- National
- 10 હજાર પગારની સિક્યોરિટી ગાર્ડની નોકરી, GST વિભાગે આપી દીધી 3 કરોડની નોટિસ
10 હજાર પગારની સિક્યોરિટી ગાર્ડની નોકરી, GST વિભાગે આપી દીધી 3 કરોડની નોટિસ
CGSTએ કાકદેવ સ્થિત કોચિંગ સેન્ટરના સિક્યુરિટી ગાર્ડ ઓમજી શુક્લાને ત્રણ કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ ફટકારી છે. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST)ની દિલ્હી ઓફિસ દ્વારા આપવામાં આવેલી નોટિસમાં આવાસ વિકાસ હંસપુરમના રહેવાસી 22 વર્ષીય ઓમજી શુક્લાનો 17 કરોડ રૂપિયાથી વધુનો કપડાનો વ્યવસાય હોવાનું દર્શાવવામાં આવ્યું છે. માત્ર 10 હજાર રૂપિયાનો પગાર ધરાવતા ઓમજીને 3 કરોડ 14 લાખ રૂપિયાનો ટેક્સ જમા કરાવવાનું કહેવામાં આવ્યું છે. સોમવારે ઓમજી કાનપુરમાં CGST કમિશનર રોશન લાલને મળ્યા હતા. કમિશનરે તેમને આ નોટિસનો જવાબ આપવાની સલાહ આપી છે.
પરિવારનું ગુજરાન ચલાવવા માટે કાકદેવના એક કોચિંગ સેન્ટરમાં નાઈટ ગાર્ડ તરીકે કામ કરતા ઓમજી શુક્લાને બે અઠવાડિયા પહેલા CGSTની દિલ્હી ઓફિસ તરફથી એક પાનાની નોટિસ મળી હતી. ઓમજી ઘરે ન હોવાથી, પોસ્ટમેનએ તેના પાડોશીને નોટિસ આપી હતી. જ્યારે તેમણે આ નોટિસ લોકોને બતાવી, ત્યારે મોટાભાગના લોકોએ કહ્યું કે તે નકલી છે. છતાં, ઓમજીએ તેને પોતાની પાસે સંભાળીને રાખી.
ઓમજીના જણાવ્યા મુજબ, પોસ્ટમેન 21 ઓગસ્ટે ફરીથી આવ્યો. આ વખતે તેમણે જે નોટિસ આપી હતી તે 32 પાનાની હતી. ઓમજીના જણાવ્યા મુજબ, તેમાં તેમના ઘરનું સરનામું લખેલું છે. ઉપરાંત, પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) પણ તેમનો છે. જ્યારે તેમણે તે ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળના રાજ્ય પ્રમુખ જ્ઞાનેશ મિશ્રાને બતાવી, ત્યારે તેમણે કર સલાહકારો સાથે તેની ચર્ચા કરી. તે 17 કરોડ 47 લાખ 56 હજાર 200 રૂપિયાનું ટર્નઓવર દર્શાવે છે. આના પર 3 કરોડ 14 લાખ 56 હજાર 116 રૂપિયાનો ટેક્સ માંગવામાં આવ્યો છે. નોટિસ મળ્યાના સાત દિવસની અંદર તેમને તેમના બધા દસ્તાવેજો સાથે હાજર થવાનું કહેવામાં આવ્યું છે.
આ નોટિસથી પરેશાન થયેલા ઓમજી સોમવારે સર્વોદય નગર સ્થિત CGST ઓફિસમાં કમિશનર રોશન લાલને મળ્યા. કમિશનર રોશન લાલે કહ્યું કે, તેમણે તેમને યોગ્ય જવાબ આપવાની સલાહ આપી છે. તેમના મતે, તેમણે તે પત્રનો જવાબ આપવો જોઈએ, જ્યાંથી તેમને નોટિસ આવી છે. ત્યાંના અધિકારીઓ કહી શકે છે કે, પેપર સાચું છે કે નહીં. તેમના મતે, કોઈપણ સરકારી પેપરનો જવાબ આપવો જ જોઈએ. ઓમજી શુક્લાએ કહ્યું કે તેઓ ક્યારેય દિલ્હી ગયા નથી. નોટિસ કેવી રીતે આવી? ફોર્મ કોણે ખોલ્યું, ક્યાં ખોલ્યું, અમને ખબર નથી.
અમારા પાન કાર્ડનો દુરુપયોગ થયો છે અને અમે પોલીસ સ્ટેશન ગયા અને અરજી આપી, પરંતુ તેઓએ કહ્યું કે, આ મામલો દિલ્હી સાથે સંબંધિત છે. ત્યારથી અમે આમ તેમ ભટકી રહ્યા છીએ. તેમની માતા સુષ્મા શુક્લાએ કહ્યું કે, તેમના પરિવાર દ્વારા કોઈ પેઢી ચલાવવામાં આવતી નથી. ભારતીય ઉદ્યોગ વ્યાપાર પ્રતિનિધિ મંડળના રાજ્ય પ્રમુખ જ્ઞાનેશ મિશ્રા, ગાર્ડ ઓમજી શુક્લા અને આવાસ વિકાસ હંસપુરમ વ્યાપાર મંડળના પ્રમુખ અનુજ ત્રિપાઠી, ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળના જિલ્લા વરિષ્ઠ ઉપાધ્યક્ષ અબ્દુલ વાહિદ, યુવા મહામંત્રી મનોજ વિશ્વકર્મા, શિવ વિશ્વકર્મા જવાબ તૈયાર કરવા માટે CA ધર્મેન્દ્ર શ્રીવાસ્તવને મળ્યા હતા.

