ્તારોમાં મતદાર યાદીઓમાં વ્યાપક ગેરરીતિઓનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, ‘વોટ ચોરી’ દ્વારા લોકશાહીનો નાશ થઈ રહ્યો છે. તેમણે મહારાષ્ટ્રના એક વિધાનસભા મતવિસ્તાર સહિત દેશના અનેક ભાગોમાં વોટ ચોરીનો આરોપ લગાવ્યો, જેના કારણે વિપક્ષે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માગણી કરી છે.
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના રાજુરા વિધાનસભા મતવિસ્તારનો ઉલ્લેખ કરતા દાવો કર્યો કે ત્યાં મતોની હેરાફેરી કરવા માટે ઓટોમેટેડ સોફ્ટવેરનો ઉપયોગ થયો હતો. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર સવાલ ઉઠાવતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર ‘લોકશાહી નષ્ટ કરનારાઓને બચાવવા’નો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, કોંગ્રેસના સમર્થકોના નામ મતદાર યાદીમાંથી યોજનાબદ્ધ રીતે હટાવવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસ અને NCP (શરદ પવાર જૂથ)એ આ અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માગ કરી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકલે દાવો કર્યો છે કે રાજુરા વિધાનસભા મતવિસ્તારમાં 6,850 મતોની હેરાફેરી કરવામાં આવી હતી અને આ મામલે રાજ્ય પોલીસે પોતે FIR દાખલ કરી છે. PTI સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ‘હવે જ્યારે ફડણવીસના પોતાના જ ગૃહ વિભાગની પોલીસે હેરફેરની પુષ્ટિ કરી છે, તો મહાયુતિ સરકારને સત્તામાં રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી.’ સપકલે માંગ કરી કે, ‘રાહુલ ગાંધીએ ફરી એકવાર બતાવ્યું છે કે મહારાષ્ટ્રમાં કેવી રીતે લોકશાહીને ખતમ કરવામાં આવી રહી છે. ફડણવીસે તાત્કાલિક આંખો ખોલવી જોઈએ અને રાજીનામું આપવું જોઈએ.’
NCP (SP)ના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ આરોપ લગાવ્યો કે મતદાર યાદીમાંથી નામો હટાવવાની પ્રક્રિયા શંકાસ્પદ છે અને ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કરે છે. સ્વતંત્ર તપાસની માગ કરતા તેમણે કહ્યું કે, ‘ECI પોર્ટલને આટલી સરળતાથી કેવી રીતે હેક કરી શકાય છે, અથવા તેમાં કોઈ આંતરિક મિલીભગત છે?’
બીજી તરફ સત્તાધારી ભાજપ અને NCP (અજીત પવાર જૂથ)એ રાહુલ ગાંધીના આરોપોને ‘પાયાવિહોણા’ અને ‘બાલિશ’ ગણાવ્યા. ભાજપના પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે તેમને ‘વોટ ચોરીના રાજા’ ગણાવતા માફીની માગ કરી, અને કહ્યું માત્ર પ્રેસ કોન્ફરન્સ કરવાથી કંઈ સાબિત થતું નથી. કોંગ્રેસે કાયદાકીય રસ્તો અપનાવવો જોઈએ.
અજીત પવારના નેતૃત્વવાળી NCPના મહારાષ્ટ્ર અધ્યક્ષ સુનિલ તટકરેએ આ આરોપોને ‘બાલિશ’ ગણાવ્યા. નાગપુરમાં બોલતા તેમણે કહ્યું કે, કોંગ્રેસ આવા આરોપો લગાવી રહી છે કારણ કે તે નવેમ્બર 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મળેલી મોટી હારને પચાવી શકતી નથી. મતદારો એટલા બુદ્ધિશાળી છે કે તેઓ INDIA ગઠબંધન અને રાહુલ ગાંધી દ્વારા ઘડવામાં આવી રહેલી કહાની સમજી શકે છે.

