- National
- ટ્રાફિક જામમાં ફસાતા BJPના MLAનો પિત્તો ગયો, કહ્યું ‘ધારાસભ્યને તમે પટાવાળો બનાવી દીધો, કોઈને...’
ટ્રાફિક જામમાં ફસાતા BJPના MLAનો પિત્તો ગયો, કહ્યું ‘ધારાસભ્યને તમે પટાવાળો બનાવી દીધો, કોઈને...’
ગાઝિયાબાદના લોનીમાં ભાજપના લોની ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે ફરી એકવાર પોલીસ અને પ્રશાસનને કઠેડામાં ઊભા કરી દીધા છે. ધારાસભ્ય ન માત્ર પોતાના વિસ્તારમાં ટ્રાફિક જામમાં ફસાયા બાદ પોતે રસ્તા પર ઉતરી આવ્યા, પરંતુ રસ્તા પર લાગેલો ટ્રાફિક જામ હટાવ્યો હતો અને અતિક્રમણ પણ દૂર કરાવ્યું. ત્યારબાદ ધારાસભ્યનો પિત્તો ગયો અને તેમણે પોલીસ અધિકારીઓ પર એવા ગંભીર આરોપો લગાવી દીધા, જેને સમગ્ર રાજકીય માહોલમાં ખળભળાટ મચાવી દીધો છે. ગુસ્સે ભરાયેલા ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે કહ્યું કે ધારાસભ્યનો પ્રોટોકોલ ચીફ સેક્રેટરી કરતા મોટો છે, આ અધિકારીઓએ પટાવાળો બનાવી દીધો છે. જનતાનું સાંભળવાને બદલે, અધિકારીઓ VCમાં વ્યસ્ત છે, પછી ભલે તે મુખ્ય સચિવ હોય, ચીફ સેક્રેટરી હોય કે ગાઝિયાબાદ અને લોનીના ઉચ્ચ અધિકારીઓ હોય.
લોનીમાં રસ્તાઓ પર અતિક્રમણ જામ અને ખાડા મુક્ત કરાવવા માટે ઉતરેલા લોનીના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરનું કહેવું છે કે, લોનીના તૂટેલા રસ્તાઓને ખાડા મુક્ત બનાવવાનું કામ જોઈ રહ્યા હતા. આ દરમિયાન, તેઓ લોની ત્રણ રસ્તા પર કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા હતા. ગુસ્સે ભરાયેલા ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે આ દરમિયાન એક પણ પોલીસ કર્મચારી ઘટનાસ્થળ પર હાજર નહોતો, જનતા પરેશાન હતી, ધારાસભ્ય પરેશાન હતા, પરંતુ પરિસ્થિતિ સંભાળવા માટે કોઈ ન દેખાયું. ઘણા સમય બાદ જ્યારે એક પોલીસ કર્મચારી સ્થળ પર પહોંચ્યા, ત્યારે ધારાસભ્યનો ગુસ્સો ફાટી નીકળ્યો.
તેમણે કડક સ્વરમાં કહ્યું કે, ‘જો જનતા અને ધારાસભ્યને જ જામ હટાવવો પડે છે, તો પોલીસની શું ફરજ છે?’ ગુસ્સે ભરાયેલા ધારાસભ્યએ પોતે પોતાના સમર્થકો સાથે રસ્તા પર ઉતરીને જામ હટાવ્યો અને પછી સીધા નજીકમાં સ્થિત ACP લોનીની ઓફિસમાં ગયા. પરંતુ અહીં પરિસ્થિતિ વધુ ચોંકાવનારી હતી. ACP ઓફિસમાં હાજર નહોતા અને કોઈ વીડિયો કોન્ફરન્સિંગમાં વ્યસ્ત હતા. આ સાંભળીને ધારાસભ્ય વધુ ગુસ્સે થયા. તેમણે ફોન પર અધિકારીને ઠપકો આપ્યો અને કહ્યું કે વરિષ્ઠ અધિકારીઓ હંમેશા મીટિંગ અને VCનું બહાનું બનાવીને જનતા અને જનપ્રતિનિધિઓને ટાળે છે.
'ધારાસભ્ય નંદકિશોર ગુર્જર અહીં જ ન અટક્યા. મીડિયા સાથે વાત કરતા તેમણે આરોપ લગાવતા કહ્યું કે ગાઝિયાબાદમાં પોલીસ સ્ટેશનોની હરાજી થઈ રહી છે. તેમનો દાવો છે કે પોલીસ સ્ટેશનો બે લાખ રૂપિયામાં વેચાઈ રહ્યા છે, પૈસા માટે નવા છોકરાઓની તૈનાતી કરવામાં આવી રહી છે, અને અનુભવી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તૈનાત કરવામાં આવી રહ્યા નથી, આ આખો ખેલ વરિષ્ઠ અધિકારીઓની જાણકારીથી ચાલી રહ્યો છે. ધારાસભ્યએ તો એમ પણ કહી દીધું કે તેમની પાસે પૈસા લઈને ચોકીઓ આપવાની રમતનું ઓડિયો રેકોર્ડિંગ છે જે તેમણે કેટલાક નવા ચોકી ઇન્ચાર્જ સાથેની વાતચીત દરમિયાન રેકોર્ડ કર્યું હતું.
તેમણે તેમને પડકાર ફેંકતા કહ્યું કે, ‘જો તમારામાં હિંમત હોય તો તપાસ કરાવો, બધાના ચહેરા ખુલ્લા પડી જશે.’ ગુર્જરનો આરોપ છે કે ગાઝિયાબાદના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ન તો જનતાનું સાંભળે છે કે ન તો જનપ્રતિનિધિઓનું. તેમણે કડક સ્વરમાં કહ્યું કે, ‘અહીં CP, ACP કે અન્ય કોઈ વરિષ્ઠ અધિકારી હોય, કોઈને ફિલ્ડની ચિંતા નથી. તેઓ માત્ર ખુરશીઓ પર બેસીને VC કરવામાં વ્યસ્ત છે. જનતા રસ્તા પર મરી રહી છે, ધારાસભ્ય ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે, કોઈને ફરક પડતો નથી.’
તેમણે કટાક્ષ કર્યો કે અહીંના અધિકારીઓ સાંસદ સાથે સીધી વાત પણ નથી કરતા, ધારાસભ્યની તો વાત જ છોડી દો, તેઓ સામાન્ય લોકો સાથે કેવી રીતે વાત કરશે. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ લાંચ લઈને માંસની દુકાનો ખોલાવે છે, ખુલ્લેઆમ લાંચ લેવામાં આવે છે અને પૈસા આપીને ચોંકી આપવામાં આવે છે. અધિકારીઓ મેદાનમાં જતા નથી, અને VCના બહાને વ્યસ્ત રહે છે. ACP ઝોળી લઈને બેઠા છે અને પૈસા લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા જમીનના વિવાદોનું સમાધાન કરવામાં આવી રહ્યું છે. રોષે ભરાયેલા ધારાસભ્યએ ચીમકી આપી હતી કે જો પરિસ્થિતિ આવી જ રહેશે અને પોલીસ સ્ટેશનોની આ ખરીદી અને વેચાણ પર કોઈ કાર્યવાહી નહીં થાય, તો તેઓ આ બાબતે સીધા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરશે.

