- National
- ગણેશ મૂર્તિ વિસર્જનની તસવીરો-વીડિયો ક્લિક અને શેર કરવા પર પ્રતિબંધ, આ શહેરની પોલીસનો સખત આદેશ
ગણેશ મૂર્તિ વિસર્જનની તસવીરો-વીડિયો ક્લિક અને શેર કરવા પર પ્રતિબંધ, આ શહેરની પોલીસનો સખત આદેશ
27 ઑગસ્ટથી દેશભરમાં ગણેશોત્સવ ચાલુ થયો છે. ભક્તો ધામધૂમ અને ખૂબ ભક્તિભાવપૂર્વક ભગવાન ગણેશને પોતાના ઘરમાં, શેરીઓમાં કે પંડાલોમાં સ્વાગત કરતા હોય છે અને વિધિ-વિધાનપૂર્વક તેમને સ્થાપિત કરતા હોય છે. ભક્તો 1.5, 3, 5, 7 અને 10 દિવસ સુધી બાપ્પાની ભક્તિ કર્યા બાદ તેમને વિદાઇ આપતા હોય છે. મોટા ભાગે સાર્વજનિક રીતે સ્થાપિત કરાયેલા ભગવાન ગણેશને અનંત ચૌદશના દિવસે વિદાઇ આપવામાં આવતી હોય છે. ત્યારે મહારાષ્ટ્રની પુણે પોલીસે સરાહનીય કામ કર્યું છે, અને મહત્ત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે.

મહારાષ્ટ્રની પુણે પોલીસે ગુરુવારે એક આદેશ જાહેર કરીને 4 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન વિસર્જન કરાયેલી ગણેશ મૂર્તિની તસવીરો અને વીડિયોનું ફિલ્માંકન અને પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દીધો છે જેથી ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે અને સાર્વજનિક શાંતિ જળવાઈ રહે.
એક પોલીસ અધિકારીએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, આ આદેશ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ જાહેર કરવામાં આવ્યો છે. પુણેમાં મૂર્તિઓનું વિસર્જન શનિવારે થશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘પ્રાકૃતિક જળાશયો અથવા કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરાયેલી ગણપતિ મૂર્તિઓના દૃશ્યોનું ફિલ્માંકન અને પ્રસારણ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે અને સાર્વજનિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે.
પોલીસે કડક સૂચના આપી છે કે, આદેશનું ઉલ્લંઘન કરનારાઓ પર ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટના રોજ હતી અને તે દિવસથી શરૂ થયેલ ગણેશોત્સવ 6 સપ્ટેમ્બરના રોજ અનંત ચૌદશ સુધી ચાલુ રહેશે. મોટી સંખ્યામાં ભક્તો દોઢ દિવસ, પાંચમા દિવસે અને સાતમા દિવસે મૂર્તિઓનું વિસર્જન કરે છે.

