- National
- પૃથ્વી હવે પહેલા કરતા વધુ ઝડપથી ફરવા લાગી છે! વૈજ્ઞાનિકોએ કહ્યું, 'આપણે ઘડિયાળોનો સમય બદલવો પડશે'
પૃથ્વી હવે પહેલા કરતા વધુ ઝડપથી ફરવા લાગી છે! વૈજ્ઞાનિકોએ કહ્યું, 'આપણે ઘડિયાળોનો સમય બદલવો પડશે'
'હવે હું એ પૃથ્વી નથી રહી જે 'ધીરે ધીરે' ચાલતી હતી...' આ દિવસોમાં પૃથ્વી પોતાના મનમાં આ કહી રહી છે. ખરેખર, આપણી પૃથ્વીની ગતિ વધી ગઈ છે. તે પહેલા કરતા વધુ ઝડપથી ફરી રહી છે. ગભરાશો નહીં! પૃથ્વીની ગતિ વધવાથી તમને ચક્કર નહીં આવે, કારણ કે ગતિ ફક્ત થોડી મિલિસેકન્ડ વધવાની છે. આપણને ખબર પણ નહીં પડે કે ગતિ ખરેખર વધી છે કે નહીં. આ પરાક્રમ આ વર્ષની કેટલીક ખાસ તારીખો પર થશે. પૃથ્વીની ગતિ વધવાને કારણે વૈજ્ઞાનિકોનું હૃદય 'હેરા-ફેરી'ના બાબુ ભૈયાની જેમ 'ધક-ધક' કરી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૃથ્વીની ગતિ વધવાને કારણે દિવસો ટૂંકા થશે. પરંતુ તેની એટલી અસર નહીં પડે કે, આપણને તેના વિશે ખબર પડે. વૈજ્ઞાનિકો માને છે કે, જો આ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો 2029 સુધીમાં સમયની ગણતરીમાં ફેરફાર થઈ શકે છે. આ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તેના ઇતિહાસમાં, પૃથ્વીની ગતિ ઓછી થતી રહી છે. પરંતુ આ પહેલી વાર છે જ્યારે તે વધવા જઈ રહી છે.
ઐતિહાસિક રીતે, પૃથ્વીનું પરિભ્રમણ ધીમે ધીમે ધીમું થયું છે. ડાયનાસોરના યુગ દરમિયાન, એક દિવસ ફક્ત 23 કલાકનો હતો. કાંસ્ય યુગ સુધીમાં, તે લાંબો થઈ ગયો હતો, પરંતુ હજુ પણ આજ કરતા લગભગ અડધો સેકન્ડ ઓછો હતો. ભવિષ્યમાં જોવા જઈએ તો, પૃથ્વીનો દિવસ 25 કલાકનો હોઈ શકે છે. પરંતુ વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે, તેમાં બીજા 200 મિલિયન વર્ષ લાગશે.
2025માં, પૃથ્વી આ ત્રણ તારીખો પર સૌથી ઝડપથી પરિભ્રમણ કરશે: 9 જુલાઈ-2025, 22 જુલાઈ-2025 અને 5 ઓગસ્ટ-2025.
5 ઓગસ્ટ, 2025નો દિવસ 1.51 મિલીસેકન્ડ ટૂંકો હશે. આ ફેરફાર ખૂબ જ નાનો છે. પરંતુ વૈજ્ઞાનિકો માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
https://twitter.com/pubity/status/1941404933305045471
આપણે જાણીએ છીએ કે, અત્યાર સુધી, જ્યારે પૃથ્વી ધીમે ધીમે ફરતી હતી, ત્યારે વૈજ્ઞાનિકો 'લીપ સેકન્ડ' ઉમેરતા હતા જેથી પરમાણુ ઘડિયાળ અને પૃથ્વીની વાસ્તવિક પરિભ્રમણ ગતિ સુમેળમાં રહી શકે. પરંતુ હવે જો પૃથ્વી આ રીતે ઝડપથી ફરતી રહી, તો 2029માં પહેલી વાર એક સેકન્ડ ઘટાડવો પડે એમ છે. ઇતિહાસમાં આ પહેલી વાર હશે કે, લીપ સેકન્ડ ઉમેરવામાં નહીં પણ દૂર કરવામાં આવશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, પૃથ્વીને એક પરિભ્રમણ પૂર્ણ કરવામાં લગભગ 86,400 સેકન્ડ લાગે છે, એટલે કે, એક આખો દિવસ. પરંતુ હંમેશા આવું થતું નથી. ગુરુત્વાકર્ષણ બળ જેવી ઘણી વિવિધ કુદરતી ઘટનાઓને કારણે, પૃથ્વીની ગતિમાં થોડો ફેરફાર થતો રહેતો હોય છે.
આ પ્રશ્નનો જવાબ હજુ સુધી સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. પરંતુ વૈજ્ઞાનિકો પાસે કેટલાક સિદ્ધાંતો છે. તેઓ કહે છે કે, પૃથ્વીની ગતિ આ સંભવિત કારણોસર બદલાઈ રહી છે: જમીનની અંદરના કોરમાં ફેરફાર, ભૂકંપની પ્રવૃત્તિઓ, હિમનદીઓના પીગળવાથી જમીન ઉપર ચઢવી, સમુદ્રી પ્રવાહોમાં ફેરફાર અને વાતાવરણીય દબાણ.
મોસ્કો સ્ટેટ યુનિવર્સિટીના સંશોધક લિયોનીદ ઝોટોવ કહે છે કે, કોઈએ આની અપેક્ષા રાખી ન હતી. તેમના એક લેખમાં, તેમણે કહ્યું હતું કે, હાલનું કોઈ પણ કારણ આ ઘટનાને સંપૂર્ણપણે સમજાવતું નથી. પરંતુ મહાસાગરો અને વાતાવરણમાં થતા ફેરફારો પૃથ્વીના પરિભ્રમણમાં તફાવત લાવી શકે છે. પરંતુ આ એકલા પૂરતો પુરાવો નથી. કેટલાક સંશોધકો માને છે કે, પૃથ્વીના પીગળેલા બાહ્ય કોરની અંદરની ગતિ પણ ગતિને અસર કરી શકે છે.
વૈજ્ઞાનિકો માને છે કે, આ એક સંપૂર્ણપણે ટેકનીકલી પ્રક્રિયા છે. ન તો આપણા મોબાઇલ ફોન કે ન તો આપણી ઘડિયાળોને અસર થશે. ન તો ઇન્ટરનેટ કે સેટેલાઇટ સિસ્ટમમાં કોઈ વિક્ષેપ પડશે. પરંતુ એ યાદ રાખવું ચોક્કસપણે યોગ્ય છે કે સમય, જેને આપણે સૌથી સ્થિર વસ્તુ માનીએ છીએ, તે પણ પૃથ્વીની ગતિથી પ્રભાવિત થાય છે.

