- National
- વરરાજાએ કરિયાવર લેવાની ના પાડતા સસરાએ લગ્ન કરાવવાની ના પાડી!
વરરાજાએ કરિયાવર લેવાની ના પાડતા સસરાએ લગ્ન કરાવવાની ના પાડી!
હાલમાં એક એવો કિસ્સો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દહેજ લેવાને કારણે નહીં, પરંતુ વરરાજાએ દહેજને લેવાની ના પાડવાને કારણે સંબંધ તૂટી ગયો. આ અંગે છોકરીના પિતાએ પોતાનો ખુબ વિચિત્ર ખુલાસો પ્રગટ કરતા લોકો આશ્ચર્યચકિત થયા.
આજે પણ, સમાજમાં ઘણા કિસ્સાઓ સામે આવે છે, જ્યાં દહેજ ન આપવાને કારણે લગ્ન તૂટી જતા હોય છે. ક્યારેક લગ્નની જાન લગ્ન મંડપમાંથી પાછી ફરતી હોય છે, તો ક્યારેક સંબંધો તૂટી જતા હોય છે. દહેજ વિરુદ્ધ કાયદા ઘડાયા અને તેને ગેરકાયદેસર જાહેર કરવા છતાં, આ સામાજિક દુષણ લોકોના વિચારોમાં હજુ જીવંત છે.
પરંતુ કલ્પના કરો કે, જો કોઈ લગ્ન એટલા માટે તૂટી ગયા કે વરરાજાએ દહેજ સ્વીકારવાનો જ ઇનકાર કરી દીધો તો શું? આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહ્યો છે. લોકો આ ઘટના પર વિવિધ રીતે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક વરરાજાની પ્રામાણિકતાની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે કેટલાક સસરાના આવા નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
આ વાર્તા એક રેડિટ યુઝરે શેર કરી હતી, જેણે કહ્યું હતું કે, આ ઘટના તેના પિતરાઈ ભાઈ સાથે બની હતી. યુઝરે લખ્યું છે કે, તેનો ભાઈ એક સમજદાર અને સારું કમાતો માણસ છે. તેને લગ્નનો એક સારો પ્રસ્તાવ મળ્યો. છોકરો અને છોકરી બંને એકબીજાને પસંદ કરતા હતા અને બંને પરિવારો પણ સંમત થયા હતા, પરંતુ દહેજને કારણે સંબંધ તૂટી ગયો.
યુઝરે લખ્યું કે, છોકરીના પિતા વારંવાર દહેજ ઓફર કરતા હતા. તેમણે ભેટ તરીકે રેન્જ રોવર અથવા ડુપ્લેક્સ ફ્લેટ સૂચવ્યો, પરંતુ તેમના ભાઈએ દરેક વખતે ના પાડી. અંતે, છોકરીના પિતાએ સંબંધ તોડી નાખ્યો, 'જો તે દહેજ નથી લઈ રહ્યો, તો જરૂર તેનામાં કંઈક ખામી હશે.'
યુઝરના મતે, છોકરીના પિતાએ એમ કહીને પોતાના વિચારો વ્યક્ત કર્યા કે, એક ઉચ્ચ કક્ષાનો માણસ તેની કિંમત જાણે છે. Xiaomi અને Vivo ફોન સસ્તામાં મળે છે, પરંતુ લોકો iPhone ખરીદવા માટે લાખો ખર્ચ કરે છે કારણ કે તેમાં કંઇક વેલ્યુ હોય છે. તેમનું કહેવાનું એમ હતું કે, જો વરરાજા દહેજ નથી લઈ રહ્યો, તો તે કદાચ લગ્ન કરવાને 'લાયક' નથી.
પોસ્ટ વાયરલ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ. કોઈએ લખ્યું કે, જો આવી દલીલ સાચી હોય, તો પછી દહેજ આપતી છોકરીમાં કેમ ઉણપ ન ગણવી જોઈએ? અન્ય લોકોએ પોતાના અનુભવો શેર કર્યા.
એક યુઝરે લખ્યું કે, તેને પણ આવા જ સબંધો માટે ઓફર આવી હતી. છોકરીઓ અને તેમના માતાપિતા ઝડપથી સંબંધ ગોઠવવા માંગતા હતા, જ્યારે તે સમય વિતાવીને પછી તે વ્યક્તિને જાણવા માંગતો હતો. પછીથી, તેઓએ તેમની સંપત્તિ અને હૈસિયતની બડાઈ મારવાનું શરૂ કર્યું. ત્યારે મને સમજાયું કે, આ તો લાલ ઝંડા રૂપી ચેતવણી છે.
બીજા એક યુઝરે શેર કર્યું કે, એક છોકરી યુનાઇટેડ સ્ટેટ્સની કાયમી રહેવાસી હતી, અને તેનો પરિવાર તે વાતનો ઉપયોગ કરીને લાલચ આપી રહ્યો હતો. તેણે લખ્યું કે તેને લાગ્યું કે તેઓ તેને માણસ તરીકે નહીં પણ એક વસ્તુ તરીકે રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી, તેણે તે સંબંધને નકારી કાઢ્યો, કારણ કે તેઓ મને યોગ્ય ન લાગ્યા.
નોંધ: આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ પર આધારિત છે. KHABARCHHE.COM આ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાઓને સ્વતંત્ર રીતે સાચું સાબિત કરી શકતું નથી.

