- National
- BMCની ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક થયા! આ નવું ગઠબંધન કેટલું અસરકારક રહેશે?
BMCની ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક થયા! આ નવું ગઠબંધન કેટલું અસરકારક રહેશે?
BMC ચૂંટણી પહેલા ઠાકરે બંધુઓ માટે કોઈ સારા સમાચાર નથી. 2025ની મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીના પરિણામો મહા વિકાસ આઘાડી માટે પણ ખરાબ સમાચાર લાવ્યા છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 21 ડિસેમ્બરે જાહેર કરાયેલા પરિણામો અનુસાર, મહારાષ્ટ્રમાં શાસક મહાયુતિ (મહાગઠબંધન)એ 207 મ્યુનિસિપલ કાઉન્સિલ પ્રમુખ પદો જીત્યા છે. BJPએ 117, DyCM એકનાથ શિંદેની શિવસેનાએ 53, જ્યારે DyCM અજિત પવારની NCPએ 37 પદો જીત્યા છે.
વિપક્ષી ગઠબંધન, મહા વિકાસ આઘાડી (MVA)એ કુલ 44 મ્યુનિસિપલ કાઉન્સિલ પ્રમુખ પદો જીત્યા છે, જેમાં કોંગ્રેસે 28, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ 9 અને શરદ પવારની NCPએ 7 પદો જીત્યા છે.
BMC ચૂંટણી 15 જાન્યુઆરીએ યોજાવાની છે, જેના પરિણામો બીજા દિવસે એટલે કે, 16 જાન્યુઆરીએ આવવાની અપેક્ષા છે. મહા વિકાસ આઘાડી (MVA) માટે BMC ચૂંટણી અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર બનવાની તૈયારીમાં છે. કારણકે સ્થાનિક કોંગ્રેસના નેતાઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે જોડાણ કરીને BMC ચૂંટણી લડવાના મુદ્દા પર અલગ રસ્તો અપનાવી રહ્યા હોવાના અહેવાલ છે. જોકે, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતને હજુ પણ આશા છે કે, કોંગ્રેસને મનાવી લેવામાં આવશે.
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના પ્રતિનિધિઓ એક મહિનાથી વધુ સમયથી BMC ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગે વાટાઘાટો કરી રહ્યા છે. શિવસેના (UBT) વતી અનિલ પરબ, વરુણ સરદેસાઈ અને સૂરજ ચવ્હાણને બેઠક વહેંચણી અંગે વાટાઘાટો સોંપવામાં આવી હતી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) વતી નીતિન સરદેસાઈ અને બાલા નંદગાંવકર આ ભૂમિકા સંભાળી રહ્યા છે.
રવિવાર, 21 ડિસેમ્બરે, બંને પક્ષોના નેતાઓએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે મીડિયા સાથે અપડેટ શેર કર્યું હતું. સંજય રાઉતના જણાવ્યા અનુસાર, બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી અંગે ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે.
શિવસેના-UBT નેતા સંજય રાઉત કહે છે કે, બેઠકોની વહેંચણી અંગે અંતિમ સમજૂતી થઈ ગઈ છે. કઈ સીટ પર કોણ ચૂંટણી લડશે તે અંગે સહમતી થઇ ગઈ છે, સંજય રાઉત કે અનુસાર, BMC ચૂંટણીની તૈયારીઓ અંગે બંને ભાઈઓના રાજકીય પક્ષો વચ્ચે હવે કોઈપણ પ્રકારની અડચણ રહી નથી.
સંજય રાઉતે જણાવ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ જાતે કોઈપણ સમસ્યાઓના ઉકેલ માટે વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કર્યો હતો. બંને પક્ષોએ એ વાતનો પણ ખ્યાલ રાખ્યો છે કે, બંને પક્ષના કાર્યકરો સંતુષ્ટ રહે. સંજય રાઉતે એમ પણ કહ્યું હતું કે, આગામી એક કે બે દિવસમાં એક પત્રકાર પરિષદ યોજીને ગઠબંધનની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.
મ્યુનિસિપલ ચૂંટણીઓના પરિણામો પણ વિધાનસભા ચૂંટણી જેવી જ પેટર્નને અનુસર્યા છે, અને BMC તે પ્રક્રિયામાં આગળનું પગલું છે. જોકે, તે પહેલા MNS એટલે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને મ્યુનિસિપલ ચૂંટણીઓમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. MNS 288 મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતોમાંથી કોઈપણમાં એક પણ અધ્યક્ષ પદ જીતી શક્યું નહીં.
જો મ્યુનિસિપલ ચૂંટણીઓ મહારાષ્ટ્રના રાજકારણની વાર્તા કહે છે, તો 16 જાન્યુઆરીએ BMC ચૂંટણીના પરિણામો મુંબઈના રાજકારણની નવી વાર્તા કહેશે, અને તે પરિણામો જ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે માટે ભવિષ્ય હશે, જેઓ હાલમાં કરણ અને અર્જુનની ભૂમિકા ભજવી રહ્યા છે.
