- National
- રાજ્યમાં સર્ક્યુલેશન ન ધરાવતા નેશનલ હેરાલ્ડ અખબારને કર્ણાટક સરકારે સૌથી વધુ જાહેરાતનું ભંડોળ ફાળવ્યુ...
રાજ્યમાં સર્ક્યુલેશન ન ધરાવતા નેશનલ હેરાલ્ડ અખબારને કર્ણાટક સરકારે સૌથી વધુ જાહેરાતનું ભંડોળ ફાળવ્યું!
નેશનલ હેરાલ્ડ અખબારને કોંગ્રેસની આગેવાની હેઠળની કર્ણાટક સરકાર તરફથી અન્ય કોઈપણ રાષ્ટ્રીય દૈનિક અખબાર કરતાં વધુ જાહેરાત ભંડોળ મળ્યું હતું, જેના કારણે લોકોના આ પૈસાના ઉપયોગ પર પ્રશ્નો ઉભા થયા હતા.
મીડિયા સૂત્રો અને સરકારી રેકોર્ડ્સમાંથી મળેલી માહિતી અનુસાર, કર્ણાટકમાં અખબારના ઓછા વાચકો અને જીરો સર્કયુલેશન હોવા છતાં, નેશનલ હેરાલ્ડને રાજ્ય સરકારના જાહેરાત બજેટમાંથી કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા હોવાનો આરોપ છે.
અહેવાલો અનુસાર, તે સતત બે વર્ષથી કર્ણાટકના રાષ્ટ્રીય અખબારોમાં જાહેરાત ખર્ચનો સૌથી મોટો લાભાર્થી તરીકે ઉભરી આવ્યો છે. ડેટા દર્શાવે છે કે, નેશનલ હેરાલ્ડને 2023-24માં રૂ. 1.90 કરોડ ફાળવવામાં આવ્યા હતા, ત્યારપછી 2024-25માં આશરે રૂ. 1 કરોડ (રૂ. 99 લાખ) ફાળવવામાં આવ્યા હતા.
જ્યારે, ઘણા જાણીતા રાષ્ટ્રીય અખબારોને નોંધપાત્ર રીતે ઓછું ભંડોળ મળ્યું હોવાના અહેવાલ છે, જેમાં કેટલાકને નેશનલ હેરાલ્ડને મળેલા ભંડોળના અડધા કરતાં પણ ઓછું મળ્યું હતું. ફક્ત 2024-25માં, કર્ણાટક સરકારે રાષ્ટ્રીય અખબારોમાં જાહેરાતો પર રૂ. 1.42 કરોડ ખર્ચ્યા હોવાના અહેવાલ છે.
આમાંથી, આશરે 69 ટકા ફક્ત નેશનલ હેરાલ્ડને આપ્યા હોવાના અહેવાલ છે, જ્યારે ઘણા મુખ્ય રાષ્ટ્રીય અખબારોને તે જ સમયગાળા દરમિયાન કોઈ પૈસા મળ્યા ન હોવાના અહેવાલ છે.
નેશનલ હેરાલ્ડ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે સંકળાયેલા હાઇ-પ્રોફાઇલ વિવાદના કેન્દ્રમાં રહ્યું છે. તેઓ અખબારની પેરેન્ટ કંપની, એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ને સંડોવતા EDના મની લોન્ડરિંગ કેસમાં આરોપી છે.
દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ કર્ણાટકના DyCM DK શિવકુમાર અને તેમના ભાઈ DK સુરેશને પણ નોટિસ મોકલી આપી છે, જેમાં નેશનલ હેરાલ્ડ અને યંગ ઇન્ડિયનને આપવામાં આવેલા દાન સંબંધિત નાણાકીય રેકોર્ડ માંગવામાં આવ્યા છે. આ તપાસ ભંડોળ અને સંપત્તિ ટ્રાન્સફરમાં અનિયમિતતાના આરોપો સાથે સંબંધિત છે, જેને કોંગ્રેસે રાજકીય રીતે પ્રેરિત અને પક્ષના નેતાઓને હેરાન કરવાના હેતુથી ગણાવી છે.
કર્ણાટકના ભૂતપૂર્વ DyCM અને BJPના વરિષ્ઠ નેતા CN અશ્વથ નારાયણે ફાળવણીને કરદાતાઓના પૈસાની લૂંટ ગણાવી અને પ્રશ્ન કર્યો કે શા માટે જાહેરાત શૂન્ય વાચક અને તપાસ હેઠળના અખબારને આપવામાં આવી.
કર્ણાટકના પર્યાવરણ મંત્રી ઈશ્વર ખંડ્રેએ કહ્યું કે, નેશનલ હેરાલ્ડને જાહેરાતો આપવી ખોટી નથી, પરંતુ તેના પર પ્રશ્ન ઉઠાવવો રાષ્ટ્ર વિરોધી છે.
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ નેશનલ હેરાલ્ડને 'રાષ્ટ્રીય વારસો' ગણાવ્યો અને આવી સંસ્થાઓનું રક્ષણ કરવાની દેશની જવાબદારી છે.

