- National
- કૈલાશ વિજયવર્ગીયના ‘ઘંટા’વાળા નિવેદનથી SDM કેમ સસ્પેન્ડ થયા? જાણો આખો મામલો
કૈલાશ વિજયવર્ગીયના ‘ઘંટા’વાળા નિવેદનથી SDM કેમ સસ્પેન્ડ થયા? જાણો આખો મામલો
મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયના ચર્ચિત ‘ઘંટા’વાળા નિવેદનનો ઉલ્લેખ સરકારી આદેશમાં કરવાનું દેવાસના SDM આનંદ માલવિયાને મોંઘું પડી ગયું. પત્ર વાયરલ થતા જ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉજ્જૈન વિભાગીય કમિશનર આશિષ સિંહે આ કાર્યવાહી માટે આદેશ જાહેર કર્યો હતો. દેવાસના કલેક્ટર ઋતુરાજ સિંહે SDM ઓફિસમાં સહાયક ગ્રેડ-3 અમિત ચૌહાણને પણ સસ્પેન્ડ કર્યા છે. વહીવટી ફેરબદલ કરતા અભિષેક શર્માને દેવાસના નવા SDM તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ઇન્દોરમાં દૂષિત પીવાના પાણીથી થતી બીમારી અને મૃત્યુને લઈને રાજ્યનું રાજકારણ પહેલેથી જ ગરમાયું હતું. આ દરમિયાન પત્રકારના પ્રશ્નના જવાબમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય દ્વારા ‘ઘંટા’ શબ્દનો ઉપયોગ કરાતા વિવાદ વધુ ઘેરો બન્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ આ નિવેદનને અસંવેદનશીલ ગણાવતા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા. આ રાજકીય માહોલ વચ્ચે, SDM આનંદ માલવિયાએ દેવાસમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક સરકારી આદેશ જાહેર કર્યો હતો. આ આદેશનો હેતુ કોંગ્રેસના પ્રસ્તાવિત વિરોધ દરમિયાન શાંતિ અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો હતો, પરંતુ આદેશની ભાષા અને તેમાં સામેલ સામગ્રીએ સમગ્ર વહીવટી તંત્રને મુશ્કેલીમાં મુકી દીધું.
વાયરલ થયેલા આદેશમાં વહીવટી નિર્દેશો સાથે-સાથે, કોંગ્રેસના મેમોરેન્ડમમાં કરવામાં આવેલા સરકાર વિરોધી આરોપો, મૃત્યુઆંક અને મંત્રી કૈલાશ વિજયવર્ગીયની ‘ઘંટા’ ટિપ્પણીનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આવા આદેશો માત્ર કાયદો અને વ્યવસ્થા, પોલીસ બળની તૈનાતી અને વહીવટી દિશા-નિર્દેશ હોય છે, પરંતુ આ આદેશમાં રાજકીય ભાષા અને આરોપોનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આદેશનો એક ભાગ કોંગ્રેસના મેમોરેન્ડમમાંથી લગભગ શબ્દશઃ લેવામાં આવ્યો હતો. આ વાત શાસન સ્તર પર સૌથી અરમાનજનક માનવામાં આવી હતી.
જેવો જ આ આદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થયો, વિપક્ષે તેને વહીવટના રાજનીતિકરણનું ઉદાહરણ ગણાવ્યું, જ્યારે સત્તાધારી પક્ષમાં અસહજતા સ્પષ્ટ નજરે પડી. આ મામલો થોડા જ સમયમાં ભોપાલ પહોંચ્યો, અને ઉચ્ચ સ્તરીય રિપોર્ટ મંગાવવામાં આવ્યો. વહીવટી ગલિયારામાં ચર્ચાઓ તેજ થઈ ગઈ કે એક જવાબદાર અધિકારી આટલી મોટી ભૂલ કેવી રીતે કરી શકે. ઉજ્જૈન ડિવિઝન કમિશનર આશિષ સિંહે આ બાબતને ગંભીર માનતા તાત્કાલિક SDM આનંદ માલવિયાને સસ્પેન્ડ કરવાનો આદેશ જાહેર કરી દીધો.
આ મામલાની આંતરિક તપાસમાં એ વાત પણ સામે આવી કે SDM ઓફિસમાં તૈનાત સહાયક ગ્રેડ-3 અમિત ચૌહાણે ઓર્ડર તૈયાર કરવામાં અને ટાઇપ કરવામાં ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ, દેવાસના કલેક્ટર ઋતુરાજ સિંહે સહાયક ગ્રેડ-3 અમિત ચૌહાણને પણ સસ્પેન્ડ કરી દીધા. વહીવટી સૂત્રોનું કહેવું છે કે આ કાર્યવાહી એ સંદેશ મોકલવાનો પ્રયાસ છે કે સરકારી દસ્તાવેજોમાં બેદરકારી કે રાજકીય સામગ્રી સહન કરવામાં નહીં આવે.
સસ્પેન્ડ થયા બાદ તરત જ, સરકારે અભિષેક શર્માને દેવાસના નવા SDM તરીકે નિયુક્ત કર્યા. પદ સંભાળ્યા બાદ, નવા SDMએ અધિકારીઓ સાથે બેઠક યોજી અને સ્પષ્ટતા કરી કે તમામ આદેશો અને નિર્દેશો વહીવટી ભાષા અને નિયમો અનુસાર કડક રીતે જાહેર કરવામાં આવશે. તો SDMને સસ્પેન્ડ કર્યા બાદ લોકોનું કહેવું છે કે ‘ઘંટા’ કહેનારા કૈલાશ વિજયવર્ગીય પર તો કોઈ કાર્યવાહી ન થઈ, પરંતુ સરકારી આદેશમાં તેમનું નિવેદન લખવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેવો ન્યાય છે?