હાલમાં 2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધન સાથે જે બન્યું હતું, તે જ મહારાષ્ટ્રમાં તાજેતરની મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહા વિકાસ આઘાડીના પણ એ જ હાલ થયા છે. બિહાર અને મહારાષ્ટ્રમાં, આ બંને ગઠબંધનોને INDIA બ્લોકનો ભાગ માનવામાં આવે છે.
જ્યારે સંજય રાઉતને BMC ચૂંટણીઓ પર કોંગ્રેસના વલણ વિશે મીડિયા દ્વારા યાદ અપાવવામાં આવ્યું, ત્યારે તેમણે દાવો કર્યો કે, મહા વિકાસ આઘાડીમાં બધું બરાબર છે. અને, જો કોંગ્રેસ નારાજ થશે, તો તેમણે મનાવી લેવામાં આવશે.
સંજય રાઉતે કહ્યું કે મહા વિકાસ આઘાડીમાં કોંગ્રેસ એકમાત્ર રાષ્ટ્રીય પક્ષ છે અને તેની પોતાની મજબૂત વોટ બેંક છે. સંજય રાઉત કહે છે કે, જેમ લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ સાથે લડવામાં આવી હતી, તેવી જ રીતે BMC અને જિલ્લા પરિષદની ચૂંટણીઓ પણ સાથે લડવી જોઈએ.
હકીકતમાં, જ્યારથી ઉદ્ધવ ઠાકરે જૂથે રાજ ઠાકરેને મહા વિકાસ આઘાડીમાં સામેલ કરવાની પહેલ શરૂ કરી છે, ત્યારથી કોંગ્રેસની નારાજગી ધીમે ધીમે સપાટી પર આવવા લાગી છે. સંજય રાઉત જે પણ દાવો કરે, પરંતુ ઉદ્ધવ ઠાકરેના પોતાના જ પ્રવક્તા આનંદ દુબે કોંગ્રેસ વિરુદ્ધ ઝેર ઓકતા રહ્યા છે. 'મુંબઈમાં કોંગ્રેસને ગંભીરતાથી લેવાની જરૂર નથી... તેઓ ત્રણ દાયકાથી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ હારી રહ્યા છે... તો 2026માં તેઓ કયો ચમત્કાર કરશે? કોંગ્રેસ મુંબઈમાં એક પ્રવાસીની જેમ આવે છે. તેઓ આવે છે, ફરે છે, હોર્ડિંગ્સ લગાવે છે, ચૂંટણી હારે છે... અને પછી ઘરે ચાલ્યા જાય છે.'
વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એકસાથે લડનારા આ પક્ષો વચ્ચે BMC ચૂંટણી અંગે પરિસ્થિતિ સ્પષ્ટ છે. આ ચૂંટણીમાં અવિભાજિત શિવસેનાનો હાથ ઉપર રહેતો હતો. તેથી, ઉદ્ધવ જૂથ આ બાબતે કોઈ વિભાજન ઇચ્છતું નથી.
આનંદ દુબેના નિવેદન પર કોંગ્રેસે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતા સચિન સાવંતે કહ્યું, 'અમે પહેલાથી જ અમારી સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે... કોંગ્રેસ પાર્ટી ચૂંટણીમાં એકલા લડવા માંગે છે, અને તેની પાછળ તેની પોતાની વિચારધારા છે... અમને કોઈ ઉતાવળ નથી... સમગ્ર પાર્ટીએ સારી રીતે સમજી વિચારીને નિર્ણય લીધો છે... અમે ધર્મ, જાતિ, પ્રદેશ અને ભાષાના આધારે સંઘર્ષ પેદા કરનારા બધા લોકો સામે લડીશું.'
કોંગ્રેસના મુંબઈ પ્રભારી UB વેંકટેશ મહા વિકાસ આઘાડી છોડીને પ્રકાશ આંબેડકરની પાર્ટી, વંચિત વિકાસ આઘાડીમાં જોડાવાની વાત કરી રહ્યા છે. UB વેંકટેશ કહે છે, 'અમે એકલા લડી રહ્યા છીએ, અને પ્રકાશ આંબેડકરજી સાથે જોડાવાનું વિચારી રહ્યા છીએ.'
VBA નેતા વર્ષા ગાયકવાડે એમ પણ જણાવ્યું હતું કે, UB વેંકટેશ અને પ્રકાશ આંબેડકર વચ્ચેની મુલાકાત દરમિયાન BMC ચૂંટણી અંગે ચર્ચા થઈ હતી. અહેવાલો અનુસાર, અમીન પટેલ, સચિન સાવંત અને મધુ ચવ્હાણની બનેલી સમિતિ કોંગ્રેસ અને VBA વચ્ચેના સોદાને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરી રહી છે.
નેતાઓના આ નિવેદનો તો એવું કહી રહ્યા છે કે, જો ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે આવે છે તો, કોંગ્રેસ એકલા ચૂંટણી લડશે. અને જ્યાં સુધી BMC ચૂંટણીના પરિણામો જાહેર ન થાય ત્યાં સુધી, BMC ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ગઠબંધન કેટલું મહત્વપૂર્ણ રહેશે તે સવાલ ઉભો જ રહેશે.

